• મંગળવાર, 01 જુલાઈ, 2025

બર્મિંગહામમાં ટીમ ઇન્ડિયાને પ્રથમ જીતની શોધ

બર્મિંગહામ, તા. 30 :  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો બીજો મુકાબલો બુધવારથી રમાશે. લીડસ ટેસ્ટની આંચકારૂપ હાર બાદ ટીમ ઇન્ડિયા પુનરાગમન માટે જોરદાર તૈયારી કરી રહી છે. જો કે, બર્મિંગહામમાં ભારતનો અગાઉનો રેકોર્ડ સારો રહ્યો નથી. ટીમ ઇન્ડિયા અહીં આઠ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેને સાત મેચમાં હાર સહન કરવી પડી છે, જ્યારે એક મેચ ડ્રો    રહી છે. ટીમ ઇન્ડિયા અહીં જીતથી વંચિત છે. હવે નવો કપ્તાન શુભમન ગિલ તેની આગેવાનીમાં બર્મિંગહામમાં ભારતને પહેલો ટેસ્ટ વિજય અપાવશે કે કેમ તે મોટો સવાલ છે. ભારતીય ટીમ અહીં છેલ્લે 2022માં ટેસ્ટ મેચ રમી હતી, ત્યારે જસપ્રિત બુમરાહ ઇન્ચાર્જ કેપ્ટન હતો. આ મેચમાં રિષભ પંતે 146 અને પ7 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આમ છતાં ભારતને સાત વિકેટે હાર સહન કરવી પડી હતી. પંત પાસે બીજી ટેસ્ટમાં વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરવાની તક છે. તે ઇંગ્લેન્ડ સામે પાંચ સદી કરી ચૂક્યો છે, જેમાંની ચાર સદી ઇંગ્લેન્ડની ધરતી પર ફટકારી છે. જો તે વધુ એક સદી કરશે તો ઇંગ્લેન્ડમાં સૌથી વધુ સદી કરનારો દ્રવિડ પછીનો બીજા નંબરનો બેટધર બની જશે. પંત સચિનને પાછળ રાખી દેશે. દરમ્યાન આખરી ઇલેવનની પસંદગીની મૂંઝવણ ટીમ ઇન્ડિયા અનુભવી રહી છે. એ.બી. ડિવિલિયર્સે બુમરાહને બીજી ટેસ્ટમાં ન રમાડવાના નિર્ણયની ટીકા કરી છે. એક મત એવો છે કે, બુમરાહ વિના ભારત ટેસ્ટ ન જીતી શકે. આખરી ઇલેવનમાં ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીની વિચારણા થઇ શકે છે. એ સિવાય ભારત જાડેજા ઉપરાંત વધુ એક સ્પિનરને સ્થાન આપી શકે. તે વોશિંગ્ટન સુંદર હશે કે સ્પેશિયાલિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ એ મેચ પૂર્વે જ ખબર પડશે. ભારતે લિડ્સ ટેસ્ટ કંગાળ ફિલ્ડિંગ-કેચિંગને લીધે ગુમાવી હતી, એ જોતાં ટીમ પાસે ભરપૂર પ્રેક્ટિસ કરાવવામાં આવી છે. રાહુલ દ્રવિડે ઇંગ્લેન્ડમાં 13 ટેસ્ટમાં 6 સદી કરી છે. સચિન તેંડુલકરે 17 ટેસ્ટમાં ચાર સદી કરી છે. પંતે ઇંગ્લેન્ડમાં 10 ટેસ્ટમાં ચાર સદી કરી છે. દિલીપ વેંગસરકરે 13 ટેસ્ટમાં ચાર સદી કરી હતી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ સદીનો ભારતીય વિક્રમ પણ દ્રવિડના નામે છે. દ્રવિડે 21 મેચમાં સાત સદી કરી છે. સચિને ઈંગ્લેન્ડ સામે કુલ 32 મેચ રમી હતી, જેમાં સાત સદી છે. અઝહરૂદીને 1પ ટેસ્ટમાં છ સદી અને વિરાટ કોહલીએ 28 ટેસ્ટમાં પાંચ સદી કરી છે. આ સામે રિષભ પંતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 13 ટેસ્ટ મેચમાં પાંચ સદી કરી છે. વધુ એક સદીથી તે વિરાટથી પણ આગળ થશે. ઇંગ્લેન્ડનો સૌથી વધુ સદીનો એકદંર વિક્રમ મહાન ડોન બ્રેડમેનના નામે છે. તેણે 11 સદી કરી છે. સ્ટીવન સ્મિથ આઠ સદી સાથે બીજા સ્થાને છે.

Panchang

dd