• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

કચ્છના અખાતના દક્ષિણ ભાગમાં ડોલ્ફિનનું પ્રભુત્વ

ભુજ/અમદાવાદ, તા. 3 : દક્ષિણ કચ્છના અખાતમાં ડોલ્ફિન સૌથી વધુ જોવા મળતાં દરિયાઈ સસ્તન પ્રાણી તરીકે ઊભરી આવી છે, ગુજરાત વન વિભાગના ગીર ફાઉન્ડેશન દ્વારા ઓક્ટોબર 2023થી ફેબ્રુઆરી 2025 દરમિયાન દક્ષિણ કચ્છના અખાતમાં આવેલા મરિન નેશનલ પાર્ક અને અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારમાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણ દરમિયાન સંશોધકોને 64 વખત ડોલ્ફિન જોવા મળી હતી અને કુલ 193 ડોલ્ફિન જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશે દરિયાઈ જૈવ-વિવિધતાનાં સંરક્ષણ માટે વિવિધ પગલાં લીધાં છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, મખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કુદરતી વારસાના સંરક્ષણ માટે સરકાર પ્રતિબદ્ધ છે. શ્રી મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, બોટ દ્વારા હાથ ધરાયેલાં સર્વેક્ષણમાં પરવાળાના વિસ્તારો, ભરતી-ઓટના વિસ્તારો, ટાપુઓની સીમાઓ અને છીછરા દરિયાકાંઠાના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન કુલ 342 દરિયાઇ પ્રાણીઓ સાથે 177 વખત જળચર પ્રાણીઓ જોવા મળ્યાં હતાં. સર્વે દરમિયાન નોંધાયેલા કુલ દરિયાઇ પ્રાણીઓમાં 36.2 ટકા હિસ્સો ડોલ્ફિનનો હતો. એટલે કે, આ સર્વેક્ષણ દરમિયાન તમામ દરિયાઇ પ્રાણીમાં સૌથી વધુ સંખ્યામાં ડોલ્ફિન જોવા મળી હતી. વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, સર્વેક્ષણ કચ્છના અખાતમાં ડોલ્ફિન કયા વિસ્તારોનો ઉપયોગ કરે છે તેનું વિગતવાર ચિત્ર રજૂ કરે છે. નરારા રીફ ખાતે સૌથી વધુ 14 વખત ડોલ્ફિન જોવા મળી હતી, જેમાં 39 ડોલ્ફિનનો સમાવેશ થાય છે.  સંશોધકોએ જોયું કે, ડોલ્ફિન ખાસ કરીને પરવાળાના વિસ્તારો, ટાપુઓની કિનારીઓ, ભરતી-ઓટના વિસ્તારો અને ખુલ્લાં પાણીવાળા સ્થળોએ જોવા મળી. આ વિસ્તારો ડોલ્ફિન માટે અવરજવરના માર્ગો તેમજ ખોરાક મેળવવા માટેના સમૃદ્ધ વિસ્તારો પૂરા પાડતા હોવાનું માનવામાં આવે છે. અખાતમાં મજબૂત ભરતી પ્રવાહો પોષક તત્ત્વોનાં મિશ્રણને પ્રોત્સાહન આપે છે અને માછલીઓને એકત્રિત કરી શકે છે, જેના કારણે સમૂહમાં રહેતી માછલીઓનો શિકાર કરતી ડોલ્ફિન માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે તેવું ગીર ફાઉન્ડેશનનાં નિયામક બી. પી. પતીએ જણાવ્યું હતું. - ડોલ્ફિનનો અવર-જવરનો માર્ગ  : ડેડકા-મુંડેકા ટાપુ સમૂહ ડોલ્ફિનના અવરજવરના માર્ગ તરીકે ખાસ મહત્ત્વ ધરાવતો હોવાનું જણાયું છે. ટાપુઓ વચ્ચેની વધુ ઊંડી રીફની સીમાઓ અને ભરતી-ઓટની નહેરો સાથે ડોલ્ફિનને વારંવાર આગળ વધતી જોવામાં આવી હતી. - ડોલ્ફિનની રસપ્રદ વર્તણૂક જોવા મળી : સર્વેક્ષણ દરમિયાન ડોલ્ફિનની વિવિધ પ્રકારની રસપ્રદ વર્તણૂક પણ જોવા મળી. સંશોધકોએ નોંધ્યુ કે, ડોલ્ફિન સમૂહમાં તરે છે, નિયમિત રીતે પાણીની સપાટી પર આવે છે, ભરતીના પ્રવાહ સાથે ચોક્કસ દિશામાં આગળ વધે છે અને ક્યારેક ખોરાક મેળવવા નિરાળા અંદાજમાં વર્તન કરે છે. ડોલ્ફિનનાં સમૂહનાં કદમાં પણ નોંધપાત્ર ભિન્નતા જોવા મળી હતી. એકલ-દોકલ ડોલ્ફિનથી લઈને સંશોધકોએ એક સાથે 16 ડોલ્ફિનનો સમૂહ પણ નોંધ્યો હતો. આ બાબત દરિયાકાંઠાની ડોલ્ફિન પ્રજાતિઓની સામાજિક વર્તણૂક દર્શાવે છે. અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડો. જયપાલાસિંહે જણાવ્યું કે, તાજેતરનાં તારણો દક્ષિણ કચ્છના અખાતને એક ગતિશીલ દરિયાઈ આવાસ તરીકે રજૂ કરે છે, જ્યાં રીફ, દરિયાઇ ઘાસનાં મેદાનો અને ભરતી-ઓટના - ડોલ્ફિનનું પ્રભુત્વ : વિસ્તારો પરસ્પર મળીને વિવિધ પ્રકારનાં દરિયાઈ જીવનને ટકાવી રાખે છે. - ભવિષ્યના સંરક્ષણ પ્રયાસો માટે મહત્ત્વપૂર્ણ આધારરેખા : ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામક અમિતકુમાર નાયક (ઈંજિ)એ જણાવ્યું હતું કે, વિવિધ ઋતુઓ દરમિયાન અને અનેક સ્થળોએ સતત ડોલ્ફિન નોંધાતાં આ અભ્યાસ ભવિષ્યના સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ આધારરેખા સ્થાપિત કરે છે. આ બધું ડોલ્ફિનની વસ્તીના વલણોને સમજવા અને કચ્છનો અખાત ગુજરાતના દરિયાકાંઠાની ડોલ્ફિન માટે સુરક્ષિત રહેઠાણ બની રહે તે સુનિશ્ચિત કરવા માટે અત્યંત જરૂરી છે. 

Panchang

dd