• બુધવાર, 21 મે, 2025

હવનમાં હાડકાં નાખવાની ચેષ્ટા

કોંગ્રેસના સિનિયર નેતા પી. ચિદમ્બરમે તાજેતરમાં કોંગ્રેસના ઇન્ડિ મોરચાના અસ્તિત્વ અને ભવિષ્ય અંગે પ્રશ્ન-વાસ્તવમાં શંકા વ્યક્ત કરી હતી તે સમયોચિત નીવડી છે! વિશ્વના તખતા ઉપર પાકિસ્તાની આતંકવાદનો પર્દાફાશ કરવા અને ભારતનાં ઓપરેશન સિંદૂરની અનિવાર્યતાથી માહિતગાર કરવા માટે સર્વપક્ષી પ્રતિનિધિમંડળો મોકલવાના ભારતના નિર્ણયને બિરદાવવાને બદલે `હવનમાં હાડકાં' નાખવાની ચેષ્ટા કરીને રાહુલ ગાંધીનો કોંગ્રેસ પક્ષ હવે મોરચાથી અલગ થલગ થઈ ગયો છે! કોંગ્રેસના તમામ સાથી - ભાગીદાર પક્ષોએ રાષ્ટ્રહિતને સર્વોપરી ગણીને ભારત સરકારના નિર્ણયને આવકાર્યો, સ્વીકાર્યો છે ત્યારે કોંગ્રેસે - જૂની આદત મુજબ વાંધા - વચકા કાઢીને મોદી વિરોધ સાથે ભારત-દ્રોહ દર્શાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની સ્વીકારી છે, તેથી કોંગ્રેસના નેતાઓ ગિન્નાયા છે. રાષ્ટ્રકારણમાં રાજકારણ કરી રહ્યા છે. કોંગ્રેસને શશિ થરૂરની પસંદગી થઈ તે સામે વિરોધ છે. ભારત સરકારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પાસે નામ માગ્યા ત્યારે જે નામ મળ્યાં તેમાં શશિ થરૂરનું નામ ન હતું અને ગૌરવ ગોગોઈ, સૈયદ નાસીર હુસૈન અને રાજા વારિંગના અને આનંદ શર્માનાં નામ આપ્યાં. સરકારે એકમાત્ર આનંદ શર્માની પસંદગી કરી. અન્ય નામો અયોગ્ય હતાં. અન્ય કોંગ્રેસીઓની પસંદગી થઈ તેમાં સલમાન ખુરશીદ, મનીષ તિવારી અને ફતેહગઢના સંસદસભ્ય અમરસિંહ છે. હવે કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશ કહે છે કે, શશિ થરૂરની પસંદગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ - રાજકીય ગણતરીથી કરી છે : અમને પૂછવું જોઈએ. એમની ફરિયાદ સાચી હોય તો પણ કોંગ્રેસે શા માટે થરૂરનું નામ આપ્યું નહીં ? આ પ્રશ્ન વધુ મહત્ત્વનો છે. શશિ થરૂર યુનાઇટેડ નેશન્સમાં સેવા આપી ચૂકેલા સિનિયર ડિપ્લોમેટ છે. વિદેશી બાબતોને લગતી સંસદીય સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ છે. પહેલગામમાં પાકિસ્તાની આતંકી હત્યાકાંડનો વિરોધ કરનારા પ્રથમ કોંગ્રેસી નેતા છે - સલમાન ખુરશીદ પણ પૂર્વ નાયબ વિદેશપ્રધાન હોવાથી અનુભવી છે, તેથી એમની પણ પસંદગી થઈ છે. વિદેશોમાં જનારાં સાત પ્રતિનિધિમંડળમાંના એકનું નેતૃત્વ શશિ થરૂર કરશે. એમની સાથે લોકશક્તિ પાર્ટીના સંસદસભ્ય શંભવી ચૌધરી, ઝારખંડ મુક્તિ મોરચાના સરફરાઝ અહમદ, તેલુગુદેશમ પાર્ટીના હરીશ બાલયોગી તથા ભાજપના શશાંક ત્રિપાઠી અને તેજસ્વી સૂર્યા, શિવસેનાના મિલિંદ દેવરા વગેરે છે. અમેરિકા, ગુયાના, કોલંબિયા, પનામા અને બ્રાઝિલમાં ભારતની રજૂઆત કરશે. કોંગ્રેસને શશિ થરૂર સામે વિરોધ શા માટે છે? મુખ્ય તો કોંગ્રેસને ડર છે કે, ભાજપ શશિ થરૂરને આંચકી - ઉઠાવી લેશે અને કેરળ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેમાં કોંગ્રેસને મોટો ફટકો પડશે. કોંગ્રેસે થરૂરના નામનો વિરોધ ગજાવવાને બદલે એમની પસંદગી ખુશીથી સ્વીકારવી જોઈતી હતી, પણ આવી ખેલદિલી અને દૂરદૃષ્ટિ ક્યાં છે ? પહેલગામ અને ઓપરેશન સિંદૂર વખતે ભારત સરકારના નિર્ણયનો સમર્થન કરનાર થરૂર સામે અણગમો વધી રહ્યો હતો. અમદાવાદમાં કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં થરૂરે મોદી સરકારનો દરેક બાબતમાં વિરોધ કરવાની નકારાત્મક નીતિ છોડીને - સમસ્યાઓના નિરાકરણની હકારાત્મક નીતિ રાખવી જોઈએ. આ વાત વરિષ્ઠ નેતાઓને રુચિ નહીં. શશિ થરૂરે એક વખત કોંગ્રેસ પ્રમુખપદની જવાબદારી સ્વીકારવાની તૈયારી બતાવી હતી - ત્યારથી દાઢમાં હતા!

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd