મહેશ્વરીનગર-ઝૂંપડા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો
ભેદ પણ ઉકેલાયો : શખ્સની અટક
ગાંધીધામ, તા. 15 : શહેરના
ટાગોર રોડ નજીક આવેલા ક્રોમાના શો-રૂમમાંથી રૂા. 11,13,005ની ચોરીના
પ્રકરણમાં શો-રૂમનો ભૂતપૂર્વ કર્મચારી જ આરોપી નીકળ્યો છે. પોલીસે તેની અટક કરી તમામ
મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપી એક દિવસના રિમાન્ડ તળે છે. બીજી બાજુ શહેરના મહેશ્વરીનગરમાં
ઘરનાં તાળાં તોડી રૂા. 91,000ની ચોરીના બનાવમાં પણ એક શખ્સની અટક કરવામાં આવી
હતી. શહેરના ક્રોમાના શો-રૂમમાંથી ગત તા. 7/11ના રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ
બન્યો હતો. આ શો-રૂમ પાસવર્ડથી ખૂલે છે. બેક ઓફિસમાં આવેલી તિજોરી ખોલી તેમાંથી રોકડ
રકમની ચોરી થઈ હતી. અહીંથી બે ડીવીઆરની પણ ચોરી થઈ હતી. આ ચકચારી બનાવ અંગે દર્શન ભરત
રાઠોડે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શો-રૂમના મેનેજર તરીકે ફરજ બજાવતા રાહુલ કોટક
પાસે રહેલી ચાવી બનાવના અઠવાડિયા પહેલાં ગુમ થઈ હતી, જેનાથી
શો-રૂમ ખૂલતો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી દોડધામ આદરી હતી અને શો-રૂમની આસપાસના
65 જેટલા
સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી અને ટેકનિકલ એનાલિસીસ સહિતની તપાસ બાદ
લીલાશાહનગર વિસ્તારમાં રહેતા ધવલ શાંતિલાલ પટેલ (મૂળ રહે. ગોંડલ)ની ધરપકડ કરી હતી.
આ શખ્સ અગાઉ અહીં શો-રૂમમાં કામ કરતો હતો, જેથી તમામ પાસવર્ડ,
ક્યાં રોકડ રહે છે વગેરેની માહિતી તેની પાસે હતી. તેણે મેનેજરની ચાવી
મેળવી શો-રૂમ ખોલી પાસવર્ડ વડે તિજોરી, ઓફિસ ખોલી બાદમાં ચોરીના
બનાવને અંજામ આપ્યો હતો. 14 મિનિટમાં તેણે લાખોનો હાથફેરો કર્યો હતો. પકડાયેલ
આ શખ્સ એક દિવસના રિમાન્ડ હેઠળ હોવાનું પી.આઈ. એમ. જે. રાઠોડે જણાવ્યું હતું. બીજી
બાજુ શહેરના મહેશ્વરીનગર નજીક ઝૂંપડા નંબર-બેમાં ગત તા. 10/11ના
સવારના અરસામાં ધોળાદિવસે બનાવ બન્યો હતો. ફરિયાદી જિતેન્દ્ર થાવર ફફલ અને પરિવારજનો
મતિયાદેવનાં દર્શને ગયા હતા. બાદમાં તેમના ઘરનાં તાળાં તોડી તેમાંથી દાગીના તથા રોકડ
રૂા. 45,000 એમ
કુલ રૂા. 91,000ની
મતાની ચોરી થઈ હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી અને મહેશ્વરીનગર
ઝૂંપડામાં રહેનાર મૂળ ડિસા, બનાસકાંઠાના આકાશ ગોવિંદ સલાટ
નામના શખ્સને પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી રોકડ રૂા. 10,000 તથા
ચાંદીના સાંકળા જોડી નંગ-1 એમ કુલ રૂા. 58,000નો મુદ્દામાલ
જપ્ત કરવામાં આવ્યો હતો.