• બુધવાર, 29 એપ્રિલ, 2026

અબડાસામાં કોંગ્રેસની પછડાટ, ત્રણેય જિલ્લા પંચાયતમાં હાર

નલિયા, તા. 28 : અબડાસા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો સંચાર કર્યો છે, તો કોંગ્રેસને કારમો ફટકો પડયો છે. તાલુકાની કુલ ત્રણ જિલ્લા પંચાયત બેઠકોમાંથી નલિયા, વાયોર અને મોથાળા બેઠક પર ભગવો લહેરાવ્યો છે. જો કે, મોથાળા બેઠક પર ભાજપનો વિજય પાતળી સરસાઈથી થયો છે. - ત્રણેય બેઠક ભાજપને : ખાસ કરીને, છેલ્લાં 10 વર્ષ બાદ ભાજપે નલિયા અને વાયોર જિલ્લા પંચાયત બેઠકો પર પુનરાગમન કરતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. નલિયા જિલ્લા પંચાયત બેઠક સૌથી વધુ ચર્ચાસ્પદ હતી અને સૌ કોઈની નજર તેના પર ટકેલી હતી. અહીં ભાજપે છેલ્લી ઘડીએ મેન્ડેટ મહાવિરાસિંહ જાડેજાને આપી હતી અને તેઓએ પૂર્ણ બહુમતીથી જીતીને કમળ ખીલાવ્યું છે.  નલિયા બેઠકના ઇન્ચાર્જ વિક્રમસિંહ જાડેજા રહ્યા હતા. તેવી જ રીતે, વાયોર પંથકમાં પણ છેલ્લી બે-ત્રણ ટર્મથી કોંગ્રેસ પક્ષ આ બેઠક જીતતો હતો, પરંતુ આ વખતે ભાજપના મહિલા ઉમેદવાર સૂરજબા દેવુભા શોઢાએ વિજય મેળવી ઇતિહાસ રચ્યો છે. આ બેઠક પર ભાજપના વાયોરના ઇન્ચાર્જ છત્રાસિંહ જાડેજાને બનાવવામાં આવ્યા હતા. તેઓએ સતત ઉમેદવાર સાથે પ્રચાર કાર્યમાં જોડાઈને દિવસ-રાત ભાજપને જીતાડવા મહેનત કરી હતી અને સારી લીડથી ભાજપ અહીં છેલ્લા દસ વર્ષ બાદ જીત મેળવી શક્યું છે. - 11 તા.પં.માં બેઠકો મળી : તાલુકા પંચાયતની કુલ 18 બેઠકમાંથી ભાજપે 11 બેઠક પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસને સાત બેઠકથી સંતોષ માનવો પડયો છે. આમ, ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે કોંગ્રેસને ત્રણ બેઠકનું નુકસાન થયું છે, જે ભાજપની વધતી લોકપ્રિયતા અને કોંગ્રેસના નબળા સંગઠનનો સ્પષ્ટ સંકેત આપે છે. ભાજપને સત્તામાં લાવવા અને પૂર્ણ બહુમતી મેળવવા માટે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને ભાજપના જૂના જોગી એવા જયંતીભાઈ ઠક્કરે પણ ડુમરા, વરાડિયા, ખીસરા, ભનાડા જેવી સીટો પર છેલ્લા ચાર દિવસ દરમિયાન આટાફેરા કર્યા હતા અને ભાજપ તરફી મતદાન કરાવવા માટે તેમણે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, જેના પરિણામે ભાજપે કોંગ્રેસ કરતા વધુ સીટો મેળવવામાં સફળતા મળી હતી. - મેળા જેવો માહોલ : તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે બોર્ડર વિંગ કેમ્પસમાં સવારથી જ મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ હતી. કેમ્પસની અંદર અને બહાર મેળા જેવો માહોલ સર્જાયો હતો. વિજેતા ઉમેદવારો બહાર આવતાં જ તેમના સમર્થકોએ `ભારત માતા કી જય` અને `ભાજપ ઝિંદાબાદ`ના ગગનભેદી નારા લગાવ્યા હતા, જેનાથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. હારેલા ઉમેદવારોએ પણ ખેલદિલીપૂર્વક પરિણામ સ્વીકારીને બહાર આવ્યા હતા. ભાજપના આ  વિજય બાદ ભાજપના પ્રમુખ જયદીપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લોકોએ ભાજપ પક્ષે કરેલાં કાર્યો અને પક્ષના તમામ કાર્યકરોની મહેનત રંગ લાવી છે અને  ભાજપે બહુમતીથી વિજય  મેળવ્યો છે, જે દર્શાવે છે કે, અબડાસાની જનતાનો વિશ્વાસ ભાજપ સાથે છે. 

Panchang

dd