• રવિવાર, 19 જુલાઈ, 2026

પાણીચોરી અટકાવવા નિયમિત તપાસના આદેશ

ભુજ, તા. 18 : કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાનાં અધ્યક્ષસ્થાને તથા રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાની ઉપસ્થિતિમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવીને પ્રજાહિતના લક્ષ્ય સાથે કામગીરી કરવા સૂચના આપી હતી.  રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ રાજ્ય સરકાર દ્વારા ઘાસચારાના વિતરણ સંબંધે આપેલી મંજૂરી તથા તેની પ્રક્રિયા અંગે માહિતી આપીને આ નિર્ણયથી પશુપાલકોને ફાયદો થશે તેવું જણાવ્યું હતું. આ સાથે શ્રી છાંગાએ વીજળી, વનવિભાગ, નર્મદાનાં પાણીથી જળસ્રોત ભરવા, અંડરપાસ તથા ખાણ-ખનિજ વિભાગ સંબંધી સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવા અંગે વિભાગોને સૂચના આપી હતી. આ સાથે કચ્છ વહીવટીતંત્રની સમગ્ર ટીમને વરસાદ ખેંચાતાં સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિમાં સંકલન સાથે સુચારુ કામગીરી કરવા કહ્યું હતું. ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે સમગ્ર જિલ્લામાં પાણીનાં વિતરણનું ઉત્કૃષ્ટ માળખું બનાવવા, બન્ની પાણી પુરવઠામાં પૂરતું પાણી આપવા, સિવિલ હોસ્પિટલમાં મફત દવા આપવા અંગે સર્જાતા પ્રશ્નોનો ઉકેલ લાવવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી.  અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ દયાપર ખાતે સરકારી કોલેજનું કામ, જાબરી-તલ-લૈયારી ખાતે ડેમ નિર્માણ માટે જમીન સંપાદન, ધાવડા માટે રેવન્યૂ હક્કપત્ર, નખત્રાણા બાયપાસ માટેના કામની પ્રગતિ, ગજણસર ગામનું રેવન્યૂ રેકર્ડ લુડબાય જૂથ ગામ પંચાયતમાંથી કમી કરીને આમારા ખાતે તબદીલ કરવા, ખોંભડી કોમ્પલેક્ષ જૂથ પાણી પુરવઠા યોજના સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. રાપર ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ ભચાઉ તાલુકાના ગામોમાં પીવાનાં પાણીની યોજના સંબંધી રજૂઆત સાથે જન્મના દાખલાની ધીમી પ્રક્રિયા, ભચાઉમાં ટ્રાફિક, ધોળાવીરામાં મંજૂરી વગર અટકેલા રિસોર્ટનાં બાંધકામ, રેલવે દ્વારા ખેતરોમાં જવા માટે બંધ કરાયેલા રસ્તા અંગે રજૂઆત કરી હતી. માંડવી ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ બિદડાના ગૌચર અને ગામતળના પ્રશ્નદબાણ, નર્મદા કેનાલનાં બાંધકામથી ધોવાણમાં જતી ખેડૂતની જમીન, વિસંગતતાઓ દૂર કરીને સ્વામિત્વ યોજના હેઠળ માલિકી હક્ક પ્રસ્તાવિત કરવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેક્ટરે જનપ્રતિનિધિના પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને આંતરીક સંકલન કરીને નિકાલ કરવા સૂચના આપી હતી. પાણીચોરી અટકાવવા નિયમિત ચેકિંગ, ગ્રામીણ તથા શહેરોમાં સફાઇ સંદર્ભે વ્યવસ્થાપન કરીને કામગીરી કરવા, મિલકતોને આકારણી કરી રેકર્ડ પર લેવા, રખડતા પશુઓને પકડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવા, ગામતળ સહિતનાં જાહેર સ્થળો પર વૃક્ષારોપણની કામગીરી માટે આયોજન કરવા સહિતની સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડા, નાયબ વનસંરક્ષક આયુષ વર્મા, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, ભુજ આરટીઓ અનિલ ગોસ્વામી, અધિક કલેક્ટર પ્રણવ વિઠાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd