• બુધવાર, 19 નવેમ્બર, 2025

ગાંધીધામમાં ખાટલો ઢાળી મેફેડ્રોન ડ્રગ્સ વેચનારા શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 18 : શહેરના ખન્ના માર્કેટ પાસે ખાટલા પર બેસીને નશાનો કારોબાર કરનારા એક વૃદ્ધને પોલીસે પકડી પાડયો હતો. આ વૃદ્ધ પાસે પગમાં બાંધેલા ગરમ પાટો (મોજાં)માંથી રૂા. 74,430નું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરાયું હતું. આ શહેર અને સંકુલમાં અનેક લોકો નશાનો કારોબાર કરી રહ્યા છે. અમુક નશા નાની માત્રામાં આવતા હોવાથી તેને શોધવું ભૂસાંમાંથી સોય શોધવા  સમાન થઇ પડતું હોય છે, તેવામાં પોલીસે એક શખ્સને પકડી પાડયો હતો. શહેરના કાર્ગો મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેનાર સલીમ હુસેન મોવર નામનો શખ્સ ડ્રગ્સ વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ખન્ના માર્કેટમાં મચ્છી માર્કેટ પાસે તેનો દીકરો માછલી વગેરે વેચે છે, જ્યારે આ વૃદ્ધ ગેટ પાસે ખાટલો ઢાળીને આ નશાનો કારોબાર કરતો હતો. અહીં પહોંચેલી પોલીસે તેની તલાશી લીધી હતી. બધું તપાસ્યા બાદ આ શખ્સને પગમાં વાગ્યું હતું, જેની રૂઝ વળી ગઈ, તે જગ્યા પગ પર બાંધેલા ગરમ પટા (મોજાં)ની તપાસ કરાતાં તેમાંથી સફેદ રંગનું પ્લાસ્ટિક મળ્યું હતું, તેમાંથી ક્રીમ રંગનો પાઉડર મળ્યો હતો. આ પાઉડર મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ હોવાનું સલીમ મોવરે જણાવ્યું હતું. છેલ્લા એકાદ વર્ષથી અહીં નશો વેચતા આ શખ્સને પ્રતાપગઢનો મુબારક નામનો શખ્સ રૂા. 1000માં એક ગ્રામ લેખે આ ડ્રગ્સ વેચી જતો હતો અને પોતે પોતાના ગ્રાહકોને ઊંચી કિંમતે અહીં વેચતો હતો. પકડાયેલા સલીમ પાસેથી મોબાઇલ, રોકડા રૂપિયા, આર.સી. બૂક, ડ્રાઇવિંગ લાયસન્સ, બે ફોટા, નાનો વજનકાંટો વગેરે મળીને કુલ રૂા. 95,880નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ડ્રગ્સ શું છે તે માટે એફ.એસ.એલ. અધિકારીને બોલાવાયા હતા. અધિકારીએ જનરલ ક્રીનિંગ ડ્રગ્સ તથા મેફેડ્રોન આઇડેન્ટિફિકેશનનું પ્રાથમિક પરીક્ષણ કરતાં આ ડ્રગ્સ એમ.ડી. હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા સલીમ મોવરને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં લઇ જવાયો હતો તેમજ અહીં નશો વેચવા આવતા મુબારકને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Panchang

dd