ભુજ, તા. 28 : ગઈકાલે સાંજે કુકમા ટોલપ્લાઝા
પાસે રિક્ષાચાલક તેના પરિવાર અને સામા પક્ષે ટોલપ્લાઝાના કર્મચારીઓ વચ્ચે થયેલી મારામારીના
બનાવમાં સામસામી ફરિયાદ દાખલ થઈ છે. આ ઉપરાંત ગઈકાલે રાતે લખપત તાલુકાના કોટડા મઢમાં
બાઈક ધીમું ચલાવા મુદ્દે ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપવા સબબ ત્રણ વિરુદ્ધ ફરિયાદ
નોંધાવાઈ છે. ભુજ તાલુકાના ગંઢેરમાં રહેતા અને રિક્ષાચાલક એવા હસણભાઈ આમરભાઈ શિયારિયાએ
નોંધાવેલી ફરિયાદ મુજબ દીકરાનાં લગ્ન ગોઠવાયેલા હોવાથી પોતાની રિક્ષા લઈને ભુજમાં લગ્નના
માલ-સામાનની ખરીદી કરી સાંજે પરિવાર સાથે પરત ગંઢેર ફરી રહ્યા હતા,
ત્યારે કુકમા ટોલનાકા પાસે નીચે પડેલો દંડો ઊંચો કરવા ત્યાંના કર્મચારીને
કહેતાં રિક્ષા સાઈડમાંથી કાઢવા કહ્યું, પરંતુ સાઈડમાં મોટા પથ્થરો
પડયા હોવાથી ટોલનો બૂમ લઈ લેવા કહેતાં પત્ની હવાબાઈ અને ટોલ કર્મચારીઓ સાથે બોલાચાલી
થઈ હતી. આરોપીઓ વધુ ગાળા-ગાળી કરતાં ફરિયાદીએ તેના બે દીકરાને ઘટના સ્થળે બોલાવ્યા
હતા અને શાંતિથી વાત કરતા હતા. ત્યાં આરોપીએ ઉશ્કેરાઈ હાથાપાઈ કરી હતી. આરોપી ગફુર
કેવર (કુકમા) અને ફિરોઝ ઈબ્રાહીમ પારા, રફીક ઈબ્રાહીમ પારા,
હનીફ ઈબ્રાહીમ પારા, સલીમ ડાડા પારા, મોસીન ગની પારા (રહે. તમામ ચુબડક-ગંઢેર)એ ફરિયાદીના બન્ને દીકરાને માર માર્યો
હતો. દીકરા રફીકને મૂઢ ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. બીજી તરફ આ જ
બનાવ અંગે સામાપક્ષે ટોલનાકાના કર્મચારી ફિરોઝ ઈબ્રાહીમ પારાએ નોંધાવેલી ફરિયાદ મુજબ
રિક્ષા સાઈડમાં લેવાનું કહેતાં રિક્ષામાં બેઠેલા ચાલકના પત્નીએ ગાળો દેતાં બોલાચાલી
થતાં આરોપી હસણ શિયારિયા અને તેના પુત્ર મુસ્તાકે હાથ-પગ વડે ફરિયાદી તથા સાહેદોને
માર મારી અને આરોપી રફીક હસણ શિયારિયાએ કુહાડીના ડંડા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પદ્ધર પોલીસે બન્ને ફરિયાદો નોંધી કાર્યવાહી હાથ ધરી
છે. આ ઉપરાંત દયાપર પોલીસ મથકે કોટડાના ધનજીભાઈ ડાયાભાઈ બળિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ
તા. 27/4ના અમારા ગામ કોટડા મઢ ખાતે
મારવાડા ફળિયામાં સમાજ દ્વારા રામદેવપીરનો કોરીપાટ રાખ્યો હતો અને રાતે આરોપી સિકંદર
સાલેમામદ રાયમા, નવાઝ સાલેમામદ રાયમા અને
ઈરફાન ઈશાક રાયમા (રહે. કોટડા મઢ) ત્રણે પોતાની બાઈકથી પૂરપાટ જઈ રહ્યા હતા,
ત્યારે બાઈક ધીમું ચલાવવાનું કહેતાં તે વાતનું મનદુ:ખ રાખી ફરિયાદી તેમજ
સાહેદો સાથે ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ એસ્ટ્રોસિટી
સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.