• બુધવાર, 29 એપ્રિલ, 2026

કચ્છના મતદારોનોય કેસરિયો મિજાજ

ભુજ, તા. 28 : એપ્રિલના પ્રારંભે જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 26મીએ મતદાન થઇ ગયા બાદ કચ્છમાં સૌની નજર આજનાં પરિણામો ઉપર હતી. આખરે આજે સવારથી જ કચ્છનાં 14 મતગણતરી મથક ઉપર મતદાતાઓનો ફેંસલો શરૂ થતાં સરેરાશ કચ્છની જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત, એક મહાનગરપાલિકા અને પાંચ નગરપાલિકામાં બે દાયકાથી ચાલી આવતો સિલસિલો જળવાઇ રહ્યો ને કમળ ખીલ્યું હતું. 56.08 ટકાનાં મતદાને સૌને વિચારતા કરી દીધા હતા અને ધારણા થોડી સાચી પડી કેમ કે, બહુમતી ભલે કેસરિયા પક્ષને મળી, પરંતુ ક્યાંક પરિણામ ધારણા મુજબ નથી.  અબડાસા, લખપત, મુંદરા સહિતની તાલુકા પંચાયત અને ભુજ નગરપાલિકામાં કોંગ્રેસનાં સારાં પ્રદર્શન થકી એક મજબૂત વિપક્ષ બનાવાના ઊજળા સંજોગો સર્જાયા છે. રાજકીય રીતો નોખો ખોંખારો ખાતાં માંડવીની વાત કરીએ, તો માંડવી સુધરાઇ કોંગ્રેસમુક્ત જાહેર થતાં મોટો અપસેટ સર્જાયો હતો. સામે ભાજપના ગઢ ગણાતાં રતનાલની તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો હતો. જિલ્લા પંચાયત ગ્રામીણ પ્રશ્નોની જિલ્લાની સંસદ એવી જિલ્લા પંચાયતમાં ભાજપની મોટી જીત થઇ છે. સવારથી પરિણામ જાહેર થતાં હતાં, અંતે સાંજે આવેલાં પરિણામોમાં ભાજપને અગાઉ એક ચીરઇ બેઠક બિનહરીફ મળી ચૂકી છે. બાકીની 37માંથી 33માં ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે. પાંચ વર્ષ પહેલાં તો 40 બેઠક હતી ને ભાજપ પાસે 32નું સંખ્યાબળ હતું. આ વખતે એ સીટ ઘટી, તો કોંગ્રેસનો આઠમાંથી ચાર બેઠકમાં જ વિજય થયો છે. ભાજપનું સંખ્યાબળ 33 થયું છે. જિલ્લા પંચાયતની બેઠકોમાંથી સૌની નજર ભીમાસર (ચ.) ઉપર હતી, કેમ કે, આ બેઠક અનુ. આદિજાતિની હોવાથી અહીં જે ચૂંટાશે એ જ પ્રમુખ બનવાના હતા અને આ વિસ્તાર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વી. કે. હુંબલનો ગઢ હોવાથી સત્તા પક્ષને ઉમેદવારની શોધ હતી ને છેક માંડવીથી ભાજપે મહિલા ઉમેદવાર પ્રભાબેન હુણને ઉતાર્યાં, જે આખરે જીતી જતાં હવે સંભવત: તેઓને પ્રમુખ પદનો તાજ મળી શકે છે. અપસેટની વાત કરીએ તો જિ.પં.ની નિરોણા બેઠકના ઉમેદવારનું ભાજપે યાદીમાં એક નામ જાહેર કર્યું હતું. પાછળથી આ નામમાં ધારાસભ્યની સહમતી નહીં સધાતાં રાત્રે મુખ્યમંત્રી સુધી વાત પહોંચતાં અંતે નામ બદલ્યું ને ફોર્મ ભાજપ વતીથી ઘનશ્યામસિંહ જાડેજાએ ભર્યું હતું. `કચ્છમિત્ર' ચૂંટણી ચકરાવા વખતે પણ અહીં બારાતુ ઉમેદવાર સામે નારાજગી હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જે આજે પરિણામમાં સાબિત થયું. કોંગ્રેસના રાજેશભાઇ આહીર જીતી ગયા છે. નેત્રા જિલ્લા પંચાયત મહિલા અનામત બેઠકના ભાજપના ઉમેદવાર સામે પણ વિરોધ હોવા છતાં ટિકિટ ફાળવાઇ હતી. પરિણામ ભાજપ વિરુદ્ધ આવ્યું ને કોંગ્રેસનાં નેહાબેન રૂપારેલે ભાજપને શિકસ્ત આપી હતી. જિલ્લા પંચાયતની નાના કપાયા અને ભુજપુર એમ ચાર ઉપર વિજય થયો છે, જ્યારે ભાજપનું સંખ્યાબળ 34 થયું છે. - નવ તાલુકા પંચાયત : કચ્છની નવે નવ તાલુકા પંચાયત ઉપર ભગવો ઝંડો ફરક્યો છે. અંજાર તા.