• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

અંજારના વેપારી સાથે અકસ્માતના વળતરનાં નામે સાયબર છેતરપિંડી

ગાંધીધામ, તા. 3 : અંજાર ખાતે રહેતા અને ડેવલોપર્સનો વ્યવસાય કરતા વેપારી સાથે માધાપર ખાતે અકસ્માત બાદ વળતર ચૂકવવાના બહાને અનોખી રીતે સાયબર ઠગાઇ આચરવામાં આવી હતી. કારમાં થયેલા નુકસાન પેટે ઓનલાઇન નાણાં મેળવી બાદમાં બેન્ક ખાતું, સિમકાર્ડ બ્લોક થતાં પોલીસ ફરિયાદ કરાઇ હતી. અંજારમાં રહેનાર ફરિયાદી કમલેશ મેઘજી મહેશ્વરી અને તેમનો પરિવાર ગત તા. 21/6ના ગુડથર મતિયાદેવ ખાતે ગયા હતા. ત્યાંથી પરત આવતી વેળાએ માધાપરની કાસમશા પીરની દરગાહ પાસે તેમની ગાડી પહોંચી હતી ત્યારે ઓવરટેક કરવા જનાર રાજસ્થાન પાસિંગની બોલેરોએ અકસ્માત કર્યો હતો, તેમાંથી સવઇ રામકુમાર ઊતર્યો હતો. ફરિયાદી કમલેશ મહેશ્વરીએ  પોતાની ગાડીમાં થયેલ નુકસાનીના ફોટો કંપનીમાં મોકલી ખર્ચા અંગે જાણ્યું હતું અને 35,000 ખર્ચો થવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો. આરોપી સવઇ રામકુમારે પોતાના દાદા અવસાન પામ્યા હોવાનું કહી ફરિયાદીનું  સ્કેનર માગી રૂા. 35,000 નાખી દીધા હતા. બાદમાં ફરિયાદીની ગાડીમાં રૂા. 30,000નો ખર્ચ થતાં તેમણે આરોપી સવઇને 5000 પરત આપવા ફોન કર્યો હતો અને આ રકમ પરત કરવા જતાં તેમનું ખાતું બ્લોક થયું હોવાનું બેન્કમાંથી જાણવા મળ્યું હતું. આરોપીએ સસ્તી બાઇક દેવાનું કહીને ફરિયાદીએ રૂપિયા લીધા હોવાની ફરિયાદ આરોપી સવઇએ રાજસ્થાનમાં કરી હોવાથી તેમનું બેન્ક ખાતું, સિમકાર્ડ બ્લોક કરાયા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે માધાપર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd