ન્યૂયોર્ક, તા. 18 : ફિફા વિશ્વકપ-2026ના ફાઈનલ મુકાબલામાં રવિવારે
મોડી રાત્રે ગત ચેમ્પિયન આર્જેન્ટિનાની ટક્કર સ્પેન સાથે થશે. ન્યૂયોર્કના ન્યૂજર્સી
સ્ટેડિયમમાં રમાનારી આ નિર્ણયક મેચમાં આર્જેન્ટિનાની નજર સતત બીજી વખત ટ્રોફી જીતીને
ઈતિહાસ રચવા ઉપર રહેશે. બીજી તરફ સંતુલિત સ્પેન પણ વિજય માટે મથશે. યુવા લામિન યમાલ
પર નજર રહેશે. લિયોનેલ મેસ્સીની કેપ્ટનશિપની ટીમ ચોથો ખિતાબ પણ જીતી શકે છે. આર્જેન્ટિનાએ
આ પહેલાં 1978, 1986, 2022માં ટ્રોફી જીતી હતી, જ્યારે વર્તમાન યુરોપિયન ચેમ્પિયન સ્પેન 2010માં પહેલી જીત બાદ બીજી વખત
વિશ્વકપ જીતવાની કોશિશ કરી રહ્યું છે. આ અગાઉ આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં પાછળ રહ્યા
બાદ ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યું
હતું. ફૂટબોલ દિગ્ગજ મેસ્સીએ એનજો ફર્નાન્ડિસ અને લોટારો માર્ટિનેઝને ગોલમાં મદદ કરીને
મેચના અંતમાં શાનદાર વાપસી કરાવી હતી. હવે આર્જેન્ટિનાનો સામનો એવા દેશ સામે થશે જેને મેસ્સી સારી રીતે જાણે છે. સ્પેન
એ દેશ છે જેણે એફસી બાર્સેલોના સાથે 17 સિઝન દરમિયાન મેસ્સીને રમતના સૌથી મહાન ખેલાડીમાંથી એક બનવામાં
મદદ કરી છે. સ્પેને સેમિફાઇનલમાં ફ્રાન્સને
2-0થી હરાવ્યું હતું, જેમાં યમાલનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.
આ કારણે કિલિયન એમ્બાપેને પોતાનો બીજો વિશ્વકપ ખિતાબ જીતવાની તક મળી નહોતી. આર્જેન્ટિના
અને સ્પેન વચ્ચે આ પહેલાં વિશ્વકપમાં ટક્કર 1966ના ગ્રુપ સ્ટેજમાં થઈ હતી. આ મેચમાં આર્જેન્ટિનાએ સ્પેનને 2-1થી હરાવ્યું હતું. તેવામાં
સ્પેન પાસે હિસાબ ચૂકતે કરવાની પૂરી તક છે.
બંને ટીમ વચ્ચે હેડ ટુ હેડ આંકડા ઉપર નજર કરવામાં આવે તો કાંટાની ટક્કર જોવા
મળે છે. સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે કુલ 14 વખત આંતરરાષ્ટ્રીય મુકાબલો થયો છે, જેમાં બંને ટીમે છ-છ જીત મેળવી છે, જ્યારે બે મેચ બરાબરીએ પર પૂરી થઇ હતી.