• સોમવાર, 16 નવેમ્બર, 2026

ભુજ ખાતે છઠ્ઠપૂજામાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા

શ્રીજી તળાવે ઉત્તર ભારતીય સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજન છ હજાર લોકો દ્વારા સૂર્યને અર્ઘ્ય આપી પૂજન કરાયું

ભુજ, તા. 15 : ઉત્તર ભારતીય સેવા સમાજ ટ્રસ્ટ-ભુજ તરફથી શ્રીજી તળાવ આર.ટી.ઓ. રિલોકેશન ઉપર છઠ્ઠપૂજા (સૂર્યષષ્ઠી)નું વ્રત (ત્યોહાર) ઉમંગ અને ઉત્સાહની સાથે ઊજવાયું હતું. ચાર દિવસ આ પર્વ નિમિત્તે આથમતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવ્યું હતું. આવતીકાલે ઊગતા સૂર્યની પૂજા સાથે છઠ્ઠપૂજાનું સમાપન કરાશે. પરંપરાગત છઠ્ઠપૂજાએ સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની આરાધનાનાં પર્વએ ભક્તો દ્વારા અર્ઘ્ય સૂર્યાસ્તે આપ્યા બાદ બીજા દિવસે ઉષા અર્ઘ્યવિધિ અને પારણાં કરવામાં આવે છે. દિવાળી બાદ આવતી છઠ્ઠની સંધ્યાએ તથા બીજી દિવસે ઊગતા સૂર્યને પૂજી પરિવારના સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરાય છે, ત્યારબાદ 36 કલાકના નિર્જલા ઉપવાસનાં પારણાં કરવામાં આવે છે, તેવું છઠ્ઠ પૂજનવિધિ વિશે વિગતો આપતાં જણાવાયું હતું. આ કાર્યક્રમમાં ભુજ વિધાનસભાના એમએલએ કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ તેમજ આર.એસ.એસ. પશ્ચિમ કચ્છના સરકાર્યવાહક હિંમતસિંહ વસણ તથા મંત્રી રવજીભાઈ ખેતાણીની સાથે ભાજપના અગ્રણી જયંતભાઈ માધાપરિયા, માધાપર નવાવાસના સરપંચ વાલજીભાઈ આહીર, શ્રીજી તળાવ ક્ષેત્રના વોર્ડના નગરસેવકો દિલીપભાઈ હડિયા, હસ્મિતાબેન ગોર, વંદનાબેન પરમાર અને હિરેનભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ભારતીય સમાજ ભુજ તરફથી પ્રમુખ જગનારાયણ રામ, મંત્રી સંજય શ્રીવાસ્તવ, અખિલેશ યાદવ, વલરામ ચૌધરી, અમોલભાઈ યાદવ, નરેશ મહતો, રામ આશિષ મિશ્રા, સત્યપ્રકાશ મિશ્રા, બજેન્દર શ્રીવાસ્તવ, આકાશ શ્રીવાસ્તવ સહિતના સાથે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કેશુભાઈ દ્વારા તકતી અનાવરણ તેમજ ઘાટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. છઠ્ઠઘાટના વિકાસ માટે રૂપિયા પાંચ લાખનું અનુદાન જાહેર કરાયું હતું. આશરે 6000 જેટલા ભાવિકો હાજર રહ્યા હતા. સંચાલન મંત્રી સંજય શ્રીવાસ્તવે કર્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd