રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : પહેલગામમાં હિન્દુ પર્યટકોની
હત્યા કર્યા પછી `તમારા મોદીને
કહેજો' કહેનારા આતંકીઓ અને પાકિસ્તાની સરકારને યોગ્ય
જવાબ મળી ગયો છે. ભારતના ભાગલા વખતે જમ્મુ - કાશ્મીરને બચાવવા અને પાકિસ્તાની ઘૂસણખોર
- આતંકીઓને મારી હઠાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલ પછી નરેન્દ્ર મોદી સફળ થયા છે. આ સફળતા
મોદીની દૃઢ - મક્કમ નિર્ણાયકશક્તિ અને ભારતની ત્રણે સેનાનાં પરાક્રમને આભારી છે. ઓપરેશન
સિંદૂર નામ આપીને મોદીએ સિંધુ અને આતંકી પાકિસ્તાન વચ્ચે સિંદૂર રેખા દોરી છે. વિદેશપ્રધાન
એસ. જયશંકરની ભૂમિકા અજોડ રહી છે. સેનાની ત્રણે પાંખના સંકલનની જેમ વડાપ્રધાન સાથે
વિદેશપ્રધાન અને સંરક્ષણપ્રધાનનું યોગદાન મહત્ત્વનું છે. વડાપ્રધાન મોદી ભારતના સરદાર
પટેલ પછી બીજા - દ્વિતીય પોલાદી પુરુષ - અદ્વિતીય પુરવાર થયા છે. પાકિસ્તાનમાં આંતરિક
સ્થિતિ સ્ફોટક છે. બાંગલાદેશમાં બળવો કરાવીને ભારત સામે મોરચો ખોલવા માગતા પાકિસ્તાનના
નકશાના હવે ટુકડા થવામાં વાર નહીં લાગે. ભારતે પાકિસ્તાની અણુબોમ્બની હવા કાઢી નાખ્યા
પછી બલૂચિસ્તાનમાં બળવો - પાકિસ્તાનથી અલગ થવાની જેહાદ જોર પકડી રહી છે અને પાકિસ્તાનના
અંકુશ હેઠળના કાશ્મીર વિસ્તારમાં પણ આઝાદીનો અવાજ જોરદાર બન્યો છે. ભારતે પાકિસ્તાન
સાથે સંવાદ માટે બે મુખ્ય શરત રાખી છે. કાશ્મીર અને આતંકવાદ વિશે વિશદ ચર્ચા થાય. અન્ય
કોઈ દેશની દખલ નહીં સ્વીકારાય. આમાં પણ મુખ્ય બાબત આતંકીઓના આકા ગણાતા, ભારત ઉપર આક્રમણના જવાબદારો ભારતને સોંપવા પડશે. આમાં દાઉદ ઇબ્રાહિમ પણ હશે
જ અને જો આ લોકોને નહીં સોંપાય તો પાકિસ્તાને વધુ બેહાલી માટે તૈયાર રહેવું પડશે. પાકિસ્તાને
કલ્પના પણ કરી નહીં હોય એવી હાલત ભારતે કરી બતાવી છે ! સેનાનાં પરાક્રમ પહેલાં સિંધુનો
જળપ્રવાહ રોકવાના નિર્ણયની ઘોષણા પ્રથમ પ્રહાર હતો. પાણી રોકાશે તો લોહીની નદી વહેશે
એવી ધમકી આપનારા હવે હાથ જોડીને કરગરે છે કે પાણી આપો ! ભારતનો આ નિર્ણય ટ્રમ્પની ટેરિફ
વોર કરતાં પણ વધુ ગંભીર છે. ભારતે એક કાંકરે ઘણા આતંકી માર્યા છે ! પાણી અને વ્યાપાર
બંધ થયાની અસર લોકો ઉપર પડી છે. હવે આમજનતા આતંકવાદી લશ્કરનો વિરોધ કરે છે. પાકિસ્તાનમાં
લોકશાહીના નકાબ નીચે ત્યાંના લશ્કરી અફસરો છે. ચૂંટાયેલી સરકાર માત્ર કઠપૂતળી છે,
પણ હવે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. ભારત સામે નાક અને માથાં કપાયાં પછી
ભૂખી જનતા જાગી ઊઠી છે : હવે ચૂંટાયેલી સરકાર સત્તાધીશ થશે ? માત્ર જનરલ મુનીરની હકાલપટ્ટી અથવા પલાયન થવાથી સ્થિતિ સુધરી નહીં શકે. આર્મીની
