• બુધવાર, 19 નવેમ્બર, 2025

શિકારપુરમાં શોર્ટ સર્કીટના કારણે જારના બે ખેતર આગની ઝપટમાં વ્યાપક નુકશાની

ભચાઉ, તા. 18 :  ભચાઉ તાલુકાના શિકારપુર ગામ નજીક જારના ખેતરોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ખાનગી કંપનીની પવનચક્કીના વીજતારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે લાગેલી આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, બપોરના અરસામાં પવનચક્કી નંબર 207 પાસે કંપનીના કર્મચારીઓ દ્વારા કોઈ કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ખેતર ઉપરથી પસાર થતા વીજતાર એકબીજા સાથે અથડાતા શોર્ટ સર્કિટ   થઈ હતી.  તણખાના કારણે નીચે ઉગેલી જારના પાકમાં  આગ ભભૂકી ઉઠી હતી. આ આગ પવનચક્કી નંબર 207 પાસેથી શરૂ થઈને બાજુના અન્ય બે ખેતરોમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. આસગર ત્રાયા, આવેશ ત્રાયા અને હાજી ઉંમરના  ખેતરોને વ્યાપક નુકસાન થયું હતું. અંદાજિત 100 એકરમાં ઉગેલી જારને બચાવવા ખેડૂત પરિવારોએ મરણીયા પ્રયાસો કર્યા હતા.  આગને કાબુમાં લેવા માટે સ્થાનિક લોકો અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. પાણીના ટેન્કર અને ખોદકામના સાધનોની મદદથી લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં અંદાજિત 3 લાખ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હતું.  ગામના રમઝાન ત્રાયાએ ઁ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગના કારણે તેમના પરિવારના હુસેન ત્રાયાના ખેતરની વાડ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાથી ખેડૂતોને મોટા આર્થિક ફટકો પડયો છે.  

Panchang

dd