નવી દિલ્હી, તા. 18 : પેપર લીક
મુદ્દે શિક્ષામંત્રીનાં રાજીનામાની માગણી સાથે રાજધાની દિલ્હીમાં જંતરમંતર ખાતે ચાલતા
કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)નાં આંદોલનમાં આજનો દિવસ ભારે હંગામેદાર બની ગયો હતો. આ
વિરોધ પ્રદર્શનનાં સમર્થનમાં છેલ્લા 21 દિવસથી બેમુદ્દતી અનશન ઉપર ઉતરી ગયેલા સામાજિક કાર્યકર સોનમ
વાંગચુકને આજે પોલીસે દિલ્હી હાઈકોર્ટના આદેશને અનુલક્ષીને પ્રદર્શન સ્થળેથી બળજબરીપૂર્વક
ઉઠાવીને હોસ્પિટલમાં દાખલ કરી નાખ્યા હતા, તો બીજીબાજુ વાંગચૂકને બળજબરીથી અનશન પૂરા કરાવવા
અને લથડેલી તબિયતની સારવાર માટે લઈ જવાયા બાદ સીજેપીના સંસ્થાપક અભિજિત દીપકેએ પણ જંતરમંતર
ખાતે અનિશ્ચિતકાળના ઉપવાસ શરૂ કરી નાખ્યા હતા. બીજીબાજુ વાંગચૂકે હોસ્પિટલમાં પણ અનશન
જારી રાખ્યાં હતાં અને દવા લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જંતરમંતરથી આજે સવારે વાંગચૂકને
ઉઠાવીને પોલીસ સફદરજંગ હોસ્પિટલ લઈ ગઈ હતી. હોસ્પિટલ પ્રશાસન દ્વારા બુલેટિન જારી કરીને
જણાવ્યું હતું કે, વાંગચૂકને ડિહાઈડ્રેશન થયું છે અને તેમણે દવા
લેવાનો પણ ઈન્કાર કરી દીધો છે. અત્યાર સુધીના ઉપવાસમાં તેમનું 9.પ કિલો વજન ઘટી ગયું છે. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે જ કેન્દ્ર અને દિલ્હી
સરકારને નિર્દેશ આપ્યો હતો કે, વાંગચૂકનું
રોજિંદું મેડિકલ ચેકઅપ થવું જોઈએ અને જરૂર પડે તો તેમને સારવાર પણ આપવી. જે આદેશનાં
અનુસંધાને આજે સવારે 7 વાગ્યામાં
પોલીસ સાદા કપડાંમાં જંતરમંતર પહોંચી ગઈ હતી અને વાંગચૂકને સફેદ ચાદરમાં વીંટીને લઈ
ગઈ હતી. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે હંગામો પણ સર્જાયો હતો. વાંગચૂકને હોસ્પિટલ લઈ જવામાં આવતાં અભિજિત દીપકેએ
ભૂખ હડતાલ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન તે જ્યારે મંચથી નીચે આવીને બેઠા, ત્યારે એક મહિલાએ તેનાં ઉપર સ્યાહી ફેંકી દીધી
હતી. જો કે, બાદમાં આ મહિલાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો અને
તેમાં તે પોતાની સાથે મારપીટ થયાનો આરોપ લગાવી રહી હતી. વાંગચૂક સાથે ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ
એસોસીએશનની નેહા, આમીન અને મનિષ પણ છેલ્લા 21 દિવસથી જંતરમંતરે ભૂખ હડતાલ
કરી રહ્યાં છે અને હજી તેઓ અભિજિત સાથે પણ અનશનમાં જોડાઈ રહ્યા છે. નેહાની હાલત ગંભીર
બનતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી છે, તો આમીન અને મનિષની તબિયત પણ લથડી રહી હોવાનું
જાણવા મળે છે. દરમિયાન વાંગચૂકે હોસ્પિટલમાં
દવા પણ ખાવાનો ઈન્કાર કરી દીધા બાદ તેમનાં પત્ની ગીતાંજલિએ કહ્યું હતું કે,
તેમની સહમતી વિના સોનમને કોઈ ઉપચાર આપવો ન જોઈએ. તેમણે આગળ કહ્યું હતું
કે, જો મારી સહમતી વગર કોઈ સારવાર કરવામાં આવશે અને કંઈ પણ થશે,
તો તેનાં માટે બધા જ જવાબદાર ઠરશે. બીજીબાજુ અભિજિત દીપકેએ અનશન શરૂ
કર્યા બાદ શિક્ષામંત્રીનાં રાજીનામાની માગણીથી આગળ વધીને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં
રાજીનામાની માગણી પણ ઉઠાવી છે. સોનમ વાંગચૂકને ધરણા સ્થળેથી હટાવવાની કાર્યવાહીને આપખૂદ
ગણાવતાં દીપકેએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, વિદ્યાર્થીઓ
ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે અને મારી સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. અભિજિતે
આગળ કહ્યું હતું કે, આવી તાનાશાહી સહન કરવામાં નહીં આવે. અભિજિતે
દેશનાં એક-એક ચોકને જંતરમંતર બનાવી નાખવાની હાકલ કરી હતી. દરમિયાન જંતરમંતરે બનેલી
આ ઘટના પછી તમામ વિરોધ પક્ષોએ સરકાર ઉપર તડાપીટ બોલાવી હતી અને સીજેપીનાં આંદોલનને
સમર્થન જાહેર કરીને માગણીઓ ઉપર સરકારને ગંભીરતાથી વિચારવા કહ્યું હતું. દરમિયાન અણ્ણા
હઝારેએ પણ સોનમ વાંગચૂકનાં અનશનને સમર્થન આપ્યું હતું.