નવી દિલ્હી, તા. 15 : સંસદનું
શિયાળુ સત્ર ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે.આ સત્રમાં કેન્દ્ર સરકાર
સીમાંકન ખરડો રજૂ કરી શકે છે. આ ખરડાને પસાર કરવા માટે બે તૃતિયાંશ બહુમતી જરૂરી છે.
એપ્રિલ મહિનામાં આ ખરડો ગૃહમાં પાસ થઈ શક્યો ન હતો. તાજેતરમાં જ સૂત્રોને ટાંકીને દાવો
કરવામાં આવ્યો હતો કે સરકારે બે તૃતિયાંશનો આંકડો મેળવી લીધો છે. આ જ કારણથી હવે તેને
ફરી ગૃહમાં રજૂ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સીમાંકન ખરડો
મહિલા અનામત સંશોધન ખરડાથી જોડાયેલો છે. જો તે પસાર થશે તો લોકસભામાં કુલ બેઠક 850 થઈ
શકે છે. આ બેઠકોમાંથી બે તૃતિયાંશ મહિલાઓ માટે અનામત રહેશે. ઉલ્લેખનીય છે કે મતદાતા
યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ (સર)ને લઈને રાજકીય માહોલ ગરમ છે તેવા સમયે આ ઘટનાક્રમ
આકાર લઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર બંધારણ સંશોધન ખરડા અને સંબંધિત મહિલા અનામત સંશોધન
ખરડાને પસાર કરાવવા માટે ઉત્સુક છે. આ ખરડાઓનો ઉદ્દેશ્ય સીમાંકન દ્વારા લોકસભાની વર્તમાન
543 બેઠકની
સંખ્યા વધારીને 850 કરવાનો છે જેથી 2029ની
સામાન્ય ચૂંટણીથી પહેલાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા
અનામત લાગુ કરવાનો રસ્તો સાફ થઈ જશે.