• સોમવાર, 16 નવેમ્બર, 2026

પ્રકૃતિ તરફ પાછા વળવાનો સંદેશ આપનારા ભગવાન બિરસા મુંડા પ્રેરણારૂપ

ભુજ ખાતે જનજાતીય ગૌરવ દિવસ-2026ની ઉજવણી સાંસ્કૃતિક પ્રસ્તુતિ, વિશિષ્ટ સિદ્ધિપ્રાપ્તોનું સન્માન, લાભોનું વિતરણ જનજાતીય સમાજના ઈતિહાસ અને યોગદાનને યાદ કરાયા

ભુજ, તા. 15 : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ દિવસ-2026 અંતર્ગત ભુજ ખાતે આદિજાતી વિકાસ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં પ્રકૃતિ તરફ પાછા ફરવાનો સૂર વ્યક્ત કરાયો હતો.

સમાજના સ્વાભિમાન માટે પ્રેરણાદાયી

દેશભરમાં જનજાતીય ગૌરવ દિવસ 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં યોજાયેલા કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરી ધરતી આબા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના સાહસ, સંઘર્ષ તથા બલિદાનને આદિવાસી સમાજના સ્વાભિમાન માટે પ્રેરણાદાયી ગણાવ્યા હતા.

સમાજ-રાષ્ટ્ર ઉત્કર્ષ માટે સમર્પિત

આ અવસરે અધ્યક્ષસ્થાનેથી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, નવા વર્ષની શુભકામના પાઠવી પ્રકૃતિની જેણે પૂજા કરી છે અને પ્રકૃતિ તરફ પાછા વળવાનો સંદશો આપ્યો છે એવા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીએ ઉજવણી કરાઈ હોવાનું જણાવ્યું હતું. 25 વર્ષની આયુમાં પોતાનાં જીવનને સમાજ તથા રાષ્ટ્રના ઉત્કર્ષ માટે સમર્પિત કર્યું હતું. અભિષુ રાજા અભિષુ દીસમ સૂત્ર સાથે દેશને સ્વતંત્ર કરવા લડાઈ લડી હતી, તેવા સ્વતંત્રવીરનાં યોગદાનને જન-જન સુધી પહોંચાડવા મોદીજી દ્વારા ઉજવણીનો નિર્ણય લેવાયો હોવાનું ઉમેર્યું હતું.

ધરતીપિતા તરીકે ઓળખ

સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે, આઝાદી પહેલાં આદિવાસી સમુદાયમાં ધરતીના પિતા તરીકે જેમની ઓળખ હતી અને હંમેશાં જનજાતીય સમુદાય માટે હક્કો  માટે, સાંસ્કૃતિક વારસો સાચવવા, અંધશ્રદ્ધા દૂર કરવા, વ્યસનમુક્તિ તેમજ પરિશ્રમ કરી પોતાના ધર્મ અને સંસ્કૃતિ પર ગૌરવ રાખવાના સંદેશાઓ આપ્યા છે, ત્યારે આવા મહાપુરુષોનાં જીવનમાંથી પ્રેરણા લઈ સમાજકાર્યમાં સહભાગી બનીએ તેવી આશા વ્યક્ત કરી હતી.

અંગ્રેજો સામે લડત કરી

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જણાવ્યું હતું કે,  માત્ર 25 વર્ષની ટૂંકી આયુ ધરાવનારા ભગવાન બિરસા મુંડાએ પોતાની સંસ્કૃતિ, અસ્મિતા અને જંગલ-જમીનના અધિકારો માટે અંગ્રેજો સામે લડત કરી હતી. તેમની આ લડાઈ માત્ર જમીનદારો સામે નહીં, પરંતુ જમીન અને જંગલના મૂળ અધિકારો માટેની હતી. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જનજાતીય સમાજના સ્વાભિમાન અને ગૌરવને પુન:સ્થાપિત કરવા આવા મહાપુરુષોના આદર્શોને અપનાવવામાં આવી રહ્યા છે તેમ ઉમેર્યું હતું.

સન્માન અને લાભ વિતરણ

ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમના પ્રારંભે સીદી સમુદાયના કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય કલાની પ્રસ્તુતિ બાદ દીપ પ્રાગટય કરાયું હતું. આ પ્રસંગે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા છાત્રો, ખેલકૂદ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, વિવિધ હોદ્દા પર મેળવેલી સિદ્ધિઓ બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું. આ ઉપરાંત આરોગ્ય વિભાગ અંતર્ગત આયુષ્યમાનકાર્ડનું વિતરણ, સાઈકલ વિતરણ સહિતના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલી વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓની ઝાંખી દર્શાવતી દસ્તાવેજી ફિલ્મનું પ્રસારણ કરાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજા, તા.પં. પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિ.પં. ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરીશ ભંડેરી, આરોગ્ય સમિતિ ચેરમેન રણજિતસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મંજુલાબેન ચાવડા, કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, પ્રાંત અધિકારી એમ. નાકિયા, ફલજીભાઈ ચૌધરી, ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.

વડાપ્રધાન હસ્તે વિકાસ પરિયોજનાઓનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન-શિલાન્યાસ

વર્ચ્યુઅલી 3000 કરોડ રૂા.ની રાજ્યભરમાં 246 વિવિધ પરિયોજનાઓના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરાયા હતા, જેમાં પીએમ જનમન અંતર્ગત 100 એમપીસી બહુહેતુક કેન્દ્રો, 11 રાજ્યમાં 57 એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલય, અનુચ્છેદ 275 (1) અંતર્ગત 32 નવા વિદ્યાલય, છાત્રાલય અને આરોગ્ય કેન્દ્ર, ઈટાનગર અરુણાચલપ્રદેશ ખાતે જનજાતીય સંશોધન સંસ્થા ભવન પાંચાલી, ડીએજેજીયુએ અંતર્ગત 55 નવા છાત્રાલય, વિદ્યાલય, સુવિધાઓ અને જનજાતીય બહુહેતુક માર્કેટિંગ કેન્દ્રો, રોપડલિયાની જનજાતીય સ્વતંત્રસેનાની સંગ્રહાલય કેલ્સિહ આઈઝોલ મિઝોરમ સહિતનો સમાવેશ થાય છે. આ માટે એક લાખ કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેનો હેતુ આદિવાસી પરિવારો સુધી શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને મૂળભૂત સુવિધાઓ ઝડપથી પહોંચાડવાનો છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd