• બુધવાર, 29 એપ્રિલ, 2026

ભાજપનો સપાટો, , વિપક્ષનો સફાયો

હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 28 : રાજ્યની 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કુલ 7,253 વોર્ડ-મતદાર મંડળોની કુલ 9,263 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો ફરી વળ્યો છે અને વિપક્ષોનો સફાયો થઈ ગયો છે. ભાજપે તમામ 15 મહાનગરપાલિકા અને 34 પૈકી 33 જિલ્લા પંચાયતમાં જીત મેળવી છે. પ્રચંડ વિજયના જનાદેશ બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય-કમલમ્ સહિત રાજ્યભરમાં અબીલ ગુલાલ, ફટાકડાં અને મીઠાઈઓની વહેંચણી સાથે ભારે દબદબાભેર ઉજવણી કરાઈ રહી છે. ચૂંટણી પરિણામ મુજબ, રાજ્યની 15 મહાનગરપાલિકાની 1044 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 937 બેઠક ઉપર કેસરિયો લહેરાવ્યો છે. અર્થાત્ મહાનગરપાલિકાઓની કુલ 1,044 બેઠકમાંથી 90 ટકાના સ્ટ્રાઈકરેટ સાથે ભાજપે 894 બેઠકો પર જીત સાથે 43 બેઠક બિનહરીફ મેળવી છે. એવી જ રીતે આ મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસને 95 બેઠકો મળી છે, જેનો સ્ટ્રાઈકરેટ 9.09 ટકા રહ્યો છે અને આમ આદમી પાર્ટીને 6 બેઠકો તથા અપક્ષોને 2 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો છે. આપે નર્મદા જિલ્લા પંચાયત કબજે કરી છે, તો નગરપાલિકાનર 58 બેઠક જીતી છે. એવી જ રીતે 84 નગરપાલિકાઓની કુલ 2624 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 75.76 ટકા બેઠકો એટલે કે 1988 બેઠકો પર વિજય હાંસલ કર્યો છે. કોંગ્રેસને ભાગે નગરપાલિકાઓની 17.49 ટકા એટલે કે 459 બેઠકો પ્રાપ્ત થઈ છે અને આપ સહિતના અન્યોને 6.76 ટકા એટલે કે, 177 બેઠકો પર જીત મળી છે. નગરપાલિકા જેવા અર્ધ શહેરી વિસ્તારોમાં ભાજપના વર્ચસ્વને કોંગ્રેસે 17.49 ટકા જેટલો પડકાર આપ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર એવી 34 જિલ્લા પંચાયતોની 1090 બેઠકોમાંથી  ભાજપે 840 બેઠકો ઉપરાંત બાવન બેઠકો બિનહરીફ જીતી છે અને કોંગ્રેસે 136 બેઠકો પર વિજય મેળવ્યો છે, આપને 58 અને અપક્ષોને 4 બેઠકો મળી છે, જ્યારે 260 તાલુકા પંચાયતોની 5234 બેઠકોમાંથી ભાજપે 69 ટકા એટલે કે 3422 બેઠકો અને 252 બિનહરીફ બેઠકો જીતી છે, કોંગ્રેસે 19.60 ટકા એટલે કે 1080 બેઠકો અને આપને 407 ઉપરાંત અપક્ષોને 94 બેઠકો ઉપર જીત મળી છે. આમ એકંદરે ગુજરાતની કુલ 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કુલ 9992 બેઠકોમાંથી ભાજપને 74 ટકા અર્થાત 7400, કોંગ્રેસને 18 ટકા એટલે કે 1716 બેઠકો તથા આપ સહિત અન્યોને 7 ટકા મુજબ 739 બેઠકો પર વિજય મળ્યો છે. 15 મહાનગરપાલિકાના 251 વોર્ડની 1001 બેઠકો માટે, 84 નગરપાલિકાના 646 વોર્ડની 2326 બેઠકો માટે, 34 જિલ્લા પંચાયતોની 1038 બેઠકો માટે અને 260 તાલુકા પંચાયતોના 5234 મતદાર મંડળોની 4976 બેઠકો મળીને રાજ્યની કુલ 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કુલ 7253 વોર્ડ-મતદાર મંડળોની કુલ 9263 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી રાજ્યના 382 મતગણતરી કેન્દ્રો ખાતે 838 હોલમાં ગોઠવાયેલા 6991 ટેબલો પર અંદાજે 28,240 કર્મચારીઓ-અધિકારીઓ અને 10,257 જેટલા વર્ગ-4ના કર્મીઓની સેવા સાથે 33,750 પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે હાથ ધરાઈ હતી અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ચૂંટણીનાં પરિણામો મુજબ, ભાજપે અમદાવાદ સહિત 15માંથી 15 મહાનગરપાલિકાઓમાં વિજય પતાકા લહેરાવીને સંપૂર્ણ શહેરી વિસ્તારોમાં ફરી એકવાર પોતાનો દબદબો યથાવત્ રાખ્યો છે. એવી જ રીતે ભાજપે 84 નગરપાલિકાઓમાંથી 78 નગરપાલિકાઓ કબજે કરી છે, જ્યારે કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓમાંથી 7 નગરપાલિકાઓમાં શાસનની તક મળી છે એટલે કે, 7 નગરપાલિકાઓમાં જ કોંગ્રેસે જીત મેળીને સત્તા પ્રાપ્ત કરી છે. તે સિવાય 34 જિલ્લા પંચાયતોમાંથી 33 જિલ્લા પંચાયતો ભાજપે પ્રાપ્ત કરી છે અને એક જિલ્લા પંચાયત પર આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું છે. 260 તાલુકા પંચાયતોમાંથી 253 તાલુકા પંચાયતોમાં સત્તા મેળવી છે અને બાકીની 7 તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટી તથા અન્યોએ શાસનની ધૂરા હાંસલ કરી છે.  

Panchang

dd