ટોપી નીચે માથાં બદલવાની જરૂર નથી. ટોપી જ ઉતારે તો લોકશાહી બચી શકે. પાકિસ્તાનને ભારતની
શક્તિનો અંદાજ નહોતો. એટમ બોમ્બની શક્તિ ઉપર મુસ્તાક સેનાના જનરલ મુનીરને ભારતની આર્થિક
શક્તિનું ભાન નહોતું. ભારતે પાકિસ્તાન સામે `અહિંસક આક્રમણ'થી શરૂઆત કરી, જેની કલ્પના કોઈને નહોતી. પાકિસ્તાનને
સપને પણ ખ્યાલ નહોતો કે પાણી માટે વલખાં મારવાં પડશે. ભારતે પાકિસ્તાન સાથેનો વ્યાપાર
તો તાત્કાલિક બંધ કરી દીધો, તેથી પાકિસ્તાનમાં આવશ્યક ચીજવસ્તુઓ
- આટા-દાલ અને કાંદા - બટેટાની અછત અને ભાવ વધવા લાગ્યા. સિંધુનાં જળ બંધ થાય એટલે
પાકિસ્તાનનાં ખેતરો ઉજ્જડ બની જાય. ભારતનો આ `દાવ'
અજોડ છે. શત્રોથી યુદ્ધ કરવા પહેલાં જ ઇસ્લામ અને કાશ્મીરનાં નામે -
બહાને સત્તા ભોગવતા અને ભારત ઉપર આતંકી હુમલા કરતા - કરાવતા મુનીર અને તેનાં લશ્કર
સામે અસંતોષ અને વિરોધ જાગે તેવી ગણતરી આબાદ - સચોટ હતી અને છે. ભારતનું અર્થતંત્ર
વિશ્વના તખતા ઉપર થનગની રહ્યું છે, ત્યારે પાકિસ્તાન દુનિયામાં
ભીખ માગવા નીકળે છે ! આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ફરી પાછી લોન આપી તે અમેરિકાને આભારી
છે, પણ ભારતે વિશ્વ સંસ્થાને પણ ફરિયાદ કરી છે કે પાકિસ્તાન મની
લોન્ડરિંગ અને આતંકવાદીઓને નાણાં આપીને વિશ્વમાં આતંકી હુમલા કરે છે ! હવે આ બાબત કેવાં
પગલાં ભરાય છે, તે જોવાનું છે. ભારત ઉપર આતંકી અને લશ્કરી આક્રમણ
કરવાની શેખી કરતા, ડંફાસ મારતા જનરલ મુનીર હવે ક્યાં છે
? ચીન અને તુર્કીએ પાકિસ્તાનને ડ્રોન અને મિસાઇલ્સ આપ્યાં, પણ વ્યાપારી ધોરણે અને ભારતે ફટાકડાની જેમ ફોડી - તોડી પાડયાં. આ સિવાય કોઈ
આરબ દેશે પણ શત્ર અથવા નાણાં સહાય આપી નથી. ઇસ્લામી દેશોનું સંગઠન છે, પણ પાકિસ્તાનની પ્રતિષ્ઠાના કાંકરા થઈ ગયા છે ! ઈન્દિરા ગાંધીનાં શાસન દરમિયાન
સાઉદી અરેબિયાના શહેર રબાત ખાતે ઇસ્લામી દેશોની પરિષદમાં હાજરી આપવા પરાણે આમંત્રણ
મેળવાયું અને ફખરુદ્દીન અલી અહમદ પ્રતિનિધિ મંડળ લઈને ગયા ત્યારે બહિષ્કાર થયો. હોટેલમાં
પીવાનું પાણી પણ બંધ કરવામાં આવ્યું અને લીલાં તોરણે પાછા ફર્યા ! મોદી સરકાર આવ્યા
પછી સંબંધ બદલાયા અને ઇસ્લામી પરિષદમાં ભારતને સન્માન મળ્યું - પાકિસ્તાનના વિરોધની
અવગણના થઈ અને વીલે મોઢે ઘરભેગા થયા ! ઇસ્લામી દેશોમાં પાકિસ્તાનની પ્રતિષ્ઠાનો આ પુરાવો
છે ! અમેરિકાએ યુદ્ધવિરામ માટે પાકિસ્તાનને મદદ કરી તેમાં અમેરિકાનો સ્વાર્થ છે. ચીનને
પાકિસ્તાનથી દૂર રાખવા માગે છે અને ભારત વૈશ્વિક અર્થતંત્રમાં સ્થાન જમાવે તે ખૂંચે
છે! એટલે જ `મધ્યસ્થીનો
યશ લેવાના નિષ્ફળ પ્રયાસ પછી ફેરવી તોળ્યું, પણ અમેરિકી કંપની `એપલ'ને કહે છે ભારતમાં
મૂડીરોકાણ કરો નહીં - અમેરિકામાં જ કરો.' પણ કંપની પોતાના લાભ
