12 ક્ષેત્રના
વિશિષ્ટ કર્મશીલો, તેજસ્વી છાત્રોની પ્રતિભાના પોંખણા
કરાશે : હીરૂબેન ધનજીભાઇ ન્યાલચંદ વોરાના સૌજન્યથી હાથ ધરાયો પ્રકલ્પ
ભુજ, તા. 15 : કચ્છ
જિલ્લામાં સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક અને માનવસેવા સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં
નિષ્ઠાપૂર્વક અને ગુણવત્તાસભર કાર્ય કરી રહેલી સંસ્થાઓ તથા અગ્રણીઓની સેવાઓને પ્રોત્સાહિત
કરવાના ઉદ્દેશથી ભારતીય જૈન સંગઠન કચ્છના નેજા હેઠળ `હીરૂબા
સ્મૃતિ એવોર્ડ - 2027'ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જંગી નિવાસી
અને હાલ સુરત વસતા વોરા પરિવારના હીરૂબેન ધનજીભાઈ ન્યાલચંદ વોરાની સ્મૃતિમાં આ એવોર્ડ
અર્પણ કરવામાં આવી રહ્યા છે. આ આયોજન અંતર્ગત કચ્છ જિલ્લામાં કાર્યરત સંસ્થાઓ, ટ્રસ્ટો, ગ્રામીણ જૂથો તેમજ વ્યક્તિગત કર્મશીલો પાસેથી 12 અલગ - અલગ ક્ષેત્ર માટે અરજીઓ
મગાવવામાં આવી છે. પ્રત્યેક પસંદગી પામેલાં ક્ષેત્ર માટે વિજેતાને રૂા. 1,00,000 રોકડ
પુરસ્કાર,
ટ્રોફી અને માનપત્ર ખાસ સમારોહમાં અર્પણ કરવામાં આવશે. સંસ્થાઓ ઉપરાંત
શૈક્ષણિક વર્ષ 2025/26માં (ગુજરાત બોર્ડ) ધો. 10, ધો.
12 સાયન્સ, ધો. 12 કોમર્સ અને ધો. 12 આર્ટ્સ
- દરેકમાં સમગ્ર કચ્છમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું રૂા. 51,000ના
રોકડ પુરસ્કારથી વિશેષ સન્માન કરવામાં આવશે. આ એવોર્ડ માટેની પારદર્શક પસંદગી પ્રક્રિયા
માટે તજજ્ઞોની સમીક્ષક સમિતિ બનાવાઇ છે, જેમાં ડો. મોહનભાઈ પટેલ (કુલપતિ,
કચ્છ યુનિવર્સિટી), દીપેશભાઈ શ્રોફ (એક્સેલ ગ્રુપ
ઓફ ઇન્ડસ્ટ્રીઝ), દીપકભાઈ માંકડ (તંત્રી, કચ્છમિત્ર), નિમિષ ફડકે (એમ.ડી., ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસો.) અને
હરેશભાઈ ધોળકિયા (શિક્ષણવિદ્, લેખક)નો સમાવેશ થાય છે.
આ સમગ્ર અભિયાનનું સંચાલન ભારતીય જૈન સંગઠન - કચ્છના અધ્યક્ષ હિતેશ હિંમતલાલ ખંડોર,
મહામંત્રીઓ તેજસભાઈ શેઠ, નીરવભાઈ શાહ, કૌશલભાઈ મહેતા, કન્વીનર રાજેશ કુબડીઆ તથા સહકન્વીનરો
અને સમિતિના સભ્યો દર્શન ખંડોલ, રાજન મહેતા, કેતન શાહ, રાહુલ મહેતા, અમર મહેતા,
પ્રકાશ શાહ, સંજય ઠાકર, ભાર્ગવ
શાહ અને રાહુલ મહેતા દ્વારા કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં કાર્યરત કોઇ પણ સમાજ /
ધર્મની વ્યક્તિ સંસ્થા આ એવોર્ડમાં અરજી કરી શકશે. આ એવોર્ડની વિશેષ વિગત અને માહિતી
માટે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કાર્યાલય, વાયબલ હોસ્પિટલની બાજુમાં,
હોસ્પિટલ રોડ, ભુજનો સંપર્ક કરવા જણાવાયું છે.
અરજી કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર, 2026 છે.
મોબાઈલ નંબર 92740 01989
ઉપર
વોટ્સએપ કરવાથી ફોર્મથી લઇ તમામ વિગતો મળશે. hirubasmrutiaward2027@gmail.com
પર મેઇલ કરવાથી ડિજિટલ ફોર્મેટમાં વિગતો ઉપલબ્ધ કરાવાશે.
આ 12 સેવાક્ષેત્ર માટે અપાશે એવોર્ડ
*
શિક્ષણ : પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, શૈક્ષણિક ટ્રસ્ટો અને NGO
કે જેમણે કચ્છના અંતરિયાળ, પછાત કે વંચિત વિસ્તારોમાં શિક્ષણના
પ્રસાર, આઈસીટી/ડિજિટલ શિક્ષણ, મૂલ્યનિષ્ઠ
શિક્ષણ તથા કન્યા કેળવણી માટે ઓછામાં ઓછું પાંચ વર્ષ કાર્ય કર્યું હોય.
