• સોમવાર, 16 નવેમ્બર, 2026

રાવણ-જટાયુ સંઘર્ષનાં દૃશ્યો પાછળ `કચ્છી નજર'

રામાયણ-1ના વીએફએક્સની ટીમમાં મૂળ ભુજના યુવકનોય ફાળો

ભુજ, તા. 15 : મહાકાવ્ય રામાયણને રૂપેરી પરદે આલેખિત કરતી `રામાયણ પાર્ટ-1' દર્શકોને પસંદ આવી રહી છે, ત્યારે કચ્છ માટે ગૌરવની વાત એ છે કે, આ ફિલ્મ માટે મહત્ત્વના એવા વીએફએક્સ એટલે કે સ્પેશિયલ ઈફેક્ટસની પ્રક્રિયા સાથે મૂળ ભુજનો યુવાન ભર્ગ હરેશભાઈ વૈદ્ય સંકળાયેલો છે અને વધુ અગત્યનું એ છે કે, જે દૃશ્યો દર્શકોને સવિશેષ પસંદ પડયાં છે તે રાવણનો પ્રવેશ અને જટાયુ સાથેના સંઘર્ષના દૃશ્યોના વીએફએક્સ આ યુવાન અને તેની ટીમ દ્વારા રચવામાં આવ્યાં હતાં. કચ્છમિત્રના વરિષ્ઠ પત્રકાર દિવંગત હરેશભાઈ વૈદ્યના પુત્ર ભર્ગે દોઢ-બે દાયકા પહેલાં કારકિર્દી તરીકે  તે સમયે થોડી અજાણી એવી એનિમેશન અને વીએફએકસની કેડી પકડી હતી, પરંતુ થોડા જ સમયમાં તેણે આ ક્ષેત્રે હથોટી મેળવીને મુંબઈમાં કાર્યરત રહીને નામના મેળવી છે. કેરળમાં અભ્યાસ કર્યા બાદ પ્રાઈમ ફોકસ કંપનીમાં જોડાવાની સાથે એક પછી એક એમ 27થી વધારે ફિલ્મમાં વીએફએક્સ કમ્પોઝીટર તરીકે પોતાનું કામ અને નામ આગળ ધપાવ્યું છે. રામાયણ વિશે તેણે પોતાનો અનુભવ વ્યક્ત કરતાં કચ્છમિત્રને જણાવ્યું હતું કે, આ ફિલ્મે બનતાં પહેલાં જ એક હાઈપ જન્માવી હતી અને લોકોની અપેક્ષા એકદમ વધારી દીધી હતી. ફિલ્મનું કથાનક વીએફએક્સની અપાર શક્યતાઓ ધરાવતું હોવાથી સ્વાભાવિક છે કે ટીમના એક ભાગ તરીકે થોડું દબાણ રહ્યું હતું. ભર્ગે જણાવ્યું હતું કે, ફિલ્મકારોએ કથાની સંવેદનશીલતાને અકબંધ રાખીને દૃશ્યોને તેની જરૂરત મુજબના ભવ્ય રાખવા પર ભાર મૂક્યો હોવાથી વીએફએકસ કમ્પોઝીટર તરીકે દૃશ્યો વધુ પડતા ભભકાદાર ન બને અને લોકોને એક અલગ અનુભવ આપે તેવા પ્રયાસ સાથે કામ કર્યું હતું અને ફિલ્મ રજૂ થયા બાદ મળી રહેલા પ્રતિભાવોથી અમને અમારી મહેનત ફળ્યાની અનુભૂતિ થઈ રહી છે. ભર્ગે કહ્યું કે, આમ તો સમગ્ર ફિલ્મમાં એક ટીમ તરીકે કામ કર્યું છે, પરંતુ જટાયુ-રાવણના સંઘર્ષ અને શરૂઆતમાં રાવણના પ્રવેશના દૃશ્યોમાં તેણે અને તેની 20 સભ્યની ટીમે વિશેષ કાર્ય કર્યું હતું. ભર્ગે જણાવ્યું કે, ફિલ્મનો હવે પછીના ભાગમાં હનુમાનનાં દૃશ્યો અને યુદ્ધનાં દૃશ્ય હોવાથી વીએફએક્સનું પ્રદાન પણ સવિશેષ રહેશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd