રાજકોટ, તા. 14 : રાજકોટના
ઓલરાઉન્ડર આર્યન સાવસાણીએ ભારતની અંડર-19 એશિયા કપની સફરમાં પોતાનું મહત્વપૂર્ણ
યોગદાન આપ્યું છે. ફાઇનલ જેવા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં આર્યને અત્યંત શિસ્તબદ્ધ બાલિંગનું
પ્રદર્શન કરી 7 ઓવરમાં
36 રન
આપ્યા હતા. આ પહેલા અફઘાનિસ્તાન સામે પણ બે વિકેટ લઈ ધારદાર બાલિંગ કરી હતી. ટંકારાના
કલ્યાણપુર ગામના વતની આર્યન સાવસાણીનો પરિવાર હાલ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર નિવાસ
કરે છે. બાલ ભવનની ક્રિકેટ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છે. આર્યનના પિતા દિનેશભાઈ ખાનપરની
હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. તેમણે જન્મભૂમિપત્રો સાથેની વાતચીતમાં
જણાવ્યું હતું કે, આર્યન રોજ 8 કલાક
મહેનત કરે છે. તે 9 વર્ષનો હતો ત્યારથી સતત પ્રેક્ટિસ કરે છે. ભારતીય
ટીમમાં પહોંચતા હજી તેણે બે અઢી વર્ષનો સમય લગશે, તેનું
સિલેક્શન કુચ બિહાર ટ્રોફીના પ્રદર્શન મુજબ થશે. તેમણે ઉમેર્યું કે, આર્યન ઓલરાઉન્ડર છે, મારા મત મુજબ તેનું બાટિંગ પાસું
મને વધુ ગમે છે.