• બુધવાર, 29 એપ્રિલ, 2026

ભુજ સુધરાઇમાં ભાજપની તાકાત ઘટવા પાછળનાં કારણોની ચર્ચા...

ભુજ, તા. 28 : આજે જાહેર થયેલાં ભુજ નગરપાલિકાનાં 10 વોર્ડનાં પરિણામોમાં ભાજપે 28 બેઠક સાથે સત્તા તો જાળવી રાખી છે, પરંતુ ગત બોડીમાં 36 બેઠક સાથેની મજબૂત બહુમતીમાં મોટું ગાબડું પડયું છે ને બેઠકોની સંખ્યા 28 થઇ ગઇ છે. બીજી તરફ વિરોધ પક્ષોએ જીતેલી બેઠકનો આંકડો આઠથી ડબલ 16 કરી નાખ્યો છે, 13 બેઠક કોંગ્રેસ અને ત્રણ એઆઇએમઆઇએમ પાર્ટીને મળી છે. ભુજ ભાજપની તાકાતને પહોંચેલા ઘસારા પાછળ ચર્ચાતાં કારણોમાં ભાજપ દ્વારા કરાયેલી ટિકિટ ફાળવણી ગણતરી વિના થઈ. ઉપરાંત 18 જેટલી બેઠક પર જે-તે વોર્ડ બહારના ઉમેદવારોને ચૂંટણી લડાવતા સ્થાનિક કાર્યકર્તાઓનો ઉત્સાહ ભંગ થયો હતો. ગટર, પાણી, માર્ગ સહિતની સમસ્યાઓ પણ ભાજપની બેઠકો ઘટાડવામાં કારણભૂત રહી હોવાનું લોક જીભે ચર્ચાતું હતું. ખાસ કરીને અપસેટ તો વોર્ડ નં. પાંચમાં થયો. વેપારીઓની વસ્તીવાળા આ વોર્ડમાં ભાજપ તરફની નારાજગી ઊડીને આંખે વળગી. આ તમામ બાબતોને પગલે કોંગ્રેસે લગભગ 35 વર્ષ બાદ ચારેચાર બેઠકો સત્તાપક્ષ પાસેથી ઝૂંટવી લીધી. વોર્ડ નં. એકની વાત કરીએ તો એઆઈએમઆઈએમના ઉમેદવારો કોંગ્રેસના મત તોડશે અને ભાજપને તેનો ફાયદો થશે, પણ આ ગણતરી પણ ઊંધી પડી. કેમ કે, જૂનો વર્ગ કોંગ્રેસ સાથે જ રહ્યો અને મોટાભાગે યુવાઓ એઆઈએમઆઈએમ તરફ વળતાં ભાજપને આ વોર્ડમાં હાર ખમવી પડી. જો કે, ભાજપે નવેક નવા ઉમેદવારોને ઉતાર્યા, જ્યારે જૂના જોગીઓને કોરાણે મૂકતાં પણ બેઠકો ઘટવા પાછળનું કારણ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. લોકશાહીમાં મજબુત વિરોધ પક્ષ જરૂરી છે પરંતુ વિપક્ષી સભ્યો નિષ્ઠા સાથે લોકોના પ્રશ્નો ઉઠાવે વે તો. - પરિણામોમાં રસપ્રદ  બાબતો સામે આવી : ભાજપના દિગ્ગજો જ્યાં રહે છે એવા ગઢ સમાન રતનાલ તા.પં. સીટ પર હારનો સામનો, ચાંદ્રાણી અને ભીમાસર (ભુ.) પણ ગુમાવી. - નેત્રા જિ.પં., રવાપર તા.પં.માં કોંગ્રેસના દંપતી અશ્વિન રૂપારેલ તથા નેહાબેન રૂપારેલ જીત્યા. - લઘુમતી મતબેંક ધરાવતી ભીરંડિયારા જિ.પં.માં ભાજપને જીત. - ફોર્મ ભરવાના દિવસ મેન્ડેટ મેળવેલા નલિયા જિ.પં.ના ભાજપના ઉમેદવારનો વિજય. - આડેસર તા.પં. બેઠક પર અપસેટ, આપના ઉમેદવારે મેદાન માર્યું, ભાજપ-કોંગ્રેસ કોઇ નહીં. - ભુજ નગરપાલિકામાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખના પુત્રને મળી કારમી હાર. - પટેલ ચોવીસીની કેરા બેઠક કોંગ્રેસના ખોળામાં. - નિરોણા અને નેત્રા જિ.પં. પરિણામ ભાજપ માટે અણધાર્યા. - અબડાસામાં ત્રણેય જિ.પં. સીટ ભાજપે કબજે કરી. - ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખનો નગરપાલિકામાં વિજય. - જિ.પં.ના પ્રમુખ માટે હોટફેવરિટ અને કોંગ્રેસનો ગઢ ગણાતી ભીમાસર (ચ.)માં કોંગ્રેસની હાર. 

Panchang

dd