દિલ્હીમાં લાલ કિલ્લા નજીક ભયાનક વિસ્ફોટ થયા પછી આપણે સફાળા
જાગી ઊઠયા છીએ, કારણ કે છેલ્લાં દસ વર્ષમાં
- 2014 પછી ભારતનાં મુખ્ય - મોટાં
શહેરોમાં કોઈ આતંકવાદી હુમલા થયા નથી અને સરહદ ઉપર ચીન હોય કે પાકિસ્તાન - આપણી સેના
સાવધાન અને સક્રિય છે. પહેલગામમાં અચાનક હુમલો થયો અને નિર્દોષ ભારતીય નાગરિકોના હત્યાકાંડનો
બદલો આપણે બરાબર લીધો. પાકિસ્તાની સેનાને સજા કરી. વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ
શબ્દોમાં ચેતવણી આપી કે હવે આતંકી છૂંછી કરશો તો તમારી ખો ભુલાવી દેશું, પણ તે પછી સ્થિતિ અને સંજોગો બદલાયા છે. પાકિસ્તાની
ફિલ્ડ માર્શલ પદ પચાવી પાડયા પછી મુનીર હવે ટ્રમ્પના ખોળામાં બેઠા છે અને પાકિસ્તાની
અણુમથકોની `ચાવી' પણ પોતાની પાસે રાખી છે! પણ, ભારતને તેનો ખોફ - ડર નથી. ભારત સરકારે દિલ્હીના વિસ્ફોટને આતંકી હુમલો ગણાવ્યા
પછી આપણને વિશ્વાસ અને પાકિસ્તાની આવામને ડર છે કે ભારત શિક્ષાત્મક આક્રમણ કરશે. ક્યારે?
તેનો જવાબ સમય આપશે. પાકિસ્તાની આતંકને મૂળ સાથે ખતમ કરવા સિવાય વિકલ્પ
નથી. સરહદ ઉપરથી ઘૂસણખોરી બંધ થઈ શકે છે, પણ ઓપરેશન સિંદૂરના
બીજા ભાગમાં પાકિસ્તાની લશ્કરી મથકો ઉપર હુમલા કરીને નાબૂદ કરવાં પડશે. આતંકવાદ શરૂ
કરનારી એજન્સી - આઈએસઆઈ ત્યાં સેના જ ચલાવી રહી છે અને આતંકીઓને તાલીમ આપે છે. ભારતમાં
નાણાં અને શત્રો મોકલે છે, તેથી આતંકના `આકા'
મૂળ માલિકોને જ ખતમ કરવા પડશે. આમ થાય તો જ લશ્કરી અફસરોને ભારતનો ડર
લાગશે. - આ અભિપ્રાય આપણા સંરક્ષણ નિષ્ણાતોનો છે. મુનીર ફિલ્ડ માર્શલ બનીને બદલો લેવા
માગે છે. બાંગલાદેશનો સાથ પણ તેને મળ્યો છે. હવે મુનીર ખતમ થાય તો - અને ત્યારે આતંકનો
અંત આવશે. ભારતીય સેના અને સરકાર ઉતાવળ નહીં કરે, પણ સમય અને
લાગ જોઈને હુમલો જરૂર કરશે. ઇઝરાયલે દુશ્મનોને - કદી ભૂલશે નહીં - એવી સજા કરી છે.
ભારતે પણ સંરક્ષણ માટે આક્રમક બનવું પડશે અને તે પહેલાં દેશભરમાં છુપાયેલાં સાપોલિયાં
પકડી પકડીને ખતમ કરવાં પડશે. આતંકને કાનૂની કારવાઈની પરવા નથી. આતંકનો ઉપાય આતંક જ
હોય. આપણી ગુપ્તચર એજન્સીઓ ઊંઘતી ઝડપાઈ ગઈ છે. અલબત્ત, એક આતંકીએ
દિલ્હીમાં વિસ્ફોટ કર્યા પછી એજન્સીઓએ ચીલઝડપથી જે કાર્યવાહી કરી ને અન્ય શહેરોમાં
હત્યાકાંડ અટકાવ્યા, તે નોંધપાત્ર છે, પણ
હજુ શરૂઆત થઈ છે. દેશના ખૂણેખૂણેથી દેશદ્રોહીઓની સાફસૂફી કરવી પડશે - યુદ્ધનાં ધોરણે
- હવે વિકાસ માટે આતંકનો વિનાશ અનિવાર્ય છે. આજે મુખ્ય પ્રશ્ન છે કે આતંકવાદનો આખરી
અંજામ - અંત ક્યારે આવશે? ક્યારે આવી શકે? માઓવાદ - નક્સલવાદનો આપણો અનુભવ જુઓ. દાયકાઓથી, લગભગ
50 વર્ષથી માઓવાદીઓ લોકતાંત્રિક
વ્યવસ્થા અને સરકાર સામે જંગે ચડયા છે. સત્તા બેલેટ બોક્સ - મતપેટીથી નહીં, બુલેટથી મળે છે એવા ચીનના સુપ્રીમો માઓના મંત્રથી
મુગ્ધ થઈને ભાન ભૂલેલા નક્સલવાદીઓ હવે શરણાગતિ સ્વીકારી રહ્યા છે, પણ આ દરમિયાન લોકતંત્રની વ્યવસ્થા વિરોધી વિચારધારાનો પ્રચાર કરનારા અર્બન
- શહેરી નક્સલવાદીઓ સક્રિય બન્યા છે. આ માનસિકતાનો અંત આવવો જ જોઈએ. માઓવાદી પછી હવે
પાકિસ્તાની આતંકવાદ હવે શહેરોમાં વિસ્તરે તે પહેલાં તેને ખતમ કરવો પડશે. `સેક્યુલરવાદ'ના બુરખા હેઠળ આતંકવાદનો બચાવ કરનારા નેતાઓ દેશદ્રોહી
- દેશના દુશ્મન છે. સત્તા મેળવવા માટે દેશહિતના ભોગે આતંકવાદીઓને ઉત્તેજન મળે છે,
તેનાં મૂળ ઉખેડીને નાશ થાય તો જ આતંકવાદનો અંત આવશે. વિદેશી આતંકવાદને
હવે `સ્વદેશી'
અવતાર આપવાનું કાવતરું છે તે બેનકાબ થવું જોઈએ. આતંકવાદી હુમલાની શરૂઆત
કાશ્મીરમાં થઈ હતી. 1989માં શરૂઆત
થયા પછી મુંબઈ - દિલ્હીમાં સિરિયલ બોમ્બધડાકા, ભારતીય સંસદ ભવન ઉપર આક્રમણ અને વિવિધ શહેરોમાં આતંકી હુમલા, શેરબજાર - ઝવેરી બજાર જેવાં કેન્દ્રો અને ધાર્મિક સ્થળો ઉપર હુમલા થયા,
પણ કાશ્મીરમાં સખત કાર્યવાહી અને જાપ્તા પછી આતંકી ઘટનાઓ 4500થી ઘટીને 100 ઉપર આવી છે, હવે આતંકવાદ છેલ્લા શ્વાસ - ડચકાં ભરે છે એમ
કાશ્મીરના પૂર્વ કમાન્ડર સૈયદ આતા હુસ્નેઇન કહે છે. અગાઉ પાકિસ્તાની - આઇએસઆઇ દ્વારા
ત્યાંના ગરીબ, યતીમ છોકરાઓને ડ્રગના રવાડે ચડાવીને ભારત વિરુદ્ધ
આતંકવાદના પાઠ ભણાવીને ભારત ભણી ધકેલી દેવાતા હતા. હવે આતંકવાદના નકાબ - મહોરાં ભારતીય
યુવા મુસ્લિમોને પહેરાવે છે. ભારતમાં રાજકીય નેતાઓ સેક્યુલરવાદનાં બહાને આ તત્ત્વોને
ઉશ્કેરે છે. ઉત્તેજન આપે છે અને બચાવ કરે છે. કોરોનામાં રસીકરણના વિરોધથી લઈને નાગરિકત્વ
ધારા સુધી આ જ `રમત' ચાલી છે. ચૂંટણીમાં `વોટ બેન્ક' માટે કોમવાદી પ્રચાર થાય છે. દિલ્હી વિસ્ફોટના
અપરાધીઓ પકડાયા પછી એમના પરિવારોને ત્રાસ નહીં આપવાની માગણીનો મતલબ શું? કાવતરાંના મૂળ સુધી કેમ જવાય નહીં? આ વખતે ડોક્ટરો પકડાયા
છે, જેથી અન્ય ક્ષેત્રના શિક્ષિતવર્ગને પણ સાથે લઈ શકાય. આ સિલસિલો
અત્યારે કપાય નહીં તો આગળ વધશે. દેશવિરોધી તત્ત્વોને નાણાં અને ડ્રગ્સનો પુરવઠો મળતો
રહે છે. પાછલાં પાંચ વર્ષમાં કરોડો રૂપિયાનાં ડ્રગ્સ સરહદ ઉપર પકડાયાં છે. દિલ્હીમાં
વપરાયેલા વિસ્ફોટક પદાર્થ પણ બાંગલાદેશથી વાયા નેપાળ - ભારત પહોંચ્યા હોવાની માહિતી
છે. આ સંજોગો અને પડકારને પહોંચી વળવા માટે લોકોની પણ જવાબદારી છે. સાઉથ એશિયા ટેરરિઝમ
પોર્ટલના અહેવાલ મુજબ કાશ્મીર સિવાયનાં અન્ય રાજ્યોમાં સંખ્યાબંધ - લગભગ 150થી વધુ ઇસ્લામી આતંકવાદી પકડાયા
છે, તે ઉપરથી સ્પષ્ટ છે કે ભારતમાં આતંકવાદ વિસ્તારવાનું
કાવતરું છે. દિલ્હીનો વિસ્ફોટ ખતરાની ઘંટી છે. રેડ સિગ્નલ છે. દિલ્હીના વિસ્ફોટ પહેલાં
ગુજરાતમાં એક ડોક્ટર અને તેના બે શાગીર્દ પકડાયા હતા. હૈદરાબાદથી આવેલો શખ્સ એરંડિયાનાં
બીજનાં તેલમાં ચોક્કસ રસાયણો ભેળવી કાતિલ ઝેર બનાવીને મોટી સંખ્યામાં હત્યાકાંડ કરવા
માટે આવ્યો હતો. આ વિષની અસર ખતમ કરવા માટે કોઈ દવા હજુ બની નથી. આ વિષ - `રીસીન'નો ઉપયોગ 2013માં ઓબામા
સામે અને 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ સામે થયો
હતો, પણ જે પાર્સલ (દસ્તાવેજ?) એમનાં નામે મોકલાયાં હતાં, તે પકડી પાડવામાં આવ્યાં,ં તેથી કાવતરું નિષ્ફળ ગયું! (કૌટિલ્યશાત્રમાં આવા ઘણા પ્રયોગ લખાયા છે.) આ
શખ્સોએ કબૂલ કર્યું છે કે પાકિસ્તાનથી ડ્રોન મારફત એમને શત્રો પણ મળ્યાં છે. ગુજરાતનાં
આતંકવાદ વિરોધી પોલીસ દળે હૈદરાબાદથી ગુજરાત આવીને જરૂરી સંશોધન કરીને રસાયણો ભેળવી
આ વિષ બનાવવાની પૂરી તૈયારી કરનારા ડો. આઝાદ સુલેમાન શેખને તેના સાથીઓ સાથે પકડયો છે.
એરંડાનાં બીજમાંથી પ્રોટીન કાઢીને રસાયણો સાથે ભેળવીને બનાવેલાં વિષનું એક ટીપું પણ
ખોરાકમાં ભેળવી દેવાય તો પુખ્ત વયની વ્યક્તિનું મોત થઈ શકે છે. પહેલાં વિશ્વયુદ્ધ વખતે
રસાયણોનું સંશોધન કર્યું હતું અને બીજાં વિશ્વયુદ્ધમાં તથા 1980માં પણ પ્રયોગ થયા હતા. ગુજરાતમાં
પકડાયેલા આતંકી ડોક્ટરે ડિગ્રી ચીનમાં લીધી હતી. ગુજરાતમાં શાકમાર્કેટમાં અને મંદિરોમાં
વિષનો પ્રયોગ થનારો હતો. દિલ્હીમાં આતંકવાદી સાથે ત્રણ હજાર કિલો સ્ફોટક પદાર્થ પકડાયા
હોત નહીં તો સંખ્યાબંધ શહેરોમાં મોતનો માતમ છવાયો હોત. ગુજરાતમાં આતંકીઓ પકડાયા હોત
નહીં તો શું થાત તેની કલ્પના કરવી રહી. આપણે એક વાત સમજવી જોઈએ કે આ શહેરી આતંકવાદ
મનોવૈજ્ઞાનિક અસર માટે છે. સલામતીની ચિંતાથી વધુ ચિંતા આપણા આત્મવિશ્વાસ અને ભારતના
વિશ્વાસ તથા વિકાસની છે. ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. ભારત અમેરિકા સામે
ઝૂકવા તૈયાર નથી તે ટ્રમ્પને ખૂંચે છે - અત્યારે નાછૂટકે છૂટછાટ આપવાની વાતો કરે છે, પણ ભારત અને મોદીનું સ્વદેશાભિમાન ટ્રમ્પને
આંખમાં કણાની જેમ ખૂંચે છે. યુદ્ધવિરામ કરાવ્યાનાં બણગાં ફૂંક્યા પછી દિલ્હીમાં વિસ્ફોટમાં
જાન ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી, પણ આતંકી હુમલાની ટીકા કરી નહીં. એક શબ્દ પણ નહીં, જ્યારે
પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન નજીક વિસ્ફોટને આતંકી હુમલો ગણાવીને પાકિસ્તાન સાથે અમે
ઊભા છીએ - એવું નિવેદન કર્યું! તેમની ભેદભાવી દૃષ્ટિ સમગ્ર દુનિયા જોઈ શકે છે.