આજે મુંબઈમાં અંતિમયાત્રા નીકળશે : કચ્છી સમાજને
મોટી ખોટ સાલશે
મુંબઈ, તા. 1પ
(અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છના સેવાભાવી આગેવાન ઉદ્યોગપતિ અને જાણીતા દાનવીર ચંદ્રકાંતભાઈ
વલ્લભજી ગોગરીનું રવિવારે સાંજે અવસાન થયું હતું. તેમનાં નિધનથી કચ્છી સમાજને મહાન
દાનવીરની ખોટ પડી છે, તેઓ 80 વર્ષના
હતા. નાના ભાડિયાના વતની ચંદ્રકાંતભાઈ ગોગરી ઉદ્યોગપતિ હતા. તેમણે કરોડો રૂા.નું દાન
કરીને અનેક સેવાકાર્યોમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો. તેઓ કેમિકલ એન્જિનીયર હતા.
તેમણે આરતી ઈન્ડસ્ટ્રીઝની સ્થાપ્ના કરી હતી. કચ્છમાં જળસંચયનાં કાર્યોમાં અગ્રેસર રહ્યા
હતા. દેશના અનેક રાજ્યોમાં ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, જળસંચય સહિતનાં કાર્યો કર્યાં હતાં. પરિવારમાં
પત્ની જયાબેન અને પુત્ર-પુત્રી છે. નાના ભાઈ રાજેન્દ્ર ગોગરી છે.
સદ્ગતની અંતિમયાત્રા આવતીકાલે સોમવારે તા. 16મીએ સવારે 10 વાગ્યે
પવઈ સ્થિત નિવાસસ્થાનેથી નીકળશે. સદ્ગત ચંદ્રકાંતભાઈ ટ્રસ્ટીશિપ સિદ્ધાંતોને અનુસરતા
હતા. માતાને પ્રેરણાસ્રોત માનતા આ સેવાભાવી અગ્રણીએ કોઈ પણ નામ-પદની પ્રસિદ્ધિ કર્યા
વગર ન માત્ર કચ્છમાં જ બલ્કે મરાઠવાડા, ઉત્તરપ્રદેશ,
બિહાર સહિતના રાજ્યોનાં કામ કર્યાં હતાં. હાલ તેમની ત્રીજી પેઢી ઉદ્યોગમાં
અગ્રેસર હોવાની સાથે સેવાકાર્યોને આગળ ધપાવી
રહી છે. ચંદ્રકાંતભાઈનું વ્યક્તિત્વ વિશાળ હતું. સમાજ પ્રત્યેની લાગણી અતૂટ
હતી. સમાજે તેમનાં નિધનથી એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિ, દાનવીરની સાથે
માર્ગદર્શક, હિતચિંતક અને પ્રેરણાસ્રોત ગુમાવ્યા છે. સમાજના વિવિધ
અગ્રણીઓએ તેમને શ્રદ્ધા-સુમન અર્પ્યા હતા.