ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં અધ્યક્ષ પદના શપથવિધિ લીધા પછી જ
બીજા જ દિવસે અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પસાર કર્યા છે. લાખો ભારતીયોને સૌથી વધુ અસર
કરે તેવા એક આદેશમાં એમણે બિનકાયમી નિવાસીઓનાં અમેરિકામાં જન્મેલાં બાળકોને આપોઆપ મળતી
નાગરિકતા ખતમ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના આદેશમાં જણાવાયું છે કે, જો માતા-પિતામાંથી કોઈ એક અમેરિકન નાગરિક નહીં
હોય તો યુએસમાં જન્મેલાં બાળકોને તેમની સરકાર દ્વારા નાગરિક તરીકે માન્યતા નહીં આપવામાં
આવે. ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં વર્ક વિઝા કે ટૂરિસ્ટ વિઝા પર રહેતા ભારતીય માતા-પિતાને
ત્યાં જન્મેલાં બાળકને આપોઆપ અમેરિકાની નાગરિકતા મળશે નહીં. આદેશનો હેતુ દેશમાં `બર્થ ટૂરિઝમ'ને સમાપ્ત કરવાનો છે. જન્મજાત નાગરિકતાના સિદ્ધાંત
મુજબ માતા-પિતા કોઈ પણ દેશના હોય, પણ બાળક જે દેશમાં જન્મે તેને
દેશની આપોઆપ નાગરિકતા મળે છે. માતા-પિતા કાયદેસર અમેરિકામાં રહે છે કે નહીં તે પણ ધ્યાનમાં
રાખવામાં નથી આવતું. અમેરિકાનાં બંધારણમાં 14મા સુધારા હેઠળ યુએસની ધરતી પર જન્મેલાં લગભગ તમામ બાળકોને આપોઆપ
નાગરિક્તા મળે છે. ભારતના લાખો દંપતીઓ અમેરિકામાં સરળતાથી નાગરિક્તા પ્રાપ્ત કરવા માટે
ગર્ભાવસ્થા દરમિયાન પત્નીને અમેરિકાના પ્રવાસે મોકલે છે અને ત્યાં બાળકનો જન્મ થાય
એટલે આપોઆપ અમેરિકાના કાયદા અનુસાર અમેરિકાના નાગરિક થઈ જાય છે. ટ્રમ્પના આદેશ પછી
આ શોર્ટકટ પર બ્રેક લાગે છે કે નહીં તે જોવું રહ્યું. આમ હવે મહિના પછી અમેરિકામાં
જન્મ થયો હોવા છતાં અમેરિકાના નાગરિક બનવું કપરું થશે. હવે આ આદેશને અમેરિકાની કોર્ટમાં
પડકારવામાં આવ્યો છે. અમેરિકી સરકારના આંકડા અનુસાર 7,25,000 ભારતીય પ્રવાસી અધિકૃત દસ્તાવેજો
વિના અમેરિકામાં રહે છે. ભારત સરકાર આ લોકોને પાછા લાવવા ટ્રમ્પ શાસન સાથે મળીને કામ
કરવા તૈયાર છે. કારણ કે, ભારત નથી ઇચ્છતું
કે ગેરકાયદે નાગરિકોના મુદ્દાને એચ-વનબી વિઝા અને સ્ટુડન્ટ્સ વિઝા જેવા કાર્યક્રમો
પર અસર પડે. આમ છતાં ગેરકાયદે કે ટેકનિકલ કારણોસર ભારતીયોને ભારત ડીપોર્ટ કરવામાં ટ્રમ્પ
શાસને સાવધાની વર્તવી પડશે. અમેરિકામાં એક મોટો ભારતીય વર્ગ અને જેમાં ગુજરાતી મોખરે
છે, અમેરિકામાં સ્થાયી થયો છે. વ્યવસ્થિત રીતે નોકરી-વ્યવસાય
કરે છે. અનેક ભારતીયો તો ત્યાંની મોટી કંપનીઓના મોટા હોદ્દાઓ પર છે, અનેક ભારતીયો ત્યાંના રાજકારણમાં મહત્ત્વના હોદ્દા ધરાવે છે, અમેરિકાના ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારતીય વિદ્યાર્થીઓનો મોટો ફાળો છે. અર્થતંત્રના
વિકાસમાં ભારતીયોનો ફાળો પણ નાનોસૂનો નથી. આ તમામ તથ્યોને ધ્યાનમાં લેતાં ટ્રમ્પ શાસન
માટે અમેરિકામાં રહેતા ગેરકાયદે ભારતીયો વિરુદ્ધ પગલાં લેતાં સૂકા ભેળું લીલું ન બળે
તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિકીકરણનો
લાભ લેવો અન્ય દેશોનાં બજારો હડપ કરવા પણ તે દેશના મનુષ્યબળનો વિરોધ કરવાની સંકુચિતતા
અમેરિકામાં પાછી ફરી રહી છે. `ફક્ત અમેરિકા'નો વિચાર કરવાનો અને અમે દેશને `ગ્રેટ' બનાવીશું
એમ કહીને ટ્રમ્પે ખૂબ વાહવાહ મેળવી, પણ વૈશ્વિકીકરણ તેઓ ભૂલી
ગયા લાગે છે. બહારથી આવેલા આગળ નીકળી ગયા અને અમારા છોકરાઓ જ બેરોજગાર બન્યા એવું સંકુચિત
રાજકારણ કરવામાં ટ્રમ્પ શાસન આગળ વધી રહ્યું છે, જ્યારે કે તેણે
વૈશ્વિક હિતો પ્રતિ વધુ ધ્યાન આપવાની જરૂર છે. ભારતે ટ્રમ્પની પ્રતિકૂળ સાબિત થનારી
નીતિઓ પ્રતિ સતર્ક રહેવું પડશે. અમેરિકાને ફરી મહાન બનવું છે, તો પોતાનાં મૂળભૂત મૂલ્યોને વિસરીને નહીં અને ટ્રમ્પે દરેક પગલાં પર યાદ રાખવાનું
રહેશે કે ખુદને તેજસ્વી અધ્યક્ષોની સૂચિમાં સ્થાન મેળવવા માટે હવે વધુ કાર્યકાળ મળવાનો
નથી.