• રવિવાર, 19 જુલાઈ, 2026

ગાંધીધામ : યુવાનની હત્યા પ્રકરણે પોલીસ બિહારથી શખ્સને પકડી લાવી

ગાંધીધામ, તા. 18 : શહેરના શાંતિલાલ ગોદામ નજીક ગટરનાં પાણીમાંથી પ્રકાશ પરસોત્તમ દેવીપૂજક (વડેચા) નામના યુવાનની હત્યા પ્રકરણે પોલીસે એક શખ્સને પકડી પાડયો હતો. શહેરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં રહેનાર પ્રકાશ વડેચા નામનો યુવાન ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો. દરમ્યાન શાંતિલાલ ગોદામ નજીક ગટરનાં નાળાંમાંથી તેની લાશ મળી આવી હતી. યુવાનના પગ બાંધી કોથળામાં નાખીને અહીં ફેંકી દેવાયો હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન તેની ઓળખ બાદ લાશને જામનગર લઇ જવાઇ હતી. આ પ્રકરણમાં તેના ભાઇએ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ગુનો નોંધાયા બાદ પોલીસે સીસીટીવી કેમેરા, ખાનગી બાતમીદારો અને ટેકનિકલ એનાલિસીસના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં આ યુવાનની લાશ મળ્યાના બે દિવસ પહેલાં કાર્ગો વિસ્તારમાં ગયો હોવાનું બહાર આવ્યું હતું, જેથી તે દિશામાં તપાસ હાથ ધરાઇ હતી અને બનાવને અંજામ આપનારા શખ્સો બિહાર નાસી ગયા હોવાનું બહાર આવતાં એક ટીમ બહાર ગઇ હતી અને ત્યાં ધકમાબીધા ગામની સીમમાં સતત બે દિવસ ગ્રામીણ પહેરવેશમાં વોચ રાખી હતી અને આરોપીની માહિતી મળતાં લાલકુમાર શ્રીમંતો નામના શખ્સને સીમમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે વિગતો આપતાં કહ્યું હતું કે, આ યુવાન પ્રકાશ કાર્ગો વિસ્તારમાં ગયો હતો, ત્યારે મજૂરી કરીને મજૂરો પરત આવતાં અને આ યુવાન તેમના વિસ્તારમાં જણાતાં તે ત્યાં શા માટે આવ્યો છે. તેવી પૂછપરછ બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ તેને બોથડ પદાર્થો વડે માર માર્યો હતો, જેમાં તે બેભાન થઇ ફસડાઇ પડયો હતો. બપોરથી રાત સુધી બેભાન રહેલો આ યુવાન પતી ગયો હોવાનું જાણીને ચારેક શખ્સ તેને કોથળામાં નાખી પગ બાંધી ગટરનાં નાળાંમાં ફેંકી આવ્યા હતા અને બાદમાં બિહાર નાસી ગયા હોવાનું પોલીસે ઉમેર્યું હતું. આ ચાર પૈકી લાલકુમારને પકડી અન્ય ત્રણ શખ્સને પકડી પાડવાની તપાસ હાથ ધરાઇ હોવાનું પી.આઇ. એસ.વી. ગોજિયાએ જણાવ્યું હતું. 

Panchang

dd