• મંગળવાર, 17 જૂન, 2025

માંડવીમાં છરીની અણીએ પાંચ લાખની લૂંટ

ભુજ, તા. 20 :  માંડવીમાં દિનદહાડે છરીની અણીએ રૂપિયા પાંચ લાખની લૂંટનો બનાવ બનતાં ચકચાર મચી છે. અમદાવાદના ફાઈનાન્સરને ટકાવારી પર ગોલ્ડ લોન ભરવા માટે બોલાવ્યા બાદ સલાયાનો આરોપી અને તેના બે સાગરિત રોકડ લઈ પલાયન થઈ જતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ અંગે અમદાવાદના ફરિયાદી ઓમ પરેશભાઈ શાહે માંડવી પોલીસ મથકે સલાયાના આરોપી અવેશ અલીમામદ સોઢા સહિત અજાણ્યા બે ઈસમ સામે ગુનો નોંધાવ્યો છે. ફરિયાદી ઓમ ફાઈનાન્સનું કામ કરતા હોઈ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી. જે બાદ આરોપી અવેશ સાથે અઠવાડિયા પહેલાં તેમનો પરિચય થયો હતો. આરોપીએ પોતાનું સોનું મુથૂટ ફીનકોર્પ લોનમાં હોવાનું જણાવી લોન લીધેલું સોનું છોડાવી આપી યોગ્ય વળતર આપવાની બંને વચ્ચે વાત થઈ હતી, જેથી ફરિયાદી અમદાવાદથી માંડવી આવ્યા હતા, ત્યારે આરોપી મુથૂટ ફીનકોર્પની ઓફિસે જવા માટેનો રસ્તો સાંકડો હોવાનું કહી પોતાની એક્ટિવા પાછળ બેસી જવા કહ્યું હતું. જે બાદ મહિલા બાગ પાસે મેઘ મંગલ તરફ જતા રસ્તા પર અજાણ્યા બે આરોપી આવી પહોંચ્યા હતા અને ત્રણે આરોપીએ છરી બતાવી ફરિયાદી પાસે રહેલા રોકડ રૂપિયા પાંચ લાખનો થેલો લઈ લીધા બાદ એક્ટિવા લઇ સ્થળ પરથી નાસી ગયા હતા. આ અંગે માંડવી પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે, પરંતુ હજુ સુધી આરોપીઓ પકડમાં આવ્યા નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd