મુંદરા, તા. 18 : હવે કેનેડામાં નવા વડાપ્રધાન
માર્ક કાર્મીના આગમન બાદ ભારત અને કેનેડા વચ્ચે બગડેલા સંબંધો સુધરી રહ્યા છે અને બંને દેશ વચ્ચે વિવિધ સ્તરે
વેપાર વધારવાની કવાયત હાથ ધરાઈ રહી છે, ત્યારે મહત્ત્વના ઘટનાક્રમમાં ગઈકાલે ભારત આવનારા કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ
કોમર્સ (સીએચસીસી)ના બીજા ટ્રેડ મિશન - 2026નો પ્રારંભ કરાયો હતો. આ લોન્ચિંગ કાર્યક્રમ સાથે જાહેર કરાયેલી
કેનેડા ઇન્ડિયા ટ્રેડ કમિટીમાં બે કચ્છી હેમંત શાહ અને રોનક નાગડાને મહત્ત્વનું સ્થાન
અપાયું હતું. જાન્યુઆરીમાં
યોજાનારા અને ભારત કેનેડાના સંબંધોને પુન:
પાટા પર લાવનારા આ ટ્રેડ મિશનને ગઈકાલે આઈસીઆઈસીઆઈ બેંક, કેનેડાના મુખ્યાલયમાં યોજાયેલા સમારોહમાં ખુલ્લું
મુકાયું હતું. આ મિશન હેઠળ વ્યાપાર જગતની ટોચની હસ્તીઓ ભારતના વિવિધ રાજ્યોની મુલાકાત
લેશે. આ મિશનની સાથે સાથે જાહેર થયેલી ટ્રેડ કમિટીના અધ્યક્ષસ્થાને પાંચ દાયકાના અનુભવી
અને ભારત-કેનેડા વ્યાપાર સંબંધોના ભીષ્મ પિતામહ ગણાતા મૂળ અબડાસાના વરાડિયા ગામના વતની
હેમંત શાહની વરણી કરાઈ છે. આ સાથે આ કમિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદે પણ મૂળ કચ્છી
પણ ઘાટકોપર (મુંબઈ) બાદ કેનેડા સ્થાયી થયેલા રોનક નાગડાની વરણી કરાઈ છે. નોંધનીય છે
કે, કેનેડાના વડાપ્રધાન પદે ટ્રુડો હતા, ત્યારે બંને દેશ વચ્ચે સંબંધો વણસ્યા હતા અને હવે સુધરી રહ્યા છે, ત્યારે ફરી સુધારાની આ પ્રક્રિયામાં અને બંને દેશ વચ્ચે વ્યાપારની ગતિવિધિ
વધુ વેગ પકડે તેમાં આ ટ્રેડ કમિટી મહત્ત્વની ભૂમિકા નિભાવશે.