વાયબ્રન્ટ ગુજરાત 2027 અંતર્ગત
સાત પ્રવાસન સ્થળના વિકાસ માટેની ઘડાતી રૂપરેખા : આખું વર્ષ પ્રવાસન સિઝન ધમધમે તે
દિશામાં કાર્ય હાથ ધરાશે
ભુજ, તા. 15 : પ્રવાસન
ક્ષેત્રે કચ્છ હવે દેશ-દુનિયાના નકશે ચમકી ચૂક્યું છે, ત્યારે કચ્છના પ્રવાસનને વૈશ્વિક સ્તરે વધુ ઓળખ અપાવવા માટે કચ્છ ટૂરિઝમ કોરિડોરનાં
નિર્માણનો મહત્ત્વપૂર્ણ તખતો ઘડાઈ રહ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત 2027માં
450 કરોડનાં
મોટાં રોકાણ સાથે આ કોરિડોર નિર્માણ માટેની ગતિવિધિ આરંભવામાં આવી છે.
સાત પ્રવાસન સ્થળે સુવિધાઓ વિકસાવાશે
પ્રસ્તાવિત કચ્છ ટૂરિઝમ કોરિડોરમાં કચ્છનાં સાત
પ્રવાસન સ્થળને સાંકળી અહીં વિવિધ સુવિધાઓ વિકસાવવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે, જે સાત સ્થળનો કોરિડોરમાં સમાવેશ કરવાની યોજના છે તેમાં ધોરડો સફેદ રણ,
ધોળાવીરા, માતાના મઢ, નારાયણ
સરોવર, કોટેશ્વર અને કોરીક્રીક સહિતના સમાવિષ્ટ છે.
માળખાંગત સુવિધાનો વિકાસ
આ કોરિડોર અંતર્ગત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે નવા
ટેન્ટસિટી સાથે પ્રવાસન સ્થળોએ પહોંચવા માટે રસ્તા, સ્થાનિકે
આંતરમાળખાંકીય સુવિધાનું અપગ્રેડેશન કરવામાં આવશે. ઈકો-ટૂરિઝમને વેગ આપવા માટે ઈકો-ટૂલ્સ અને નેચર ટૂરિઝમ વિકસાવીને ઐતિહાસિક મહાત્મ્ય
ધરાવતા સ્થળોને જોડવાનું પણ આયોજન ઘડવામાં આવી રહ્યું છે.
પ્રવાસનનાં અલગ - અલગ ક્ષેત્રને સ્થાન
આ કોસ્ટલ ટૂરિઝમ કોરિડોર અંતર્ગત રણ અને હેરિટેજ
પ્રવાસન,
ધાર્મિક આસ્થાનાં કેન્દ્રો, દરિયાઈ અને કુદરતી
સૌંદર્યને સાચવી બેઠેલાં પ્રવાસન સ્થળોને વધુ વિકસાવી આ તમામ પ્રવાસનધામોનો કાયાકલ્પ
કરવાનો મહત્ત્વનો તખતો આ કોરિડોર અંતર્ગત ઘડવામાં આવી રહ્યો છે.
સ્થાનિક રોજગારીની તકો વધશે
વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત ટૂરિઝમ કોરિડોર નિર્માણ
કરવા ચક્રો ગતિમાન કરાયાં છે. તેની સાથે આગામી દાયકા દરમિયાન પ્રવાસન ક્ષેત્રમાં 500 કરોડનાં
ખાનગી મૂડીરોકાણ આવવાની સંભાવનાની સાથે સ્થાનિક રોજગારીની તકો આ કારણે વધુ વિકસશે એવી
ઊજળી શક્યતાઓ સર્જાઈ છે. સૂચિત યોજનાથી સ્થાનિક હોટેલ-રિસોર્ટ, કચ્છી હસ્તકળાના કારીગરો, નાના વ્યાવસાયિકો સહિતના માટે
રોજગારીની વિપુલ તકોનું સર્જન થશે.
પ્રવાસન સિઝન આખું વર્ષ ધમધમશે
સામાન્ય રીતે કચછમાં યોજાતા રણોત્સવ દરમિયાન પ્રવાસનની
સિઝન પૂરબહારમાં ખીલી ઊઠતી હોય છે, પણ વાયબ્રન્ટ
ગુજરાતના મેગા પ્લાન અંતર્ગત કચ્છનું પ્રવાસન માત્ર રણોત્સવ પૂરતું સીમિત ન રહેતાં
આખું વર્ષ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું
છે.