નવી દિલ્હી, તા. 1પ
: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલા સાયબર જોખમો અને છેતરાપિંડીને
રોકવા માટે નવા દિશાનિર્દેશો જાહેર કર્યા છે. આ અંતર્ગત બિન-બાંકિંગ પેમેન્ટ સિસ્ટમ
ચલાવતી કંપનીઓએ કોઈપણ અસામાન્ય ઘટનાની જાણ છ કલાકની અંદર કરવી પડશે. તેમાં સાયબર હુમલો, સિસ્ટમ અચાનક બંધ થઈ જવી અને પેમેન્ટના સેટલમેન્ટમાં વિલંબ જેવી ઘટનાઓનો સમાવેશ
થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિયમનો હેતુ ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવાનો
છે. તેનાથી સાયબર છેતરાપિંડીના વધતા બનાવો પર નિયંત્રણ મેળવવામાં મદદ મળશે. આરબીઆઈના નવા નિર્દેશો તમામ બિન-બાંકિંગ પેમેન્ટ
સિસ્ટમ ઓપરેટર્સ (પીએસઓ) પર લાગુ પડશે. આ કંપનીઓએ નિર્ધારિત ફોર્મેટમાં છ કલાકની અંદર
કેન્દ્રીય બેંકને ઘટનાની જાણ કરવી પડશે. આના કારણે આરબીઆઈ સમયસર હસ્તક્ષેપ કરી શકશે.
સાથે જ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલા સંભવિત જોખમો પર નજર રાખવાનું પણ સરળ બનશે. દેશની કેન્દ્રીય બેંકે એ પણ ફરજિયાત બનાવ્યું છે
કે પેમેન્ટ કંપનીઓએ છેતરાપિંડીની જાણ થયા બાદ છ કલાકની અંદર સાયબર સુરક્ષા સંબંધિત
ઘટનાની માહિતી સીઈઆરટી-ઈનને આપવી પડશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ડિજિટલ વ્યવહારો ઝડપથી વધી રહ્યા છે. તેની સાથે જ પેમેન્ટ સિસ્ટમને નિશાન બનાવતા
સાયબર હુમલાઓ પણ વધુ જટિલ બની રહ્યા છે. આવી સ્થિતિમાં આ નિયમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
આ નિયમોના દાયરામાં અનેક સંસ્થાઓનો સમાવેશ થશે. તેમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ
ઇન્ડિયા, કાર્ડ પેમેન્ટ સિસ્ટમ ચલાવતી કંપનીઓ, વિવિધ પેમેન્ટ સેવાઓને એકબીજા સાથે જોડતી કંપનીઓ, અગાઉથી
નાણાં જમા કરીને ઉપયોગમાં લેવાતાં પેમેન્ટ સાધનો જારી કરતી કંપનીઅળ અને વ્હાઇટ લેબલ
એટીએમ ઓપરેટર્સ પણ આ નિયમોના દાયરામાં આવશે.