વિશાખાપટ્ટનમ, તા. પ : આવતીકાલે અહીં
રમાનારી ત્રીજી નિર્ણાયક વન-ડેમાં ટીમ ઇન્ડિયાને તેના બે સૌથી અનુભવી સિતારા
ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસેથી વધુ એકવાર સારા દેખાવની આશા રહેશે.
જેથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની ત્રીજી અને નિર્ણાયક વન-ડે મેચમાં જીત હાંસલ કરી
શ્રેણી પોતાનાં નામે કરી શકે. ભારતના કેટલાક યુવા ખેલાડીઓ અપેક્ષિત પ્રદર્શન કરી
શક્યા નથી. આથી તેમના પર દબાણ રહેશે. બીજી તરફ દ. આફ્રિકા ટેસ્ટ બાદ વન-ડે શ્રેણી
જીતવા માટે કોઈ કસર છોડશે નહીં. તેની પાસે ભારતની ધરતી પર ટેસ્ટ પછી વન-ડે શ્રેણી
કબજે કરવાનો પણ મોકો છે. આ સ્થિતિમાં કેએલ રાહુલની ટીમે નિર્ણાયક મુકાબલામાં
સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. 3 મેચની શ્રેણી હાલ 1-1ની
બરાબરી પર છે. નિર્ણાયક ત્રીજી વન-ડેમાં પણ રોકોની ભૂમિકા હાર-જીતમાં નિર્ણાયક બની
રહેશે. પાછલી 4-પ વન ડેમાં આ જોડીએ સાબિત કરી દીધું છે કે તેમના માટે ઉંમર
ફક્ત આંકડો છે. વિરાટ કોહલી આ શ્રેણીમાં ઉપરાઉપરી બે સદી કરી ચૂક્યો છે. તે
સેન્ચૂરીની હ્રેટિક કરે તો આશ્ચર્ય ગણાશે નહી. રોહિત પણ બોલને સારી રીતે ફટકારી
કરી રહ્યો છે. તેની પાસેથી ટીમને સારી શરૂઆતની આશા રહેશે. ટીમ ઇન્ડિયાની ચિંતા
યુવા બેટર યશસ્વી જયસ્વાલનું નબળું ફોર્મ છે. તે ક્રિઝ પર સેટ થયા વિના ઉતાવળમાં
વિકેટ ફેંકી રહ્યો છે. આ ફોર્મેટમાં સ્થિર થવા તેની પાસે નજીકના ભવિષ્યમાં આ આખરી
મોકો છે. ભારત માટે સારી નિશાની એ છે કે મીડલ ઓર્ડરમાં ઋતુરાજ ગાયકવાડ રૂપી ટીમને
એક પરિપક્વ અને આક્રમક બેટધરનો વિકલ્પ મળ્યો છે. તેણે રાયપુરમાં શાનદાર સદી કરી
હતી. જો યશસ્વી પડતો મુકાય તો ગાયકવાડ દાવની શરૂઆત કરી શકે છે. જો કે, કોચ આવા પ્રયોગની
મુર્ખામી કરશે નહીં. વિશાખાપટ્ટનમાં ટીમ ઇન્ડિયાનો શાનદાર રેકોર્ડ છે. અહીં 10 વન
ડેમાંથી ભારતે 7 જીત નોંધાવી છે. જો કે,
પાછલી મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાર સહન કરી હતી. બેટિંગ લાઇનઅપ
મજબૂત કરવા ભારતીય ઇલેવનમાં વોશિંગ્ટન સુંદરનાં સ્થાને તિલક વર્માને તક મળી શકે
છે. ઝડપી બોલર કૃષ્ણાનાં સ્થાને ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી આખરી વન-ડે રમી શકે છે.
ભારતીય ટીમ પાછલી 20 વન-ડેથી ટોસ જીતી શકી નથી. જેનું
નુકસાન પાછલા વન-ડેમાં સહન કરી ચૂકી છે. ઝાકળના પ્રભાવને લીધે દ. આફ્રિકાએ 360 ઉપરનો
લક્ષ્યાંક સર કરી લીધો હતો. આફ્રિકાની ટીમમાં બે ફેરફાર નિશ્ચિત માનવામાં આવે છે.
મેચ શનિવારે બપોરે 1-30થી શરૂ થશે.