• મંગળવાર, 14 જુલાઈ, 2026

જિ. પંચાયતની સાત સમિતિને મળ્યા નવા ચેરમેન

ભુજ, તા. 13 : ગ્રામીણ વિસ્તાર માટે મિની સંસદ સમાન કચ્છ જિ. પંચાયતમાં નવી બોડીએ સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ હવે તબક્કાવાર અન્ય પ્ર્રક્રિયાઓ આગળ ધપી રહી છે. ગયા અઠવાડિયે યોજાયેલી સામાન્ય સભામાં જિ. પંચાયતની વિવિધ સમિતિની રચના કરાયા બાદ આજે સાત સમિતિના ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જિ. પંચાયતની સૌથી મહત્ત્વની મનાતી કારોબારી સમિતિના ચેરમેન પદે સુખપર બેઠક પરથી ચૂંટાયેલા હરીશ નાનજી ભંડેરીની વિધિવત રીતે સર્વાનુમતે વરણી કરાઇ હતી. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મંજુલાબેન મૂળજીભાઇ ચાવડા, શિક્ષણ સમિતિના ચેરમેન પદે દિનેશભાઇ ગોપાલભાઇ રૂડાણી, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે રણજિતસિંહ અગરસંગ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી હતી. બાંધકામ સમિતિના ચેરમેન તરીકે વાઘજીભાઇ દેવકરણ છાંગા તો ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેન તરીકે નયનાબેન વણવીર રાજપૂત, જ્યારે મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરપર્સન તરીકે પુષ્પાબેન રાજેશ વરાયાની નિયુક્તિ કરવામાં આવી છે. નોંધનીય છે કે, જિ. પંચાયતની આઠમી સમિતિ અપીલની હોય છે, જેના ચેરમેન પદે હોદ્દાની રૂહે જિ. પંચાયત પ્રમુખ ચેરમેન પદ સંભાળતા હોય છે. આ સમિતિમાં હાલ પ્રમુખ પ્રભાબેન હુણ, ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, હરીશ ભંડેરી, આશાબા પરમાર અને કમાભાઇ રબારીની સભ્ય તરીકે નિયુક્તિ કરાઇ છે. નવનિયુક્ત ચેરમેનોને જિ. ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, જિ. પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, જિ. ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, હિતેશ ખંડોર, ભીમજી જોધાણીએ શુભેચ્છા પાઠવી હતી.

Panchang

dd