ગાંધીધામ, તા. 20 : ભચાઉ તાલુકાના વોંધ નજીક પુલિયા
નીચેથી મહારાષ્ટ્રના ચાર શખ્સોને પોલીસે પકડી પાડી આ શખ્સો પાસેથી રૂા. 1,91,510નો 19.151 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો
હતો. આ ચારેયના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. બીજી બાજુ અંજાર-મુંદરા ધોરીમાર્ગ
ચાંદ્રોડા સીમમાં હોટેલના સંચાલકને રૂા. 7730ના પોષડોડા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. ભચાઉની સ્થાનિક પોલીસને
ત્રણથી ચાર શખ્સો વોંધ પુલિયા નીચેથી માદક પદાર્થનું વેચાણ, ડિલિવરી કરવા આવનાર હોવાની પૂર્વ બાતમી મળી
હતી, જેના આધારે પોલીસે ગઈકાલે સાંજે પુલિયા પાસે વોચ ગોઠવી હતી
તેવામાં ચાર શખ્સો થેલા (બેગ) લઈને આવતા જણાતાં પોલીસે ચારેયને પકડી પાડી તેમની પાસે
રહેલા થેલાની તલાશી લેતાં માદક પદાર્થ મળી આવ્યો હતો. આ માદક સેલોટેપમાં વીંટાળીને
આ શખ્સો લઈ આવ્યા હતા. મહારાષ્ટ્ર અમરાવતીના નૌસિક ખાન શબ્બીર ખાન પાસેથી ચાર પેકેટ,
અકોલા મહારાષ્ટ્રના ગજાનન અંબાદાસ ખડસે પાસેથી ત્રણ પેકેટ, અમરાવતીના વિકી વિજયરાવ કાલે પાસેથી એક પેકેટ, વિકાસ
ઔધુત ઈન્ગલે પાસેથી એક પેકેટ મળી આવ્યું હતું. આ નવ પેકેટમાં શું છે તેવું પૂછતાં તેમાં
ગાંજાનો જથ્થો હોવાનું આ શખ્સે જણાવ્યું હતું. દરમ્યાન એફએસએલ અધિકારીને અહીં બોલાવી
પ્રાથમિક પૃથક્કરણ કરાતાં લીલારંગના સૂકા વનસ્પતિજન્ય આ માદક પદાર્થમાં કેનાબીસના સક્રિય
ઘટકો હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા ચારેય
શખ્સો પાસેથી કુલ રૂા. 1,91,510નો
19 કિલો 151 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં
આવ્યો હતો. આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ભચાઉમાં કોને આપવા આવ્યા હતા તેમજ તેમની
સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે? તથા અગાઉ
ક્યારેય ખેપ મારી છે કે શું ? તે સહિતના પ્રશ્નો સાથે ચારેયને
10 દિવસના રિમાન્ડની માંગ સાથે
કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં આ ચારેય શખ્સોના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા
હતા. બીજી બાજુ અંજાર-મુંદરા ધોરીમાર્ગ પાસે
ચાંદ્રોડા ગામની સીમમાં આવેલી હોટેલમાં પોલીસે કાર્યવાહી કરી હતી. હોટેલ મહાલક્ષ્મી
ચૌધરી પેલેસ રાજસ્થાની નામની હોટેલમાંથી પોલીસે સંચાલક એવા હનુમાનરામ ભુરારામ ગોદારા
(જાટ)ને પકડી પાડયો હતો. 1/1/2025થી
નારણ વાલા મરંડ પાસેથી આ હોટેલ ભાડે લઈ તેનું સંચાલન કરનાર આ શખ્સ ગ્રાહકોને પોષડોડા
વેચતો હતો. તેના કબજામાંથી રૂા. 7730નો 2 કિલો 10 ગ્રામ પોષડેડાનો જથ્થો જપ્ત કરાયો હતો. તે ક્યાંથી આ માદક પદાર્થ
લઈ આવ્યો હતો તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.