પર્યાવરણનાં જતન માટે જળવાયુ પરિવર્તનને નાથવા માટે છેલ્લાં
થોડાં વર્ષોથી અપાઈ રહેલી ચેતવણી હવે ખરી સાબિત થઈ રહી છે. ભારતમાં અને દુનિયામાં આવતાં
વાવાઝોડાં અને કમોસમી વરસાદના વધી રહેલા કહેરની પાછળનું મુખ્ય કારણ જળવાયુ પરિવર્તનને
નાથવા તરફ સેવાતું દુર્લક્ષ છે. આમ તો, ભારત અને ચીન આ મામલે પોતપોતાની જવાબદારી વહન કરવા સક્રિય છે, પણ દુનિયાના અન્ય વિકસિત દેશો તરફથી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં વિશ્વમાં સરેરાશ
ઉષ્ણતામાનને દોઢ ડિગ્રી ઘટાડવાનું લક્ષ્ય પાર પડે એમ જણાતું નથી. ભારતમાં આ વખતે લંબાયેલાં
ચોમાસાંએ સામાન્ય જનજીવન પર અસર કરી, તેની સાથોસાથ કૃષિક્ષેત્રને
ભારે નુકસાન પહોંચાડયું છે. આવી હાલત વિશ્વના સંખ્યાબંધ દેશોની પણ છે. અમેરિકામાં ચક્રવાત
અટકતા નથી તો દક્ષિણ એશિયામાં પણ વાવાઝોડાં ભારે તારાજી સર્જી રહ્યાં છે. આમ તો,
જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા વર્ષ 201પમાં પેરિસમાં એક વૈશ્વિક કરાર
થયો હતો, પણ તેમાં વ્યક્ત થયેલી સમજૂતીનાં પાલનની વિકસિત
દેશોએ ભાગ્યે જ દરકાર કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તો આ પડકારને બનાવટી
ગણતાં પણ ખચકાતા નથી. તેમની આ માનસિકતા આ પડકાર સામેની વચનબદ્ધતાની સામે જ સવાલ ખડા
કરે છે. જળવાયુ પરિવર્તનનો પડકાર એટલો મુશ્કેલ છે કે તેને પહોંચી વળવા ખાસ પ્રકારની
ટેક્નોલોજી અને ભારે આર્થિક ભંડોળની અનિવાર્યતા રહે છે. વિકસતા દેશો તેમની આ પડકાર
સામેની જવાબદારી અદા કરવાનો ઈરાદો ધરાવે છે, પણ તે માટે આ અનિવાર્ય
સહાયતાનો અભાવ તેમના ઈરાદામાં અંતરાય બની રહ્યોઁ છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન જેવા દેશ તેમની આ
જવાબદારી અદા કરવામાં ગંભીર છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્રસંઘની ચાવીરૂપ બેઠકમાં આ બન્ને
દેશની ભૂમિકાની પ્રસંશા પણ થઈ હતી. સાથોસાથ, એમ પણ કહેવાયું કે
આ દેશોએ જળવાયુના સંદર્ભમાં કામગીરીને સ્પષ્ટ રીતે અપનાવીને વિશ્વને આવાં સ્વચ્છ એકમો
ઊભાં કરવામાં આવતાં ખર્ચમાં ઘટાડો કરવામાં પણ મદદ કરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનો એક
અહેવાલ એવો છે કે જળવાયુ પરિવર્તનના સંદર્ભમાં આર્થિક મદદ સતત ઘટી રહી છે. વિકસતા દેશોને વર્ષ 203પ સુધી પોતાનાં લક્ષ્યને હાંસલ
કરવા દર વર્ષે 36પ અબજ ડોલરનાં ભંડોળની આવશ્યક્તા રહે છે, પણ ગયા વર્ષે તેમને માત્ર 26 અબજ ડોલરની જ મદદ મળી હતી. દર વર્ષે આ મામલે વિકસિત દેશો તેમનાં આર્થિક યોગદાનનાં
વચનને પાળવાની દરકાર કરતા નથી હોતા. આમ, હાલની સ્થિતિ એવું ચોંકાવનારું ભવિષ્ય બતાવી રહી છે કે આવનારા સમયમાં જળવાયુ પરિવર્તનનો પડકાર વધુ ને વધુ
ગંભીર સ્વરૂપ લેશે અને પરિણામે મોસમનો કહેર પણ વધુ ને વધુ ગંભીર બની જશે.