• મંગળવાર, 17 જૂન, 2025

ભુજની ફૂટપાથો પર ધંધાર્થીઓનો કબજો

ભુજ, તા. 20 : તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલતે શહેરોની ફૂટપાથોને લોકોનો બંધારણીય અધિકાર લેખાવી કેન્દ્ર અને રાજ્ય સરકારોને પદયાત્રીઓની સલામતી માટે યોગ્ય ફૂટપાથ સુનિશ્ચિત કરવા માટે દિશાનિર્દેશો તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે ભુજની વાત કરીએ, તો આ શહેરની મોટાભાગની ફૂટપાથો પર નાના-મોટા ખાણી-પીણીના ધંધાર્થીઓએ ગેરકાયદે કબજો જમાવી લીધો છે, તેમ છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે, તેવો ગણગણાટ જાગૃત નાગરિકોમાંથી સંભળાઈ રહ્યો છે. સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે જણાવ્યું છે કે, ફૂટપાથના અભાવે પગપાળા જતા લોકોને સડકો ઉપર ચાલવા મજબૂર થવું છે અને તેના હિસાબે અકસ્માતનો ભોગ બનવાનું જોખમ વધી જતું હોવાનું કહી નાગરિકો માટે ઉચિત ફૂટપાથ હોવી આવશ્યક છે. આ ફૂટપાથ દિવ્યાંગો માટે પણ સુલભ હોવી જોઈએ અને તેનાં ઉપરથી અતિક્રમણ પણ હટાવવું અનિવાર્ય છે. અદાલતનું માનવું છે કે, પગપાળા જનારાઓ માટે ફૂટપાથનો ઉપયોગ કરવાનો અધિકાર બંધારણનાં અનુચ્છેદ 21 અંતર્ગત બાંહેધરીરૂપ છે.  ભુજની વાત કરીએ, તો આ શહેરમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની સંખ્યામાં દિવસાદિવસ વધારો થઈ રહ્યો છે, બીજીબાજુ શહેરની મોટાભાગની ફૂટપાથો પર ધંધાર્થીઓએ કબજો જમાવી લીધો હોવાથી રાહદારીઓને ફરજિયાતપણે  રસ્તા પર ચાલવું પડે છે, જે જોખમભર્યું બની રહ્યું છે. શહેરના જ્યુબિલી સર્કલથી જનરલ હોસ્પિટલ થઈ છેક આર.ટી.ઓ. સર્કલ, જ્યુબિલી સર્કલથી કલેક્ટર કચેરી થઈ કોલેજ રોડ, કચ્છમિત્ર સર્કલથી જ્યુબિલી સર્કલ માર્ગ, વાણિયાવાડથી બસપોર્ટ થઈ મહાદેવ નાકા સુધીનો માર્ગ અને થોડા સમય અગાઉ લેકવ્યૂથી ઉમેદનગર જતા માર્ગે બનાવાયેલી નવી ફૂટપાથો પર ખાણી-પીણીના ધંધાર્થીઓ, કૂંડાં અને માટલાના ધંધાર્થીઓ, ફ્રૂટની ડીશવાળા, તરબૂચ  અને ક્યાંક તો ફર્નિચરવાળાના ધંધાર્થીઓએ કબજો જમાવી લીધો છે, જેમની પાસેથી સુધરાઈ માત્ર સફાઈવેરો વસૂલે છે, જ્યારે ટ્રાફિક પોલીસ મૂકસેવક બની ગઈ હોય તેવો તાલ સર્જાયો છે. વળી આ ધંધાર્થીઓ પાસે આવતા ગ્રાહકો અન્યોની દરકાર કર્યા વિના વચ્ચોવચ વાહનો પાર્ક કરી નાસ્તો કરવા ઊભા રહી જાય છે, જેમને કોઈ પૂછવાવાળું નથી તેવો બળાપો વ્યક્ત થઈ રહ્યો છે. આ બધી સમસ્યા વચ્ચે રાહદારીઓને ફરજિયાત વાહનોથી બચતાં-બચતાં રસ્તા પર ચાલવું પડે છે. એવુંય નથી કે, તંત્ર તેમને ખસેડી શકતું નથી, શહેરમાં જો કોઈ મોટી રાજકીય હસ્તી આવવાની હોય, તો પોલીસ સહિતના તંત્ર દ્વારા જે રસ્તે નેતા પસાર થવાના હોય તે માર્ગ પરની તમામ ફૂટપાથ પરથી ધંધાર્થીઓને રાતોરાત હટાવી દેવાય છે. સર્વોચ્ચ અદાલતે પોતાના દિશાનિર્દેશોને બે માસની ભીતર રેકોર્ડ ઉપર રાખવાનો નિર્દેશ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપ્યો હતો, ત્યારે સ્થાનિક પ્રશાસન આવા ધંધાર્થીઓને ખસેડવા કેવું વલણ લે છે તે જોવું રહ્યું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd