ભુજ, તા. 18 : ગુજરાતી ગઝલ જગતની અમર રચના
`કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે' હવે ઐતિહાસિક વળાંક પર છે. ઓસમાણ મીરની યુટયુબ
ચેનલ પર રિલીઝ થનારી આ નવી પ્રસ્તુતિમાં બોલીવૂડની સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે
પ્રથમ વખત ગુજરાતી ગઝલમાં પોતાનો સૂર રેલાવ્યો છે. તેમની સાથે ઓસમાણ મીરના પુત્ર,
યુવા ગાયક આમિર મીરે પણ અવાજ આપ્યો છે. આ રચનામાં શ્રેયા ઘોષાલનું ગુજરાતી
ગઝલમાં ડેબ્યૂ થયું છે. અનેક ભાષાઓમાં હજારો ગીત ગાનાર શ્રેયા ઘોષાલ માટે આ ગુજરાતી
ગઝલ ક્ષેત્રે પહેલું પગલું છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આ કલાકારનો અવાજ જ્યારે `કટારી કાળજે વાગી' સાથે જોડાયો ત્યારે ગુજરાતી સંગીતપ્રેમીઓ માટે
આ ગર્વની ક્ષણ બની ગઈ છે. લોકગાયક ઓસમાણ મીરના પુત્ર આમિર મીર હવે ગુજરાતી સંગીતમાં
પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. બાળપણથી જ પિતા પાસેથી સંગીતના સંસ્કાર પામેલા આમિરે
શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. `કટારી કાળજે વાગી' જેવી ઐતિહાસિક રચનામાં શ્રેયા ઘોષાલ જેવા દિગ્ગજ કલાકાર સાથે આમિરનો અવાજ ગઝલને
ચાર ચાંદ લગાવે છે. આમિરનો મીઠો અને સુરીલો અવાજ આ ગઝલને યુવા પેઢી સાથે જોડવામાં મહત્ત્વનો
ભાગ ભજવશે. આ ગઝલનો ઇતિહાસ 25 વર્ષ જૂનો છે. અંજારના કવિ વિનોદ માણેક `ચાતક'
દ્વારા લખાયેલી આ રચનાને ઓસમાણ મીરે રાગ ચારુકેશીમાં કંપોઝ કરીને સ્વરબદ્ધ
કરી હતી. આ ગઝલ એટલી બધી લોકપ્રિય થઈ કે, 75થી વધારે ગાયક કલાકાર તેને પોતાના કંઠે ગાઈ ચૂક્યા છે. ગઝલ, ભજન અને કવ્વાલી એમ ત્રણેય સ્વરૂપે ગવાયેલી
આ રચના ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રથી
લઈને જમશેદપુર સુધી પહોંચી છે. - નવી પેઢી, નવો સૂર, નવું સંગીત : આ ઐતિહાસિક
ગઝલને શ્રેયા ઘોષાલ અને આમિર મીરના સંયુક્ત સ્વરે નવું પરિમાણ મળ્યું છે. આ નવા અવતારમાં
સંગીતની જવાબદારી જાણીતા સંગીતકાર અતુલ રાણિંગાએ નિભાવી છે. અતુલ રાણિંગાએ ગઝલના મૂળ
ભાવને અકબંધ રાખીને અત્યંત સુરીલું અને હૃદયસ્પર્શી સંગીત આપ્યું છે. ઓસમાણ મીરના દિગ્દર્શન
હેઠળ તૈયાર થયેલી આ પ્રસ્તુતિ જૂની યાદોને તાજી કરવાની સાથે નવી પેઢીને પણ ગુજરાતી
ગઝલની મીઠાશથી જોડશે. આ પ્રસ્તુતિ 19 જુલાઈ-2026ના ઓસમાણ
મીરની સત્તાવાર યુટયુબ ચેનલ પર રિલીઝ થશે.