`ઓપરેશન સિંદૂર' અંતર્ગત આપણા સશત્ર દળોએ ચાર દિવસમાં પાકિસ્તાનની અંદર ઘૂસીને આતંકવાદીઓના
અડ્ડા નષ્ટ કર્યા, શત્રુઓના હવાઇ મથકોના ફૂર્ચા ઉડાવી દઇને યુદ્ધમાં
ભવ્ય વિજય મેળવ્યો એનો ગર્વ પ્રત્યેક દેશવાસીઓ અનુભવી રહ્યા છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે
શુક્રવારે ભુજ આવીને વાયુસેના મથકે વીર જવાનોનાં શૌર્યને બિરદાવ્યું, તેમની બહાદૂરીભરી કામગીરીની ઉજવણી કરી એ ઘટના આપણા સૈન્યનું મનોબળ વધારનારી
છે. `આ તો ટ્રેલર હતું... પાક સુધરશે નહીં તો
ભારતીય દળો આખું પિક્ચર બતાવવા તલપાપડ છે' એવું સિંહનું વિધાન ભારતનો મિજાજ દર્શાવે છે. ભારત સામે પોતે બહાદૂરી બતાવી
હોવાની ડંફાશ અને હળાહળ જૂઠા દાવા કરનાર પાકિસ્તાનની પોલ પાધરી થઇ ચૂકી છે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ પંજાબના આદમપુર એરબેઝ પહોંચીને જવાનોના પરાક્રમનાં દેશ વતી ઓવારણાં
લીધાં... એ પછી સંરક્ષણમંત્રી શ્રીનગર ગયા અને બીજા દિવસે કચ્છ-ભુજ આવ્યા. આ બાબત દેશની
પશ્ચિમ સરહદે કચ્છની સંવેદનશીલતા અને વ્યૂહાત્મક મહત્ત્વ સુનિશ્ચિત કરે છે. સીમાવર્તી
જિલ્લો હોવાના નાતે કચ્છ અને કચ્છીઓનો દેશદાઝભર્યો મિજાજ જગવિખ્યાત છે. 1965 અને 1971નાં યુદ્ધ વખતે કચ્છે બહાદૂરીનું
જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું. સજાગતા અને દેશદાઝના અનેક પ્રકરણ કચ્છની ધરતી પર આલેખાયેલાં
છે. સંરક્ષણમંત્રીએ કદાચ એટલે જ ભુજ-કચ્છને દેશભક્તિની ભૂમિ લેખાવી છે. તેમણે કહ્યું
કે, કચ્છની ધરતી ફરી એકવાર પાકિસ્તાન સામેના વિજયની
સાક્ષી બની છે. રાજનાથસિંહનું સંબોધન ભારતીય સેનાના જવાનોનું મનોબળ વધારનારું છે. આ
વખતનું યુદ્ધ પાકિસ્તાને નમતું જોખતાં વહેલું સ્થગિત થયું અને એ દરમ્યાન ફાઇટર જેટ-વિમાનોની
ગગનગર્જના ગેરહાજર હતી. સીમાપારથી લગાતાર ડ્રોન છોડાતાં રહ્યાં અને આપણાં દળો એ તોડી
પાડવામાં અક્સીર રહ્યાં. લડાઇનો મોરચો હાલ ઘડીએ શાંત છે, ખુદ
પાકિસ્તાની વડાપ્રધાન ભારતીય હુમલામાં ભારે તબાહી સર્જાયાની કબૂલાત કરે છે... પણ બંને
તરફ ભારેલો અગ્નિ છે. નાની સરખી ચૂક કે ઉશ્કેરણીજનક કદમ ફરી યુદ્ધ નોતરશે. આપણા વડાપ્રધાન
તેમજ સંરક્ષણમંત્રીનું વલણ એકદમ સ્પષ્ટ છે કે, `ઓપરેશન સિંદૂર' હવે આતંકવાદ સામેની આપણી નીતિ છે. શત્રુઓને
જરાસરખું દુ:સાહસ ભારે પડશે. પાકિસ્તાન કાશ્મીરથી કચ્છની સીમાને નિશાન બનાવવાની પેરવીમાં
હતું. ભુજ-નલિયા એરબેઝ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને સિરક્રીક સમુદ્રી ક્ષેત્રમાંય
ડ્રોન દાગ્યાં હતાં. અલબત્ત, આપણા સતર્ક-જાંબાઝ જવાનોએ શત્રુઓને
ફાવવા નથી દીધા. રાજનાથસિંહે યોગ્ય જ કહ્યું કે, સશત્ર દળોની
હિંમત-શૌર્ય પર દેશને ગૌરવ છે. દેશની સરહદો તેમના હાથોમાં સલામત છે અને રહેશે. રાજનાથસિંહ
દેશના ગૃહમંત્રી તરીકે કચ્છ આવી ચૂક્યા છે. સંરક્ષણમંત્રી તરીકે તેમની આ પ્રથમ મુલાકાત
હતી. જવાનોને રૂબરૂ મળવું, ખભે હાથ રાખીને વાતો કરવી,
મોં મીઠું કરાવવું એ બધી ચેષ્ટાની ખૂબ નોંધ લેવાતી હોય છે. વીર જવાનોનું
મનોબળ અને જુસ્સો આસમાનને આંબવા લાગે છે કે ભારતના સંરક્ષણમંત્રી ખુદ આવીને પૃચ્છા
કરે છે. રાજનાથસિંહ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાત ગાજી રહી છે. મોદીની
જાહેર સભાની તૈયારી ચાલી રહી છે.