મોટી
વિરાણી (તા. નખત્રાણા), તા. 13 : છેલ્લા
દોઢ દાયકાથી જર્જરિત હાલતમાં 32 કિ.મી.ના હાજીપીરને જોડતા માર્ગનું કામ અંતિમ
તબક્કામાં પહોંચી ગયું છે જે સંભવત: દિવાળી સુધી શરૂ થઇ જશે. ખખડેલા આ માર્ગનું
અંતર કાપતાં બે કલાક નીકળી જતાં હોવાથી જ્યાં 108 ઇમર્જન્સી જેવાં વાહનો પણ
હાંફી જતાં હોય એવી કફોડી હાલત બાદ હવે ડબલ સિમેન્ટ કોંક્રીટ (સીસી) રોડના રૂપમાં 100 કરોડના
ખર્ચે તૈયાર થતો હોવાથી સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી છવાઇ હતી. દેશલપરથી ઢોરો
ગામ સુધીના 16 કિ.મી.ના
માર્ગનું કામ સંપૂર્ણપણે તૈયાર થયું છે અને બાકીના માર્ગનું 80 ટકા
કાર્ય પૂર્ણ થઇ ગયું છે. ઉમેશભાઇ આચાર્ય અને જી.કે. મુતવાએ જણાવ્યું હતું કે, કામ સમયસર પૂર્ણ થાય તે માટે ભારે વાહનોની અવર-જવર ઉપર 20 ઓગસ્ટ
સુધી જિલ્લા કલેક્ટરના આદેશથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. નિર્માણ એજન્સી
દ્વારા આધુનિક મશીનરી, નવી ટેક્નોલોજીના ઉપયોગથી આ
પ્રોજેક્ટ પર ટીમ કામ કરી રહી છે. સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય
પ્રદ્યુમનસિંહ જાડેજા, કેશુભાઇ પટેલ, વિસ્તારની
ગ્રામ પંચાયતો, સામાજિક સંસ્થા અને વહીવટી તંત્રના કાર્યપાલક
ઇજનેર કે.બી. નાઇ, નાયબ કાર્યપાલક ઇજનેર સી.વી. બોરાડનું
યોગદાન મળ્યું હતું.