• બુધવાર, 21 મે, 2025

નદી પુનર્જીવિત કરવાનું અભિયાન રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી

ગાંધીધામ, તા. 20 : જમીનમાં પાણીના સ્રોતને ઊંચા લઈ જવા માટે બોર રિચાર્જ  કરવા સહિત જળસંચય ઝુંબેશ જોશભેર ચાલી રહી છે, ત્યારે કચ્છની મૃતપ્રાય નદીઓને પુન: જીવિત કરવાનો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ હાથ ધરાયો છે. આ અંતર્ગત ગ્લોબલ કચ્છ, કચ્છમિત્ર અને દીનદયાલ પોર્ટના સંયુક્ત ઉપક્રમે મુંદરાની ભૂખી નદીને પુન: જીવિત કરીને જળસંચય વધારવા સાથે આસપાસના સમગ્ર વિસ્તારના કાયાપલટ કરવાનું બીડું ઝડપવામાં આવ્યું છે.  - કચ્છ નહીં, સમગ્ર રાષ્ટ્ર આ પ્રકલ્પની નોંધ લેશે : કુદરતને પુન: સમૃદ્ધ કરવાના આ પ્રયાસને ડી.પી.એ. ચેરમેન દ્વારા અમૂલ્ય લેખાવ્યું હતું અને કહ્યું કે, માત્ર કચ્છ જ નહીં સમગ્ર રાષ્ટ્ર આ પ્રકલ્પની નોંધ લેશે.  કંઠીપટ અને સમગ્ર કચ્છ માટે ચાવીરૂપ આ પ્રકલ્પ માટે  ડી.પી.એ. ચેરમેન દ્વારા ગ્લોબલ કચ્છને લેટર ઓફ ઈન્ડેન્ટ આપવામાં આવ્યો હતો. ચેરમેન સુશિલકુમાર સિંઘે ગ્લોબલ કચ્છ અને કચ્છમિત્રના કુદરતને પુન: જીવિત કરવાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, નદીઓ પુન: જીવિત થયા બાદ કુદરત જે પરત આપશે, તે અનેકગણું આપશે અને તે અમૂલ્ય રહેશે. આ  કાર્યને  તેમણે વૈશ્વિક પ્રયાસસમો લેખાવી દીનદયાલ પોર્ટના પૂરતા સહયોગની ખાતરી ઉચ્ચારી હતી. શ્રી સિંઘે આ પ્રકારના પર્યાવરણ અને સમાજ હિતલક્ષી કાર્યક્રમ માટે ભવિષ્યમાં મદદરૂપ બનવાની તત્પરતા દર્શાવી હતી. - નદીને પુનર્જીવિત પ્રવાસન સ્થળ બનાવવાનું આયોજન : સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને ગ્લોબલ કચ્છના પ્રમુખ હાર્દિકભાઈ મામણિયાએ  પ્રોજેકટની વિગત આપી હતી. તેમણે  કહ્યું હતું કે, કચ્છમાં 97 નદી પૈકી  22 નદી  જ જીવિત છે. આ પૈકી નદીઓને પુન: જીવિત કરવાના કાર્યનો મુંદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી ભૂખી નદીથી  પ્રારંભ કરીએ છીએ. આ નદી પુન: જીવિત કરવાના પ્રોજેક્ટથી મુખ્ય રસ્તાની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોને વૈકલ્પિક રસ્તો પણ મળશે. આ ઉપરાંત નદી પાસે રિવરફ્રન્ટ બનાવવા, વૃક્ષારોપણ કરવા સહિતનું પણ આયોજન હોવાની વાત કરી હતી. નદીને પુન: જીવિત કરવાની સાથે નદીના કિનારે પ્રવાસન સ્થળ બનાવવાનું પણ આયોજન હોવાનું તેમણે ઉમેર્યું હતું. પ્રથમ તબક્કાના કામનો તુરંતમાં જ આરંભ થઈ જશે અને એક વર્ષમાં આ કાર્ય પૂર્ણ કરાશે તેવું જણાવ્યું હતું. : જળસંશોધન પ્રકૃતિ પુન: સુદૃઢ થશે : કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે જણાવ્યું હતું કે, કંઠીપટ તરીકે ઓળખાતા મુંદરા તાલુકામાં એક સમયે આબોહવા અને લીલોતરીને લીધે `કચ્છના પેરિસ'ની ઉપમા મળી હતી. ઔદ્યોગિકીકરણને પગલે જબ્બર વિકાસ થઇ રહ્યો છે, ત્યારે ગ્લોબલ કચ્છ-ડીપીટીના સહિયારા પ્રયાસોથી અહીં જળ સંસાધનો અને પ્રકૃતિને પુન: સુદૃઢ કરાશે, તેનો ભાવિ પેઢીને બહુ મોટો ફાયદો થશે. - ભૂગર્ભ જળનું સ્તર સુધરશે : નદીને પુન: જીવિત કરવાથી  ભૂગર્ભ જળનું સ્તર પણ સુધરશે. કચ્છમાં નદીઓના પથ્થર નીચે છે, તેમ ભૂખી નદીના પથ્થર નીચે જ છે. આ નદીનાં પાણી તળમાં  ઊતર્યા બાદ તેની ગુણવત્તા બદલાતી નથી. તદુપરાંત આ પ્રકલ્પથી નદીની જળસંગ્રહની ક્ષમતા પણ વધશે અને ચેકડેમ પણ મોટા બનશે તેવી માહિતી  ગોવિંદભાઇ ભાનુશાળી અને જિલ્લા પંચાયત સભ્ય મહેન્દ્રભાઇ ગઢવી દ્વારા અપાઈ હતી.  આ પ્રકલ્પથી મુંદરા તાલુકાની 5ાંચ દાયકા પૂર્વે જે જળસંચયની સ્થિતિ હતી  તે પુન: લાવવાની નેમ આ વેળાએ વ્યક્ત કરવામાં આવી હતી.  આ વેળાએ કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલભાઈ પંડયા, મેનેજર  મુકેશભાઈ ધોળકિયા, ધીરજ છેડા (એકલવીર), અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, સી.એ. સતીશ દામા, સરપંચ સંગઠન કચ્છના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, ક્રીડાના સી.ઈ.ઓ. અરુણ જૈન, જયંતીભાઈ મામણિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd