• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

આદિપુર 4-બીમાં પાણી લીકેજની ફરિયાદ બાદ ખો-ખો

ગાંધીધામ, તા. 3 : આદિપુરના ફોર બી વિસ્તારમાં ધરમ બેકરી પાસે વાલ્વમાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે અને હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છેની ફરિયાદ કરવામાં આવતાં પાણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે. લોકોને નિયમિત જળ મળતું નથી અને અહીં પાણી વેડફાટ યથાવત્ છે. વહીવટી તંત્રએ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરથી કમાન ગુમાવતાં સ્થિતિ કથળતી જાય છે.  જાગૃત નાગરિકો અને સરકારી અધિકારીઓ પીવાના પાણીનો વેડફાટ થાય છે, ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને જાણ કરે છે, ફરિયાદ કરે છે, ત્યારે પાલિકાના જવાબદારો એકબીજા ઉપર ઢોળી દે છે. તમે આ અધિકારીને ફોન કરો તેવું કહીને એકબીજાને ખો આપે છે, પરંતુ પાણીનો વેડફાટ રોકવા માટે કોઈ અધિકારી કે કર્મચારી પગલાં ભરતાં નથી.  પરિણામે જે જળ લોકોનાં ઘરના નળમાં મળવું જોઈએ, તે રોડ ઉપર વેડફાય છે. પીવાનાં પાણીની કટોકટી અને તંગી વચ્ચે પાણીનો વેડફાટ થાય છે, જેના પગલે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. પાણી વિભાગમાં અધિકારીઓ અને કર્મચારીઓની ફોજ છે, ઇજનેરો તેમજ કર્મચારીઓ ઓફિસમાં બેઠા બેઠા કામ કરે છે અને લોકોની ફરિયાદ ઉપર ધ્યાન આપવાના બદલે મોટા મોટા કામોમાં રસ ધરાવે છે.  પરિણામે લોકોને જે સમસ્યાઓ કનડગત કરે છે, તેનું સમાધાન આવતું નથી. ફોર બીમાં પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેની ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓએ ધ્યાન આપ્યું નહીં.  મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈ પણની લાઈન હોય કે કોઈ પણ સમસ્યા હોય મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ ધ્યાન આપીને તે સમસ્યા કેવી રીતે હલ થાય છે તેવા પ્રયાસો કરવા જોઈએ, પરંતુ આવું થતું નથી. પરિણામે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં પૂરતો વરસાદ થયો નથી, પાણીની કટોકટી છે અને તે વચ્ચે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, મ્યુનિસિપલ કમિશનર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઊઠી છે. 

Panchang

dd