પં.ની 20 બેઠકમાંથી 15 ભાજપને (એક બિનહરીફ મળી ગઈ હતી), પાંચ કોંગ્રેસને, અબડાસામાં પણ 18માંથી 11 ભાજપ, સાત કોંગ્રેસ, ભચાઉ તા.પં. 20માંથી 16 ઉપરાંત ત્રણ બિનહરીફ ભાજપને, જ્યારે કોંગ્રેસના એક માત્ર સભ્ય વિજેતા થયા છે. ભુજ તા.પં.માં 32 બેઠક છે, જેમાંથી બે ભાજપની અગાઉ બિનહરીફ થઇ હતી. આજે 19 ભાજપના ઉમેદવાર વિજયી થતાં સંખ્યાબળ 21નું, જ્યારે 11 કોંગ્રેસને મળી છે. લખપત તાલુકા પંચાયતમાં માત્ર બે બેઠકનું અંતર રહ્યંy છે. અહીં 16માંથી ભાજપને નવ, કોંગ્રેસને સાત સીટ પ્રાપ્ત થઈ છે. માંડવી તા.પં.ની કુલ 20 બેઠક છે, જેમાં ત્રણ ભાજપે વગર ચૂંટણીએ હસ્તગત કરી લીધી હતી. આજે 13 ઉમેદવાર જીતતાં 17 અને કોંગ્રેસને ચાર સીટ મળી હતી. મુંદરા તા.પં.માં 18માંથી 10 ભાજપ, તો આઠ કોંગ્રેસ, નખત્રાણા તા.પં. 18માંથી 11 ભાજપ, સાત કોંગ્રેસ, રાપર તા.પં.ની 24 સીટમાંથી 21 ભાજપને, કોંગ્રેસને માત્ર બે સીટ મળી હતી. - મહાનગરપાલિકા : પહેલી વખત ગાંધીધામ મહાનગરપાલિકા થતાં વોર્ડ અને બેઠકો બાવન થઈ છે. 2021માં નગરપાલિકા વખતે પણ આ જ સ્થિતિ હતી, પણ પાંચ વર્ષ પહેલાં 50માંથી કોંગ્રેસ પાસે માત્ર પાંચ સીટ હતી, પણ આ વખતે મતદારોએ સત્તાપક્ષને ઈશારો કર્યો હોય તેમ સીધી બેઠકો ઓછી કરી નાખી છે ને કોંગ્રેસના 11 ઉમેદવાર આજે વિજેતા બન્યા હતા. ભાજપને 40માં જીત મળી, એક અગાઉ બિનહરીફ બેઠક જાહેર થઈ હતી. - પાંચ નગરપાલિકા : ભુજ નગરપાલિકમાં મોટો ઊલટફેર થયો ગણાય છે અને ખુદ મતદારોએ ચાર દાયકાથી સત્તા સંભાળતાં ભાજપને પોતાના મતોથી સ્પષ્ટ કહ્યંy કે, માપમાં રહેજો... કેમ કે, કુલ 44 બેઠક ભુજમાં છે, જેમાં ભાજપને છ બિનહરીફ મળી ગઈ હતી, પરંતુ આજે જાહેર થયેલાં પરિણામ ચોંકાવનારાં રહ્યાં હતાં. કોંગ્રેસને 13 બેઠક મળી, તો ભાજપના 22 ઉમેદવાર જીત્યા હતા. ત્રણ તો એ.આઈ.એમ.આઈ.એમ.ના ઉમેદવારોએ મેદાન માર્યું હોવાથી વિપક્ષ પાસે સંખ્યાબળ 16નું, તો સત્તાપક્ષ પાસે 28 સભ્ય હશે. માંડવી નગરપાલિકામાં મોટો અપસેટ સર્જાયો છે અને માંડવી નગરપાલિકાની 36માંથી 36 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બનતાં માંડવી નગરપાલિકા કોંગ્રેસમુક્ત બની ગઈ છે.  માંડવીમાં કેસરિયા પક્ષને મળેલી મોટી સફળતાનું શ્રેય ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે તથા તેમની ટીમને આપવામાં આવ્યું હતું. અગાઉ પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસ પાસે ચાર બેઠક હતી. મુંદરા : અહીંની નગરપાલિકાના મતદારોએ પાંચ વર્ષ અગાઉનું ખાતું સરભર કર્યું છે. ભાજપના ફાળે 19 અને કોંગ્રેસને નવ બેઠક આપી હતી. પાંચ વર્ષ પહેલાં પણ બંનેની એક સરખી બેઠકો હતી. અંજાર : અહીંની નગરપાલિકામાં સૌથી વધુ સાત બેઠક ભાજપે વગર ચૂંટણીએ બિનહરીફ મેળવી હતી. આજે પરિણામ જાહેર થતાં કુલ 36 સીટમાંથી 20 ભાજપને અને નવ કોંગ્રેસને બેઠક મળી હતી. નખત્રાણા : પહેલી વખત નગરપાલિકા બનેલી નખત્રાણામાં 28 બેઠક ફાળવવામાં આવી હતી. અગાઉ બે બિનહરીફ, તો આજે પરિણામમાં 22 ભાજપને, જ્યારે કોંગ્રેસને માત્ર ચાર બેઠક જ મળી હતી. 

Panchang

dd