નવી દિલ્હી, તા. 18 : દેશમાં શિયાળો
જામી રહ્યો છે અને સંખ્યાબંધ સ્થળે તો નવેમ્બરમાં જ કાતિલ ઠંડીના વર્ષો જૂના વિક્રમો
તૂટી રહ્યા છે. કચ્છથી કાશ્મીર સુધી તીવ્ર ઠંડી છવાઈ રહી છે. ગુજરાતમાં બે દિવસથી વહેલી
સવારે અને સાંજ પછી શિયાળાનો પ્રભાવ વર્તાવા લાગ્યો છે. પહાડી વિસ્તારોમાંથી આવી રહેલી
ઠંડી હવાના જોરે ઉત્તર ભારત ઠારથી થથરી રહ્યું છે. દિલ્હી, બિહાર, મધ્યપ્રદેશ,
રાજસ્થાન સહિત અનેક રાજ્યમાં તાપમાન ઝડપથી નીચે આવતાં જનજીવનને ઠંડીનો
પરચો મળી રહ્યો છે. ઉત્તરાખંડનાં બદ્રીનાથ ધામમાં પારો માઈનસ આઠ ડિગ્રી થઈ જતાં ઝરણા
થીજી ગયાં હતાં. રાજસ્થાનમાં ચાર વર્ષ બાદ પહેલી વખત નવેમ્બરમાં માઉન્ટ આબુમાં તાપમાન
શૂન્ય ડિગ્રી પહોંચતાં કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. ઉત્તરમાં ઠંડીના જોર વચ્ચે દક્ષિણ
ભારતમાં ભારે વરસાદે આફત સર્જી હતી. પોંડિચેરીમાં અતિ વરસાદની ચેતવણીને પગલે શાળા-કોલેજ
બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. ભોપાલમાં તાપમાન પાંચ ડિગ્રીએ પહોંચી જતાં 84 વર્ષનો રેકોર્ડ તૂટયો છે. દિલ્હીમાં
ગઈકાલે નવેમ્બરમાં ઠંડીનો 11 વર્ષનો વિક્રમ
તૂટયો હતો. રાજસ્થાનમાં 2021 બાદ પહેલી
વખત નવેમ્બરમાં પાંચ ડિગ્રીથી નીચે પારો આવ્યાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. વીતેલા
24 કલાકમાં ફતેહપુરમાં 4.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યનાં 15 શહેરમાં પારો પાંચથી 10 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. પર્યટન
સ્થળ માઉન્ટ આબુમાં 15 વર્ષમાં પહેલી
વખત નવેમ્બરમાં જ પારો શૂન્ય ડિગ્રી થયો હતો. મધ્યપ્રદેશના ભોપાલ, ઈન્દોર તથા રાજગઢ સહિતના 26 જિલ્લામાં શીતલહેરની ચેતવણી
આપવામાં આવી હતી. દિલ્હીમાં આજે પણ ઠંડીનું જોર રહ્યું હતું. બીજી તરફ, પોંડિચેરીમાં સતત વરસાદે જનજીવન પ્રભાવિત થયું
છે. રાજ્યના શિક્ષણમંત્રીએ નામચિવાયમે ભારે વરસાદની ચેતવણીને પગલે શાળા-કોલેજમાં રજાની
ઘોષણા કરી હતી. દરમ્યાન, રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી
રહ્યો છે. આજે સવારથી પણ ઉતર-પૂર્વના ઠંડા પવનો યથાવત્ રહેતાં ટાઢાબોળ વાતાવરણમાં લોકો
ઠર્યાં હતાં. ખાસ કરીને 24 કલાક દરમ્યાન
રાજકોટના સવારનાં તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતાં આજે સવારે 12.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ
હતું, તો આ સિઝનના સૌથી નીચા 9.9 ડિગ્રી તાપમાન સાથે દાહોદ ઠંડુગાર
રહ્યું છે. રાજ્યમાં બીજા નંબરનું ઠંડું શહેર 10.5 ડિગ્રી સાથે નલિયા રહ્યું છે,
ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં
તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી જતાં બર્ફીલો માહોલ જામ્યો છે. આ ઉપરાંત અમરેલી અને નલિયા આજે પણ ઠંડાબોળ રહ્યા
હતા. રાજકોટમાં ઠંડીએ એકાએક જોર પકડયું છે.
આજે સવારે નોંધાયેલું લઘુતમ તાપમાન માત્ર 12.1 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન છે. ગઈકાલની સરખામણીએ આજે તાપમાનમાં
બે ડિગ્રીનો એકઝાટકે ઘટાડો જોવા મળ્યો છે.
આજે સવાર સવારમાં ફૂલ ઠંડીના કારણે મુખ્ય બજારોમાં ચહલ-પહલ ધીમી જોવાં મળતી હતી. ગિરનાર
પર્વત ઉપર શહેર કરતાં વધુ પાંચ ડિગ્રીએ નીચે પારો જતા સાત ડિગ્રીએ પહોંચી જતા સહેલાણીઓ
પર્યટકો, યાત્રિકો ઠૂંઠવાઇ ગયા હતા.