મુંદરા, તા. 13 : એક બાજુ વરસાદ ખેંચાયો છે, પાણીની તકલીફ શરૂ થઈ છે, પશુઓને ઘાસચારાની સમસ્યા થઈ
રહી છે, ત્યાં એક વધુ માઠા અને પશુપ્રેમીઓ માટે દુ:ખદ સમાચાર
આવ્યા છે કે, મુંદરા તાલુકાનાં છસરા ગામમાં આવેલી ગૌશાળામાં
સંભવત: ચારાની નબળી ગુણવત્તાને કારણે સોમવાર બપોર પછી લગભગ 31 જેટલી
ગાયનાં એક પછી એક મૃત્યુ થયાં હતાં. આ ઘટનાથી આસપાસનાં ગામોના અને પશુપ્રેમીઓમાં
દુ:ખની લાગણી વ્યક્ત થઈ રહી છે અને ઘટના બાદ રોષ ફેલાયો છે. મળતી વિગતો મુજબ, છસરા જીવદયા કેન્દ્ર પાંજરાપોળમાં બપોરે એક વાગ્યે રોજ મુજબ ચારો નાખવામાં
આવ્યો હતો. ચારો ખાઈને એ આરામ કરી રહી હતી અને ત્રણ વાગ્યાની આસપાસ અચાનક એક પછી
એક જોતજોતામાં ત્રીસ ગાયના મરણ થઈ ગયા. બીજીબાજુ, કેટલાક
ગામલોકોએ એવો તર્ક રાખ્યો હતો કે, સંભવત: મકાઈનો ચારો પણ
ખાધો હોઈ શકે છે. આ લખાય છે ત્યારે હજુ ત્રણ ગાયની હાલત ગંભીર છે. ગૌસેવા આયોગમાં
જાણ કરાઈ હતી. દરમિયાન, છસરા ગામના સરપંચ ચેતનભાઇ ચાવડાનો
સંપર્ક કરતાં તેમણે આ ઘટનાને સમર્થન આપીને ઉમેર્યું કે, સંભવત:
ચારાના ખોરાકમાં કંઈક ગરબડને કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન છે. બપોર પછી
ખાસ કરીને નાની વાછરડીઓ અને નબળી ગાયોનાં મૃત્યુ નીપજ્યાં છે. અત્યારે ચારાના ભાવ
ખૂબ જ ઊંચા ગયા છે અને તેને કાચે કાચો વાઢી લેવાથી દૂર રહેવું જોઈએ, એવું પણ તેમણે સૂચન કર્યું હતું. જો કે, સત્તાવાર
કારણ બહાર પડ્યું નથી. દરમિયાન, આ સંબંધે મુંદરા એસડીએમ
ભગીરથાસિંહ ઝાલાનો સંપર્ક કરતાં તેમણે ઘટનાને સમર્થન આપતાં કહ્યું કે, બનાવની જાણ થયા બાદ પશુ તબીબો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જરૂરી ઇન્જેક્શન
અપાયા હતા. આ સારવારથી બીમારગ્રસ્ત સાત ગાયનો બચાવ થઈ શક્યો હતો. જો કે, 31 જેટલીએ
જીવ ગુમાવ્યો છે અને વધુ તકેદારી લેવા સૂચના અપાઈ છે.