નવી દિલ્હી, તા. 18 : દિલ્હીમાં
કાર ધડાકાનાં આતંકવાદી કૃત્યમાં સંડોવાયેલા ડોક્ટર મોડયુલ સાથે સંબંધિત અલ-ફલાહ યુનિવર્સિટીના
સ્થાપક જવાદ અહેમદ સિદ્દીકીની ઈડીએ ધરપકડ કરી હતી. દિલ્હી વિસ્ફોટના કાવતરાખોર ડો.
મુઝમ્મિલ અને આતંકવાદી ઉમર નબી પણ અહીં કામ કરી ચૂક્યા હોવાથી અલ-ફલાહ યુનિવર્સિટી
ઈડીના રડારમાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, યુનિ.ના સંચાલકો સામે નાણાંની ગેરકાયદે હેરફેરનો કેસ અગાઉથી જ નોંધાયેલો છે. એક મીડિયા હેવાલ મુજબ, હુમલા બાદ, અલ-ફલાહ યુનિવર્સિટીમાં
સઘન તપાસ શરૂ થઈ હતી અને મંગળવારે સવારે, ઈડીએ દિલ્હી,
ફરીદાબાદ અને નજીકના વિસ્તારોમાં સ્થળોએ દરોડા પાડયા હતા. અલ-ફલાહ યુનિ.નું
ફરીદાબાદમાં કાર્યાલય છે, જ્યાં ઈડીએ દરોડા પાડ્યા હતા અને ટીમે
વિવિધ દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક સાધનો અને અન્ય મહત્ત્વપૂર્ણ માહિતી
જપ્ત કરી હતી અને હુમલાના આરોપીઓનું અલ-ફલાહ યુનિ. સાથે જોડાણ સામે આવતાં ઈડીએ જવાદ
અહેમદની ધરપકડ કરી હતી. ઈડીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના
સંબંધમાં પીએમએલએ હેઠળ નોંધાયેલા ઈસીઆઈઆરની ચાલુ તપાસમાં યુનિ. કાર્યાલયોમાં પાડવામાં
આવેલા દરોડા દરમિયાન એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓની વિગતવાર તપાસ અને વિશ્લેષણ બાદ
જવાદની ધરપકડ કરવામાં આવી હતી. યુનિવર્સિટી
અને તેના માલિકો વિરુદ્ધ થોડા મહિના પહેલાં જ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો મામલે કેસ
નોંધાયો હતો, જેમાં પણ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આરોપો અનુસાર, યુનિવર્સિટી
અને તેના સંચાલક ટ્રસ્ટના નામે કરોડો રૂપિયાનો ગેરકાયદેસર વ્યવહાર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, વિદેશી દાન સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું
હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. મુખ્ય આરોપ મુજબ, યુનિવર્સિટીની
સંપત્તિઓના દુરુપયોગ દ્વારા કાળાં નાણાંને સફેદ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો
હતો.