- નફાનો વિચાર કરે છે - કરશે. એવો જવાબ મળ્યો. અમેરિકાએ હંમેશાં પાકિસ્તાનને ટેકો આપીને
તેની જ તરફેણ કરી છે. કાશ્મીર વિવાદમાં યુએનમાં સમર્થન આપ્યું છે, ત્યારે સોવિયેત સંઘ ભારતની સાથે રહ્યું છે. બાંગલાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામને
ભારતે લશ્કરી મદદ કરી, કારણ કે લાખ્ખો હિજરતીઓ ભારતમાં આવ્યા
હતા ત્યારે પાકિસ્તાની સેનાએ ભારતની શરણાગતિ સ્વીકારી અને પાકિસ્તાનને બચાવવા પ્રમુખ
નિક્સને અમેરિકી નેવીનો કાફલો મોકલ્યો હતો, જે બાંગલાદેશના કિનારે
- ડેલીએ હાથ દીધા વિના પાછો ફર્યો હતો! યુવા વાચકોએ ઉપરોક્ત ઇતિહાસ જાણવો જોઈએ. અત્યારે
ભારતનું અર્થશત્ર કામિયાબ નીવડી રહ્યું છે. અમેરિકા મધ્યસ્થી માટે દબાણ કરે તે સ્વીકારાય
નહીં જ અને અમેરિકી કંપની ઉપર દબાણ કરે કે ભારતમાં ઉત્પાદન કરો નહીં - તો તે કંપની
સ્વીકારશે ? ભારતમાં નહીં તો ચીન છોડયા પછી ક્યાં જાય?
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભૂલે છે કે અમેરિકાના વિકાસમાં આઈટીથી લઈને
અંતરિક્ષ સુધી - ભારતીય મૂળના નિષ્ણાતોનું યોગદાન છે. અમેરિકાના વિકાસ - સમૃદ્ધિમાં
ભાગીદાર હોવા છતાં એમનો દેશપ્રેમ - ભારતીય ગૌરવ યથાવત્ છે ! તુર્કીએ પાકિસ્તાનને ડ્રોન
અને મિસાઇલ્સ પૂરાં પાડયાં - વ્યાપારી ધોરણે હવે ભારતે તુર્કીનો બહિષ્કાર શરૂ કર્યો
છે. માલદ્વીપે ભારતને જાકારો આપ્યા પછી ભારતીય પ્રવાસીઓએ બહિષ્કાર કર્યો અને આપણા લક્ષદ્વીપની
પર્યટનપ્રિયતા વધી ! આખરે પગે પડયા ! ચીનને સંબંધ છે ત્યાં સુધી પાકિસ્તાનને પંપાળે
છે, પણ ભરોસો નથી. લડાઈમાં આજ સુધી આપણી સામે મોરચો ખોલ્યો નથી.
મિસાઇલ્સ આપ્યાં તે પણ હવાઈ ગયેલાં ! ચીન માટે સમૃદ્ધ ભારતનાં બજારનું મહત્ત્વ છે
- અમેરિકાની જેમ વ્યાપાર-આર્થિક બાજુ ઉપર ભાર મૂકે છે અને અત્યારે લડાઈમાં ઊતરીને પોતાનાં
અર્થતંત્રને નબળું પાડે નહીં ! બાંગલાદેશને સંબંધ છે ત્યાં સુધી - શરૂઆતમાં ભારત ઉપર
આક્રમણ કરીને પ્રદેશ કબજે કરવાની પોલી ધમકીઓ આપી, પણ હવે પાકિસ્તાનના
હાલ - હવાલ જોઈને બાંગલાદેશ ચૂપ છે ! હવા પારખે છે ! પાકિસ્તાન હવે કહે છે - અપીલ કરી
છે કે સિંધુનાં જળ માટે ચર્ચા - વાટાઘાટ કરો : પણ ભારત મક્કમ છે. આતંકનો અંજામ આવે
નહીં ત્યાં સુધી સવાલ જ નથી. જળપ્રવાહ બંધ કર્યા પછી જરૂર જણાય ત્યારે છોડવામાં આવે
તો - ત્યારે પાકિસ્તાનમાં ભયાનક પૂર આવી શકે છે. ઓપરેશન સિંદૂર વખતે જ વડાપ્રધાન મોદીએ
કહ્યું હતું કે પાણી અને રક્ત - લોહી એકસાથે વહે નહીં ! અગાઉ પાકિસ્તાને ધમકી આપી હતી
કે સિંધુનાં પાણી બંધ થશે તો ત્યાં લોહીની નદી હશે ! મોદીએ જવાબ આપી દીધો છે. હવે આતંકનો
અંત આવે તે પછી જ નક્કી કરાશે.