• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

બિલ્ડરો હાથ ન ખંખેરી શકે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 3 : દેશભરમાં ફ્લેટ કે મકાન ખરીદતી વખતે બિલ્ડરો દ્વારા ચળકતા બ્રોશરમાં લક્ઝરિયસ સુવિધાઓ, વિશાળ રસ્તાઓ અને ગાર્ડનના મોટા-મોટા દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ પઝેશન વખતે ખરીદદારોને ઘણી વખત તમામ સુવિધાઓ આપવામાં આવતી નથી. આવા જ એક ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ ડેવલપર્સને ચેતવણી આપી છે.  સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે, ડેવલપર્સ પ્રોજેક્ટ બ્રોશરમાં ગ્રાહકોને વાયદા કરીને પાછળથી તેને માત્ર `માર્કાટિંગ ક્લેઇમ' ગણાવીને હાથ ખંખેરી શકે નહીં. જો કોઈ ચોક્કસ પ્લાન, નકશા અને સુવિધાઓ દર્શાવીને પ્રોજેક્ટ વેચવામાં આવ્યો હોય, તો બિલ્ડરે તે તમામ વચનો જમીન પર પૂરા કરવા જ પડશે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠ ગુરુગ્રામના સેક્ટર 82A સ્થિત DLF હોમ ડેવલપર્સના `ધ પ્રાઇમસ' હાઉસિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વિવાદની સુનાવણી કરી રહી હતી. આ પ્રોજેક્ટના મૂળ પ્લાનમાં 24 મીટર પહોળો એપ્રોચ રોડ દર્શાવવામાં આવ્યો હતો. જો કે, આ રસ્તો વચન મુજબ બનાવવામાં આવ્યો નથી. ખંડપીઠે ચેતવણી આપી હતી કે, જો પ્રોજેક્ટને મૂળ બ્રોશર અને નકશા મુજબ સુધારવામાં નહીં આવે તો કોર્ટ આકરા આદેશો આપશે. સુપ્રીમ કોર્ટે અગાઉ CBIને આ રસ્તા અને અન્ય ફરિયાદોની પ્રાથમિક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. CBIની તપાસમાં જાણવા મળ્યું કે, મૂળ યોજના મુજબ 24 મીટર પહોળો આ રસ્તો લગભગ 147 મીટર લાંબો બનવાનો હતો, પરંતુ જમીન પર તેમાંથી લગભગ 52 મીટરના હિસ્સામાં ગ્રીન પેચ (બગીચો) બનાવી દેવામાં આવ્યો હતો.  સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે વારંવાર તકો આપવા છતાં બિલ્ડર દ્વારા આ ખામી કેમ સુધારવામાં આવી નથીઆ વિવાદની શરૂઆત 5 ફ્લેટ ખરીદદારો દ્વારા નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન સમક્ષ દાખલ કરાયેલી ફરિયાદથી થઈ હતી. 29 મે, 2023 ના રોજ કન્ઝ્યુમર ફોરમે ચુકાદો આપ્યા બાદ ખરીદદારો અને DLF બંને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તાજા આદેશમાં સુપ્રીમ કોર્ટે CBI ડાયરેક્ટરને સૂચના આપી છે કે આ પ્રાથમિક તપાસ સંભાળી રહેલા એસપી સૌરભ ગુપ્તાની મદદ માટે વધુ બે ઇન્સ્પેક્ટરો નિયુક્ત કરવામાં આવે. આ કેસની આગામી સુનાવણી 12 ઓક્ટોબરના રોજ નિયત કરવામાં આવી છે, જ્યાં એજન્સી પોતાનો આખરી રિપોર્ટ રજૂ કરશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે CBI ની તપાસ સંપૂર્ણપણે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહેવી જોઈએ.  

Panchang

dd