ગાંધીધામ, આદિપુર અને ગ્રામીણ
વિસ્તારના આરોગ્ય કેન્દ્રોમાં ખાલી જગ્યાઓથી સ્વાસ્થ્ય સેવાઓ ઉપર ગંભીર અસર
ગાંધીધામ, તા. 15 : ગાંધીધામ
કોર્પોરેશન હેઠળના જોડિયા શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરો તથા અલગ
અલગ આરોગ્ય કેન્દ્રોમાં મહત્ત્વના તબીબો સહિત 60થી વધુ જગ્યા ખાલી હોવાથી ડેન્ગ્યુ
સહિતના રોગચાળા અને રસીકરણની કામગીરી ઉપર ગંભીર અસર પડી રહી છે. ડોક્ટર વગર દર્દીઓની
કોણ તપાસ કરશે તે સહિતના ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કોર્પોરેશન અને જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લોકોનાં સ્વાસ્થ્યને
ધ્યાને લઈને પગલાં ભરે તેવી માંગ ઊઠી છે. મહાનગર
વિસ્તારમાં 12 મેડિકલ
ઓફિસર પૈકી છથી વધુ જગ્યા ખાલી છે, મીઠીરોહર,
64 બજાર, આદિપુર એક, વોર્ડ 5-બી, આદિપુર-2, ગણેશ નગર ગાંધીધામ બે, કાર્ગો ગાંધીધામ ત્રણ, સપનાનગર ગાંધીધામ પાચમાં મેડિકલ
ઓફિસરની જગ્યાઓ ખાલી છે, જ્યારે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના
10થી
વધુ પૈકી ગોપાલનગર તથા આંબેડકર નગર, ડીસી-5, ખોડિયારનગર, જગજીવન નગરમાં મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી છે. આ આરોગ્ય કેન્દ્રમાં ઘણા લાંબા
સમયથી 15ની
આસપાસ મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી છે, જેની સીધી અસર
આરોગ્ય સેવાઓ ઉપર પડી રહી છે. આ ઉપરાંત ફિમેલ હેલ્થ વર્કરની 30થી
વધુ જગ્યા ખાલી છે, જ્યારે મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરની
16થી
વધુ જગ્યા લાંબા સમયથી ખાલી છે તેમજ 10 પૈકી માત્ર એક જ જગ્યાએ પુરુષ
સુપરવાઇઝર છે અને 10 પૈકી એક પણ જગ્યાઓ ઉપર મહિલા સુપરવાઇઝર નથી. મહાનગરના
188 ચોરસ
કિલોમીટર વિસ્તારમાં આવેલાં આરોગ્ય કેન્દ્રમાં ઘણા લાંબા સમયથી 60થી
વધુ જગ્યાઓ ખાલી છે, જેની સીધી અસર સ્વાસ્થ્ય સેવાઓ
ઉપર પડી રહી છે. રોગચાળો માથું ઊંચકે છે, વધતી જતી બીમારીઓ સામે
કેમ લડવું તે સહિતના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટેના પ્રયાસો નહિવત
છે, મહાનગરપાલિકાના કમિશનર તથા સત્તાધીશો ઉપરાંત રાજ્ય સરકારમાં
પ્રતિનિધિત્વ કરતા જનપ્રતિનિધિઓ અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માનવ સ્વાસ્થ્યને ધ્યાનમાં
લઈને ખાલી જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર સુધી રજૂઆતો કરવામાં આવે તેવું જાગૃત નાગરિકો
કહી રહ્યા છે. હાલના સમયે જનપ્રતિનિધિઓની નિષ્ફળતા ઊડીને આંખે વળગી રહી છે,
રોગચાળા ઉપરાંત રસીકરણ સહિતના આરોગ્ય લક્ષી કાર્યક્રમો ઉપર ખાલી જગ્યાઓની
ગંભીર અસર પડી રહી છે. અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ દ્વારા વહેલી તકે આ જગ્યાઓ ભરાય તેવા
પ્રયાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.