* આરોગ્ય
: હોસ્પિટલ, ક્લિનિક, આરોગ્ય ટ્રસ્ટ,
NGO
કે જેણે ગ્રામીણ કે દુર્ગમ વિસ્તારોમાં તબીબી સેવાઓ પહોંચાડવા, હેલ્થ કેમ્પ યોજવા, નિ:શુલ્ક સારવાર અને જાગૃતિ અભિયાનમાં
ઓછામાં ઓછું પાંચ વર્ષ નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.
* પર્યાવરણ
રક્ષા : વૃક્ષારોપણ પછી વૃક્ષોની જાળવણી, વન સંવર્ધન,
જૈવવિવિધતા રક્ષણ, પ્લાસ્ટિક ઘટાડો અને કચરા વ્યવસ્થાપન
જેવાં ક્ષેત્રોમાં ઓછામાં ઓછું પાંચ વર્ષ દીર્ઘદૃષ્ટિથી કામ કરનાર પ્રકૃતિપ્રેમી સંસ્થાઓ.
* જળસંચય
- જળ વ્યવસ્થાપન : કચ્છ જેવા અર્ધ-શુષ્ક પ્રદેશમાં ચેકડેમ નિર્માણ, બોર રિચાર્જ, તળાવ ઊંડાં કરવાં, લોકભાગીદારીથી જળસ્રોતો પુન:સજીવન કરવા અને પાણીના જવાબદાર ઉપયોગમાં ઓછામાં
ઓછું પાંચ વર્ષનું કાર્ય કરનાર સંસ્થાઓ.
* ગ્રામોદ્યોગ
અને રૂરલ MSME
: કચ્છની સ્થાનિક કલા, કસબ, હસ્તકલા
અને કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન આપી ગ્રામીણ સ્તરે રોજગારી ઊભી કરનાર અને સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને
વેગ આપનાર ઉદ્યોગો, સહકારી મંડળીઓ કે વ્યક્તિઓ.
* માનવસેવા, સમાજકલ્યાણ : નિરાધાર બાળકો, વડીલો, દિવ્યાંગો અથવા જરૂરિયાતમંદ વર્ગનાં ઉત્થાન અને પુનર્વસન માટે ઓછામાં ઓછું
પાંચ વર્ષથી સમર્પિતભાવે કામ કરતી સંસ્થાઓ.
* ગૌવંશ
સંવર્ધન - પાલન - નંદી વ્યવસ્થાપન : ગૌશાળાઓ, પશુકલ્યાણ ટ્રસ્ટો
કે જેઓ દેશી ગૌવંશની સંભાળ, બચાવ, સારવાર,
પોષણ અને નંદીના યોગ્ય વ્યવસ્થાપનમાં ઓછામાં ઓછા પાંચ વર્ષથી કાર્યરત
હોય.
* મહિલા
સશક્તિકરણ : સામાજિક કે આર્થિક અવરોધો પાર કરી મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવનાર
તેમજ કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી તાલીમ આપનાર સંસ્થાઓ કે ગ્રુપ.
* ડિજિટલ
મીડિયા અને પોઝિટિવ કન્ટેન્ટ ક્રીએશન : ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનાં માધ્યમથી કચ્છની
સકારાત્મક છબી, સંસ્કૃતિ, પ્રવાસન,
પર્યાવરણ કે લોકોપયોગી માહિતીનું પ્રેરણાદાયી સર્જન અને પ્રસાર કરનાર
ડિજિટલ ક્રીએટર્સનું ઓછામાં ઓછું ત્રણ વર્ષનું કાર્ય.
* સજીવ
ખેતી : રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગર પ્રાકૃતિક કે સજીવ ખેતી અપનાવી જમીનની ફળદ્રુપતા
વધારવા અને ઝેરમુક્ત અન્ન ઉત્પન્ન કરવા ઓછામાં ઓછું પાંચ વર્ષ કાર્ય કરનાર ખેડૂત, FPO
કે સંસ્થા.
* સ્ટાર્ટઅપ
: કચ્છની ધરતી પર નવા આઈડિયા કે જુદી કાર્યપદ્ધતિથી સંસાધનોનો ઉપયોગ કરી ઈનોવેશન કરનાર, એગ્રીકલ્ચર-ડેરી પ્રોડક્ટ્સમાં સાહસ કરી રોજગારી આપનાર યુવા સાહસિકો કે સંસ્થાઓ.
* ઈમ્પોસિબલ
ઈનોવેશન : ઉદ્યોગ, ખેતી કે સેવાનાં ક્ષેત્રમાં પ્રતિકૂળ
ભૌગોલિક પરિસ્થિતિઓ અને સંસાધનોની કમી વચ્ચે અત્યાધુનિક ટેક્નોલોજી કે કોઠાસૂઝના જોરે
અશક્ય લાગતાં લક્ષ્યો વિકસિત કરનાર સંસ્થા.