ગાંધીધામ, તા. 18 : એક બીજાને પામવાની ઘેલછામાં
પાકિસ્તાનથી સીમા પાર કરી રતનપર-ખડીર આવી પહોંચેલા નોના અને મીના સામે ખડીર પોલીસમથકે
ગુનો દાખલ કરાયો હતો. પાકિસ્તાન, થરપારકર,
ઈસ્લામકોટના લસરી ગામમાં શિવમંદિરની બાજુમાં રહેનાર નોનો ઉર્ફે નારા
રવામલ ચૂડી (ભીલ) તથા નીના ઉર્ફે પૂજા કરશન ચૂડી (ભીલ) એકબીજાને પ્રેમ કરતા હોવાથી
લગ્ન કરવા માગતા હતા, પરંતુ પરિવારને તે મંજૂર ન હોવાથી બંને
તા. 4/10ના રાત્રે નીકળી ગયા હતા અને
પગે ચાલી સીમાપાર ભંજણા ભૈનસાળા બી.ઓ.પી. વચ્ચે પિલ્લર નંબર 1027 પાસેથી પાણી પસાર કરીને ભારતમાં
ઘૂસી આવ્યા હતા અને તા. 7/10ના ડુંગર
પર ચડી જંગલમાં કોલસા બનતા હોવાનું જણાતાં ભાંજઈ રાત્રિરોકાણ કરી ત્યાં ખાધું હતું, ત્યાં પોતે હિન્દુસ્તાનના રતનપરમાં પહોંચી ગયા
હોવાનું બહાર આવ્યું હતું. તા. 8/10ના રવાના થતાં બપોરના અરસામાં સ્થાનિક પોલીસે બંનેને પકડી પાડયા
હતા. આ બંનેની ઉમર માટે તબીબી પરીક્ષણ કરાવાતાં
નોનો 20 અને મીના 18થી 20 વર્ષની હોવાનું બહાર આવ્યું હતું. આ બંને પાસેથી કાંઈ શંકાસ્પદ
મળ્યું નહોતું. દરમ્યાન બંનેની જે.આઈ.સી.માં વિવિધ સુરક્ષા એજન્સીઓએ પૂછપરછ હાથ ધરી
હતી, તેમાં પણ તેમણે પ્રેમની વાત જ કરી હતી. આ બંનેના
એફ.એસ.એલ. (બ્રેઈન મેપિંગ તથા પોલિગ્રાફ) કરાવવા ખડીર પોલીસે તપાસ હાથ ધરી છે. બંને
સામે પાસપોર્ટ અધિનિયમની કલમો તળે ગુનો નોંધાયો છે.