• રવિવાર, 19 જુલાઈ, 2026

વીજ ટાવરના મુદ્દે ચિંતા કરી નવા નિર્ણય લેવાયા

ભુજ, તા. 18 : અહીં સ્મૃતિવન ખાતે પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ કચ્છ જિલ્લાના ખેડૂતો સાથે પરિસંવાદ યોજીને તેમના પ્રશ્નોને ઉકેલવાની ખાતરી સાથે વરસાદનાં પાણીનો મહત્તમ સંગ્રહ કરવા અનુરોધ કર્યો હતો. પરિસંવાદમાં રાજ્યમંત્રી શ્રી અમૃતિયાએ ખેડૂતો સાથે સીધો સંવાદ કરીને જમીન માપણી, સર્વે, શ્રીસરકાર જમીનની નિયમિતતા, નર્મદા કેનાલના અધૂરાં કામ, નકશામાં સર્વે નંબર બેસાડવાની કામગીરી, વીજટાવર અને પવનચક્કી કામમાં વળતરની અસમાનતા સહિતના ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો સાંભળીને તેને કિસાનોના હિતમાં તત્કાલ ઉકેલવા તથા વરસાદ ખેંચાતાં સર્જાયેલી ઘાસચારાની તંગીને નિવારવાની ખાતરી આપી હતી. ધરતીપુત્રો સાથે સીધો સંવાદ કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશાં ખેડૂતોના હિતમાં કામગીરી કરવા કટિબદ્ધ છે, આર્થિક રીતે ખેડૂતોને મહત્તમ ફાયદો થાય તે માટે વિવિધ યોજનાના અમલીકરણ સાથે રાજ્ય સરકારે વીજટાવરના વળતર મુદ્દે ચિંતા સેવીને નવા ખેડૂત હિતલક્ષી નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારની નીતિથી ખેડૂતોને વધુમાં વધુ ફાયદો થાય તે માટે કોઇ બાંધછોડ નહીં કરાય તેવી ખાતરી પ્રભારી મંત્રીએ આપી હતી. પરિસંવાદમાં કલેક્ટર અનિલ રાણાવસિયાએ ખેડૂતોને સોલારપાર્કની વીજળી દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા હેતુ ઊભા કરાતાં વીજટાવર તથા કોરિડોરના વળતર મુદ્દે રાજ્ય સરકારના નવા પરિપત્ર અંગે સમજ સહિત માહિતી આપતાં જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરમાં ઊભાં કરાતાં વીજટાવર તથા કોરિડોર મુદ્દે ખેડૂતોને ન્યાયિક વળતર મળે તેની મુખ્યમંત્રી ચિંતા સેવીને કમિટી રચવા નિર્ણય કર્યો છે. કમિટીમાં  અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ પણ સામેલ હશે. આ કમિટીના ગઠન તથા તેની કામગીરી, વળતર સહિતના આનુષંગિક મુદ્દાઓ અંગે કલેક્ટરે છણાવટ કરીને ખેડૂતોને એડવાન્સમાં નિયમ મુજબ મહત્તમ વળતર ચૂકવીને કામગીરી કરાશે તે અંગે કિસાનોને માહિતગાર કર્યા હતા. આ સાથે પાક વળતર, ઝાડ વળતર પણ અમલી નિયમ મુજબ આપવામાં આવશે તેવું કલેક્ટરે ઉમેર્યું હતું. આજની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વીરેન્દ્રાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરાસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન  ખેતાણીગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, આગેવાન ફલજીભાઈ ચોધરી, દેવજીભાઈ વરચંદ સહિતના આગેવાનો, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.   

Panchang

dd