ગાંધીધામ, તા. 20 : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં
ગંદકીથી ખદબદી રહેલા વરસાદી નાળાઓની અંતે સફાઈ શરૂ કરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા
પૂર્ણ કરીને એજન્સીને વર્કઓર્ડર આપીને શહેરના રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં વરસાદી નાળાંની
સફાઈ શરૂ કરી છે. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે. લોકો હેરાન થાય છે.
દર વર્ષે સફાઈ પાછળ રૂપિયા ખર્ચાય છે, પરંતુ સમયસર કામગીરી થતી ન હોવાથી જળભરાવથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો
પડે છે, તેવામાં તંત્ર આ વખતે ચોમાસાં દરમ્યાન પાણી ન ભરાય તેવી
વ્યવસ્થાઓ ઊભી કરે તે જરૂરી છે. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં વરસાદી પાણીના નિકાલ
માટે 30 વરસાદી નાળાં છે, તો મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગ્રામીણ વિસ્તારમાં
20થી વધુ પાણી નિકાલના વોકળા-વહેણ છે. દર
વર્ષે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં વરસાદી નાળાંઓની સફાઈ પાછળ રૂપિયા ખર્ચાય છે, પણ કામગીરી બરોબર થતી નથી, તેના કારણે જળભરાવની ઊભી થતી સમસ્યા લોકો માટે શિરદર્દ સમાન બની રહે છે. ગાંધીધામ-આદિપુરમાં ગત વર્ષે વરસાદ પહેલાં નાળાંઓ
સફાઈ ન થયા હોવાથી જોડિયા શહેરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ વર્ષે મહાનગરપાલિકાનાં
તંત્ર દ્વારા ચોમાસાં દરમિયાન આવી કોઈ સ્થિતિ ઊભી ન થાય તે માટે સરકારી ચોપડા ઉપર ચોમાસું
બેસે તે પહેલાં નાળાં સફાઈ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને લગભગ 350 રૂપિયા રનિંગ મીટર નાળાં સફાઈની
કામગીરી કરવા માટેનો કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર અપાયો છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર
આવેલાં નાળાંની સફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ જોડિયા શહેરોનું પાણી જ્યાં
આવે છે અને ત્યાંથી દરિયાની ખાડી તરફ જાય છે, તે નાળાંઓના મુખની સફાઈ કરવામાં આવી રહી છે. લગભગ નાળાંઓ ગંદકીથી ખદબદી રહ્યાં
છે. એક મહિના દરમિયાન આ સફાઈની કામગીરી પૂર્ણ થાય તે જરૂરી છે. - ગ્રામીણ વિસ્તારમાં
એન્જિનીયરો દ્વારા સર્વે : ગાંધીધામમાં
વરસાદી નાળાંઓની સફાઈની કામગીરી ઉપર એન્જિનીયરોની નિમણૂક કરી દેવામાં આવી છે, તો ગ્રામીણ વિસ્તારમાં એન્જિનીયરો દ્વારા સર્વેની
કામગીરી શરૂ કરાય છે, તેના રિપોર્ટના આધારે જે જગ્યા ઉપર વધારે
પાણી ભરાતું હશે, ત્યાં કામગીરીને પ્રાથમિકતા અપાશે. રનિંગ મીટર
ઉપર સફાઈની કામગીરી અપાય છે, એટલે સતત કામગીરી દરમિયાન એન્જિનીયરોને
દેખરેખ રાખવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો કહી રહ્યા છે.