મુંબઇ, તા. 28 : આઇપીએલ-2026 સીઝનના 40 મેચ રમાઇ ચૂક્યા છે અને હવે
પ્લેઓફની રેસ તેજ બની ચૂકી છે. પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ બે એવી
ટીમ છે જે પ્લેઓફમાં એન્ટ્રી કરવાની મુખ્ય દાવેદાર છે. ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમ
હાલ પોઇન્ટ ટેબલ પર નવમા સ્થાને લટકી રહી છે. તેના ખાતામાં 7 મેચમાં ફકત 2 જીત છે. હવે મુંબઇ માટે દરેક મેચ કરો યા
મરો સમાન છે. બુધવારે હાર્દિક પંડયાની ટીમનો સામનો મજબૂત સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે.
જીતની શોધમાં ઉતરનાર મુંબઇ માટે સારી વાત એ છે કે ટીમનો સ્ટાર બેટધર રોહિત શર્મા મેદાનમાં
ઉતરે તેવી શક્યતા તેણે મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં ભરપૂર નેટ પ્રેક્ટિસ કરી વાપસીનો
સંકેત આપી દીધો છે. હાર્દિક પંડયાની કપ્તાનીમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમ વર્તમાન આઇપીએલ
સીઝનમાં હજુ સંતુલિત અને સાતત્યસભર દેખાવ કરી નથી. હોમ ગ્રાઉન્ડ પર તેને પાછલી મેચમાં
પંજાબ કિંગ્સ વિરુદ્ધ 103 રનની કારમી
હાર મળી હતી. રોહિતની ગેરહાજરીમાં મુંબઇની બેટિંગ લાઇનઅપને અસર થઇ છે. સૂર્યકુમાર યાદવ
અને હાર્દિક પંડયા સહિતના બેટધરો રન કરી શક્યા નથી. તિલક વર્મા એક સદી સિવાય ઝળક્યો
નથી. બુમરાહ અસરદાર છે, પણ સામે છેડેથી
સાથ ન મળવાથી તે વિકેટ લઇ શકતો નથી. સનરાઇઝર્સ સામે જીતની શોધમાં મેદાનમાં ઉતરનાર મુંબઇએ
ક્ષમતા અનુસાર દેખાવ કરવો પડશે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ જીતના ક્રમ પર શાનદાર
વાપસી કરી ચૂકી છે. પાછલા 4 મેચની જીતથી ટીમનું મનોબળ મજૂબત છે. કપ્તાન કમિન્સની પણ વાપસી
થઇ ચૂકી છે. તેની કપ્તાનીમાં પાછલી મેચમાં સનરાઇઝર્સે 226 રનનો વિજય લક્ષ્યાંક પાર પાડી
રાજસ્થાનને હાર આપી હતી.