હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 28 : ચાલુ સાલે વરસેલી અપૂરતી મેઘમહેરનાં
કારણે રાજ્ય સરકારે કચ્છ સહિતના ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. દુષ્કાળગ્રસ્ત
જાહેર કરાયેલ જિલ્લામાં કેન્દ્ર સરકાર હસ્તકના એસડીઆરએફના ભંડોળમાંથી ખેડૂતોને પાક
સહાય અને પશુપાલકોને પશુસહાય ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત અનુસાર 1લી નવેમ્બરથી બે માસના ગાળા માટે એસડીઆરએફ
ફંડમાંથી કચ્છના ખેડૂતો અને પશુપાલકને સહાય પેટે 1000 કરોડ જેટલું ચૂકવણું કરવામાં આવે તેવો અંદાજ લગાવવામાં આવ્યો
છે. દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ માટે હજુ સુધી રાજ્ય સરકારે કોઈ સત્તાવાર પરિપત્ર જાહેર
કર્યો નથી એટલે ખેતી અને પશુ સહાય પેટે કેટલું ચૂકવણું થશે તેનો ચોક્કસ આંકડો એ પછી
જ સામે આવશે. - પાક સહાય પેટે 500 કરોડ : કચ્છમાં ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા
અનુસાર અઢી લાખ જેટલા ખેડૂતો નોંધાયેલા છે.
જિલ્લામાં નાના અને સિમાંત ખેડૂતોની સંખ્યા લગભગ એક લાખ જેટલી છે. આવા ખેડૂતો પાસે
ખેતીલક્ષી જમીન ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. એક અનુમાન અનુસાર જિલ્લામાં અઢી પૈકી દોઢ
લાખ ખેડૂતો એવા છે કે, જેઓ પાસે બે
હેક્ટરથી વધુની ખેતીલક્ષી જમીન છે. રાજ્ય સરકારની જાહેરાત અનુસાર પાક સહાય પેટે પ્રતિ
હેક્ટરદીઠ 8500 લેખે જિલ્લાના
ખેડૂતોને મલમપટ્ટા રૂપે 500 કરોડ જેટલું
ચૂકવણું કરવામાં આવશે. - પશુ કેમ્પ
સહાય માટે પણ 500 કરોડ
: વિશાળ માત્રામાં પશુધન ધરાવતાં કચ્છમાં
દુષ્કાળની સ્થિતિને ધ્યાને લઈ પશુપાલકોને પશુદીઠ પ્રતિ દિવસ 80 રૂા.ની સહાય બે મહિના માટે
એસડીઆરએફ ફંડમાંથી અને તે પછી રાજ્ય સરકાર દ્વારા પશુ કેમ્પની સહાય ચૂકવવામાં આવશે.જિલ્લામાં
દસ લાખ જેટલા દુધાળાં પશુઓ નોંધાયેલાં છે, જેઓ આ સહાયને પાત્ર થવાના છે. તેમને બે મહિનામાં લગભગ 500 કરોડ જેટલું ચૂકવણું કરવામાં
આવશે. - પરિપત્રની જોવાતી રાહ : જિલ્લા વહીવટી તંત્રના સત્તાવાર સુત્રોનો
સંપર્ક સાધતાં તેમણે ખેડૂતો, પશુપાલકોને
સહાય પેટે કુલ કેટલું ચૂકવણું કરવામાં આવશે તેનો ચોક્કસ આંક આપવામાં અસમર્થતા દેખાડી
હતી. રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી પરિપત્ર
જાહેર કરવામાં આવ્યો ન હોવાથી ખરેખર કેટલા ખેડૂતો અને પશુપાલકો પાત્રતા ધરાવે છે તેમની
ચોક્કસ વિગત સામે આવી નથી. - 2018 કરતાં વધુ ચૂકવણાનું અનુમાન : 2018માં કચ્છમાં
અછતની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ખેડૂતોને પાક સહાય પેટે હેક્ટરદીઠ 6800, તો પશુસહાય પેટે પ્રતિ દિવસ
70 રૂા.નાં ચૂકવણા કરાયાં હતાં.
આ વખતે બન્નેમાં સહાયની રકમ વધારવામાં આવી હોવાથી 2018ની સરખામણીએ સહાય ચૂકવણાનો આંક વધવાની પૂરેપૂરી શક્યતા છે. - ખેડૂતોમાં અસંતોષ : રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય પેટે પ્રતિ
હેક્ટર 8500 રૂા. ચૂકવવાનો નિર્ણય કર્યો
છે. સહાયની રકમ મજાક સમાન હોવાના આક્ષેપ સાથે ખેડૂતો પોતાનો અસંતોષ દેખાડી રહ્યા છે.
વધુમાં દુષ્કાળની જાહેરાત પણ ઘણી મોડી કરી હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.